લેખક: સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે
લેખના પહેલા ભાગમાં આપણે ચંદ્રયાન-1 ચંદ્રની કક્ષામાં સફળતા પૂર્વક શી રીતે પહોંચ્યુ એ જોયું. ચંદ્રયાન-1 મિશન ઇજનેરી તથા વૈજ્ઞાનિક એમ બન્ને રીતે સફળ રહ્યું. પરંતુ મોટા ભાગના મિશન, ખાસ કરીને પોતાના પ્રકારના પ્રથમ મિશનમાં બને છે એમ, ચંદ્રયાન-1 મિશન મુશ્કેલી વગરનું ન હતું. ચંદ્રયાન-1 પોતાની કક્ષામાં પહોંચ્યું તેના થોડા જ દિવસ બાદ, તારીખ 25 નવેમ્બર 2008ના દિવસે યાનનું નિયંત્રણ કરનાર ઇજનેરોએ નોંધ્યું કે યાનના કેટલાક ઉપકરણ અને પ્રણાલીનું ઉષ્ણતામાન અનુમાન કરતા વધુ, 50 અંશ સેલ્સીયસ જેટલું થવા લાગ્યું હતું. ઇજનેરોએ શરૂઆતમાં તો ઉષ્ણતામાન વધવાનું કારણ ચંદ્રની આ નીચી કક્ષામાં ચંદ્ર પરયી વધુ માત્રામાં આવતો સૂર્યનો પરાવર્તિત પ્રકાશ છે એવું અનુમાન કર્યું. ઉપાય રૂપે એમણે યાનને એવી રીતે ફેરવ્યું કે યાનના જે ઉપકરણ વધુ ગરમી પેદા કરતા હોય, તે સૂર્ય અને ચંદ્ર બન્નેની સામે ન આવે, એમની ગરમી ઠંડા અંતરિક્ષમાં ફેલાઇ જાય. સાથે-સાથે, વધુ વિદ્યુત વાપરી વધુ ગરમી ઉત્પન્ન કરતા હતા એવા કેટલાક વૈજ્ઞાનિક ઉપકરણ બંધ પણ કરી દેવામાં આવ્યા. આમ કરવાથી ઉષ્ણતામાન આશરે 10 અંશ જેટલું ઘટ્યું તો ખરું, પણ થોડા સમય બાદ ઉષ્ણતામાન ફરી વધવા લાગ્યું. હવે એક સમયે દસમાંથી માત્ર એક જ વૈજ્ઞાનિક ઉપકરણ ચાલું રાખવાનો નિર્ણય લેવાયો. કદાચ સૂર્ય તથા પૃથ્વી પરથી યાન પર પડતી ગરમી અનુમાન કરતા વધુ હતી? વધુ સંશોધન કરતા જાણવા મળ્યું કે વિદ્યુતશક્તિને નિયંત્રિત કરી યાનના વિવિધ ઉપકરણને પહોંચાડતા સાધન, પાવર કન્વર્ટર (Power Converter)માંથી જે ગરમી, ઉષ્મા ઉત્પન્ન થાય તેને વહન કરી અંતરિક્ષમાં ફેલાવી દેવા માટેની રચના ખામી ભરેલી હતી., તેથી ગરમીનું વહન સારી રીતે થઇ રહ્યું ન હતું. છેવટે, જ્યારે બધા જ વૈજ્ઞાનિક ઉપકરોણોએ પોતાના નિયત કરેલા અવલોકન પુરા કર્યા ત્યારે તારીખ 19 મે 2009માં ચંદ્રયાન-1ની કક્ષાની ઉંચાઇ 100 કી.મી થી વધારી 200 કી.મી, કરવામાં આવી, જેથી ચંદ્ર પરથી પરાવર્તિત થઇ આવતી ગરમીની અસર ઓછી થાય. પરંતુ આ અને આવા બીજા અન્ય પ્રયોગો બાદ જણાયું કે જે ત્રુટી છે, એ યાનની ઉષ્ણતામાન નિયંત્રિત કરવાની પ્રણાલીમાં જ છે. આ ત્રુટીને કારણે ચંદ્રયાન-1નું સંચાલન અને નિયમન કરતી પ્રણાલીઓ પણ ધીરે-ધીરે વધારે ને વધારે ગરમ થઇ અને કાર્યરત રહેવાની એમની ક્ષમતા લગભગ નષ્ટપ્રાય થઇ ગઇ. છેવટે પૃથ્વી સાથે સંપર્ક માટેના ટ્રાન્સમીટર પણ બંધ થઇ ગયા, તેથી યાનનો કાર્યકાળ 312 દિવસમાં પૂરો થઇ ગયો.
પોતાના યાનને ચંદ્રની કક્ષામાં પહોંચાડવું એ ઇસરોની ચંદ્ર ભણીની યાત્રાનું પ્રથમ સોપાન હતું. હવે સમય હતો ચંદ્રની ધરતી પર ઊતરી શકે એવું યાન બનાવવાનો, અને સપાટી પર ફરી શકે એવા વાહનની મદદથી ઊતરેલા યાનની આસપાસની ચંદ્રની ઘરતીનો અભ્યાસ કરવાનો. આ ધ્યેય સાથે ચંદ્રયાન શ્રેણીના બીજા મિશન ચંદ્રયાન-2ની ત્રણ ભાગ સાથેની યોજના ઘડવામાં આવી. મિશનનો પહેલો ભાગ, ચંદ્રયાન-1 જેવું “ઓરબીટર” (Orbitor- કક્ષામાં ઘુમનાર) હતું, જેનુ કાર્ય વૈજ્ઞાનિક સંશોધન ઉપરાંત ચંદ્ર પર ઊતરેલા યાનને પૃથ્વી સાથે સંપર્ક જાળવી રાખવામાં મદદ કરવાનું હતું. મિશનનો બીજો ભાગ, ચંદ્ર પર ધીરેથી ઊતરનાર “લેન્ડર” (Lander- ઊતરાણ કરનાર) હતું અને ત્રીજો ભાગ એક નાની બગી, “રોવર” (Rover- ફરતું રહેનાર) જે લેન્ડર ચંદ્ર પર ઊતરે, ત્યાર બાદ તેના પેટાળમાંથી નીકળી, લેન્ડરની આસપાસ 100-200 મીટરના ક્ષેત્રમાં ફરી ચંદ્રની સપાટીનો અભ્યાસ કરે.
ચંદ્રયાન-1 હજુ તો ઇસરોની પ્રયોગશાળામાં ચંદ્રની કક્ષામાં પ્રયાણ માટે સજ્જ થતું હતું એ દરમ્યાન જ 12મી નવેમ્બર 2008ના દિવસે રશિયાના રોસકોસ્મોસ (ROSCOSMOS) અને ઇસરો વચ્ચે ચંદ્રયાન-2 મિશનનો પ્રારંભ કરવાના કરાર થઇ ચૂક્યા હતા. કરાર અનુસાર લેન્ડર મોડ્યુલ રશિયાએ બનાવવાનું હતું, જ્યારે ઇસરોની મુખ્ય જવાબદારી ઓરબીટર અને રોવર બનાવવાની હતી. આ બધા ભાગનું એકીકરણ કરી ઇસરોના GSLV Mark-2 દ્વારા પ્રક્ષેપિત કરવાનું હતું. પરંતુ આ દરમ્યાન રશિયાનું મંગળ ગ્રહ માટેનું એક મિશન “ફોબોસ-ગ્રન્ટ” (Phobos- Grunt), અસફળ રહ્યું. ફોબોસ-ગ્રન્ટમાં ઉપયોગમાં લેવાયેલા જેવા જ કેટલાક ભાગો ચંદ્રયાન-2 માટેના લેન્ડરમાં પણ ઉપયોગમાં લેવાના હતા. તેથી રશિયાએ એ ભાગોની રચના બદલી નવેસરથી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ આમ કરવાથી યાનનું વજન ઘણું વધી જતું હતું. રશિયાની બીજી શરત રોવરનું વજન ઓછું કરવાની હતી. ઉપરાંત, ઇસરોની સમય-મર્યાદામાં આ કામ પૂરું થાય એમ પણ ન હતું. તેથી ઇસરોએ ચંદ્રયાન-2નું લેન્ડર જાતે જ બનાવવાનો નિર્ણય કર્યો. લેન્ડરના વિકાસ માટે સમય લાગે એમ હોવાથી ઇસરોએ ચંદ્રયાન-2 માટે બનેલા કેટલાક ભાગોનો ઉપયોગ મંગળયાન માટે કરી લીધો. આ બધા ફેરફારોને લીધે ચંદ્રયાન-2ના વજનનું અનુમાન 3,250 કી.ગ્રામથી વધી 3,850 કી. ગ્રામ જેટલું થઇ ગયું, તેથી એને ઇસરોના સૌથી વધારે શક્તિશાળી રોકેટ LVM-3 દ્વારા લોન્ચ કરવાનો નિર્ણય લેવાયો.
ઇસરો પાસે ચંદ્રયાન-2 માટે ઓરબીટર બનાવવાનો અનુભવ તો હતો જ, પરંતુ લેન્ડર અને રોવર ઇસરો માટે નવા હતા. આશરે 30 કી.ગ્રામ જેટલા વજનની વીજળીની મોટરથી ચાલતી બગ્ગી જેવું રોવર બનાવવું એટલું અટપટુ ન હતું. લેન્ડરની વાત અલગ હતી. આશરે 1,500 કી. ગ્રામ વજનનું યાન ચંદ્રની કક્ષામાં જ્યારે તે 100 કી.મી.ની ઊંચાઇએ હોય ત્યારથી, તેને એની અંદર મૂકેલ પાંચ એન્જીનનો ઉપયોગ કરીને, ધીમે રહીને ચંદ્ર પર ઉતારવાનું હતું. તેથી લેન્ડર બનાવવાનું કામ અનેક પડકારોથી ભરેલું હતું.
અંતરિક્ષમાં, જ્યાં વાતાવરણ, તેમજ ઘર્ષણની અસર નગણ્ય હોય, ત્યાં યાન પર માત્ર બે બળ કામ કરે છે- ગુરુત્વાકર્ષણ અને યાનમાં બેસાડેલા રોકેટ એન્જિનનો ધક્કો. જ્યારે રોકેટ એન્જીન બંધ હોય ત્યારે યાનનો પથ એક તોપના ગોળાના પથની માફક માત્ર યાનની પોતાની શરૂઆતની ગતિ અને એના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ- પૃથ્વી, સૂર્ય, ચંદ્ર વગેરે, યાનની પાસેના પિંડના- પરથી નક્કી થાય છે. કોઇ પણ પિંડની આસપાસ ભ્રમણ કરતા યાન માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. કક્ષામાં ભમતા યાન પર જો વાતાવરણ અને ઘર્ષણના બીજા કોઈ સ્રોતની અસર ન હોય તો એ હંમેશ માટે પોતાની કક્ષામાં ભમતું રહેશે. એને ફરતું રાખવા માટે કોઈ ઇંધણ અથવા ઊર્જાની જરૂર પડશે નહીં. બીજી તરફ, યાનની કક્ષા અને પથ બદલવા માટે યાનની ગતિમાં ફેરફાર કરવો પડે કક્ષાની ઊંચાઈ વધારવા માટે તેની ગતિ વધારવી પડે અને નીચી લાવવા માટે ઘટાડવી પડે, અને આ બન્ને કાર્ય માટે બળ અને ઊર્જાની જરૂર પડે. આ જ કારણ છે કે અંતરિક્ષ-ભંગારને દૂર કરવા સારુ પૃથ્વીની ઊંચી કક્ષામાં ઘૂમતા ઉપગ્રહને નીચે લાવી પૃથ્વીના વાતાવરણમાં બાળી નાખવા સહેલા નથી. કક્ષામાં ભમતા યાનને પિંડની સપાટી પર ઉતારવું હોય તો એની ગતિ ઓછી કરીને એને એવી કક્ષામાં મૂકવું પડે, જે પિંડની સપાટીને છેદતી હોય. આવી કક્ષામાં – બીજા કોઈ બળ વિના-ગતિ કરતું યાન જ્યારે પીડની સપાટી પાસે આવી જાય, ત્યારે તેની ગતિ નહીંવત્ કરી, એને ધીરેથી સપાટી પર ઉતારવું પડે. પૃથ્વી તથા મંગળ ગ્રહ જેવા વાતાવરણ વાળા પિંડ પર ગતિ ઓછી કરવાના કાર્યમાં વાતાવરણનો બ્રેક તરીકે ઉપયાગ થઈ શકે અને ઊતરાણના છેલ્લા તબક્કામાં ગતિ શૂન્ય કરવા માટે પેરાશુટ પણ વાપરી શકાય. વાતાવરણ વિનાના ચંદ્ર પર આ બન્ને સવલત ઉપલબ્ધ નથી. ત્યાં તો યાન છેક સપાટીને અડે ત્યાં સુધી યાનની ગતિ રોકેટ એન્જિન વડે જ નિયંત્રિત કરવી પડે. ઉતરાણના છેલા તબક્કામાં યાનની ગતિ નહીંવત્- શૂન્ય- કરવા માટે એવા રોકેટ એન્જિન જોઈએ, જેના ધક્કાની માત્રા કારના એક્સલરેટરની માફક નિયંત્રિત કરી શકાય. આ ટેકનોલોજીનો વિકાસ ઇસરો માટે પહેલો પડકાર હતો.
ઇસરોએ પોતાના લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. આ વિસ્તાર ઉલ્કાઓને કારણે પડેલા ઊંડા ખાડા (Crater- ક્રેટર)થી ભરેલો છે. આવા ઊંડા ખાડામાં, જ્યાં સૂર્યનો પ્રકાશ ક્યારેય ન પહોંચતો હોય, ત્યાં બરફના રૂપમાં પાણી મળવાની શક્યતા વધુ રહે છે. પરંતુ સાથે-સાથે, આવા ખાડા-ટેકરા અને મોટા પથ્થરથી ભરેલા વિસ્તારમાં જો યાન વધુ પડતા ઢળાવ વાળી જગાએ, અથવા તો કોઈ મોટા પથ્થર પર ઉતરે, તો તેના ગબડી પડવાની શક્યતા રહે. ચંદ્રયાન-1 તથા બીજા યાને લીધેલી છબી પરથી તૈયાર થયેલા નકશાને આધારે ઇસરોએ ચંદ્રયાનને ઊતરવા માટેનું એવું સ્થાન નક્કી કર્યું, જ્યાં યાનની ગબડી પડવાની શક્યતા ઓછી હોય. પણ ઊતરાણની છેલ્લી પળો દરમ્યાન લેન્ડરને પૃથ્વી 4,00,000 કી.મી દૂર રહેલી પરથી સંચાલિત કરવું અસંભવ હતું. એણે તો પોતાનું કાર્ય સ્વયં-સંચાલિત રીતે પુરૂં કરવાનું હતું. તેથી લેન્ડર પર એવી પ્રણાલી રાખવી પડે, જે ઊતરાણ દરમ્યાન ચંદ્રની સપાટીની છબી સતત લેતી રહે અને આવી છબીઓને પોતાની પાસે રાખેલી છબીઓ સાથે સરખાવી, સપાટીની સાપેક્ષમાં પોતાનું સ્થાન નક્કી કરી, પહેલેથી નક્કી કરેલી સલામત જગાએ યાનને ઉતારે. આ પ્રણાલી, લેન્ડર માટે જરૂરી બીજી નિર્ણાયક ટેકનોલોજી હતી. પ્રણાલી માટે આવશ્યક કેમેરા, સપાટીથી યાનની ઊંચાઇ માપતું રડાર અને છબીની સરખામણી કરવા માટેનો જરૂરી કમ્પ્યુટર પ્રોગ્રામ વિકસિત કરવાની જવાબદારી ઇસરોના અમદાવાદ સ્થિત અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રને શિરે આવી.

આમ ઇસરોએ ઓરબીટર અને લેન્ડર તથા રોવર ચંદ્રયાન-2 માટેના બધા જ ભાગો જાતે જ બનાવવાનું નક્કી કરી દીધું. ચંદ્રયાન-2 આપણે આગળ વાત કરી એમ ત્રણ સ્ટેજમાં બનેલું હતું. સૌથી નીચે રોકેટની સાથે જોડાયેલું 2,380 કી.ગ્રા. (1,700 કી.ગ્રા ઇંધણ સાથે) વજનનું ઓરબીટર હતું, એની ઉપર 1,440 કી. ગ્રા. (845 કી.ગ્રા ઇંધણ સાથે) વજનનું લેન્ડર જોડવામાં આવ્યું હતું અને લેન્ડરની અંદરના પોલાણમાં બીજા લગભગ 30 કી.ગ્રામ વજનનું રોવર હતું. લેન્ડરનું નામ “વિક્રમ” રાખવામાં આવ્યું હતું, જ્યારે રોવરનું નામ “પ્રગ્યાન (Pragyan)” – ગુજરાતીમાં “પ્રજ્ઞા”- રાખવામાં આવ્યું હતું. 22 જુલાઈ 2019ના દિવસે ઇસરોના સૌથી શક્તિશાળી રોકેટ LVM-3 ની M1 ફ્લાઇટ દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરીકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)માં આવેલા પ્રક્ષેપણ ક્ષેત્રમાંથી એને પૃથ્વીની 170 X 40,400 કી.મી ની ખૂબ જ લંબગોળ ભ્રમણ કક્ષામાં તરતું મૂકવામાં આવ્યું


ત્યારબાદ 6 ઓગસ્ટ 2019 સુધી ચંદ્રયાન-1ની માફક પાંચ વખત, ઓરબીટરમાં મૂકેલ એક નાનકડા એન્જિન દ્વારા યાન જ્યારે પેરીજી (Perigee) પર આવે, ત્યારે ધક્કો મારી એની કક્ષાને વધારેને વધારે લંબગોળ કરવામાં આવી, જેથી કક્ષાનું સુદૂર બિંદુ એપોજી (Apogee) ચંદ્રની કક્ષા સુધી પહોંચી જાય. છેલ્લે 13 ઓગસ્ટ 2019ના દિવસે અને સુનિશ્ચિત સમયે નક્કી કરેલ દિશામાં, પહેલેથી પ્રમાણિત કરેલ ધક્કો- ટ્રાન્સ-લ્યુનર ઇંજેક્શન (Trans Lunar Injection)- મારી ચંદ્ર તરફ જવા માટે રવાના કરવામાં આવ્યું.
છ દિવસની યાત્રા બાદ 20 ઓગસ્ટ 2019ના દિવસે ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં આવ્યું ત્યારે સમયપત્રક મુજબ ચંદ્ર ત્યાં એને આવકારવા માટે હાજર હતો. પરંતુ ચંદ્ર પાસે પહોંચી ગયા એ પૂરતું ન હતું. એને તો ચંદ્રની કક્ષામાં મૂકવાનું હતું. તેથી ફરી વખત ઓરબીટરના એન્જિનનો ઉપયોગ કરી યાનને બ્રેક મારી, એની ગતિ પ્રમાણસર ઘટાડવામાં આવી અને યાન ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરવા લાગ્યું, આ પ્રક્રિયાનું અટપટું નામ “લ્યુનર ઓરબીટ ઇન્સરસન” (Lunar Orbit Insertion), અથવા “ચંદ્રની કક્ષામાં ગોઠવણ” છે. શરૂઆતમાં યાનની કક્ષા 114 X 18,079 કી.મીની લંબગોળ હતી. ત્યાર બાદ ક્રમબદ્ધ રીતે 1 સપ્ટેમ્બર 2019 સુધીમાં યાનનની કક્ષા આશરે 100 કી.મીની વર્તુળાકાર કરવામાં આવી.

ચંદ્રયાન-2 પોતાની નિશ્ચિત કક્ષામાં પહોંચી ગયું ત્યાર બાદ નિયંત્રણ-કક્ષમાંથી કમાન્ડ આપી ઓરબીટર અને લેન્ડરને અલગ કરવામાં આવ્યાં. લેન્ડરને ચંદ્રની ધરતી પર ઊતરવાનું હતું, જ્યારે ઓરબીટરનું કામ ભ્રમણકક્ષામાં રહીને એમાં રહેલાં ઉપકરણો દ્વારા ચંદ્રની સપાટીનો વિવિધ તરંગ લંબાઈ વાળા પ્રકાશ (વિદ્યુત-ચુંબકીય તરંગ)માં અભ્યાસ કરવાનો હતો. ઉપરાંત લેન્ડરનો પૃથ્વી સાથેનો રેડિયો સંપર્ક જાળવી રાખવામાં મદદ પણ કરવાની હતી.
ઓરબીટરથી અલગ થયા બાદ ચોથી સપ્ટેમ્બર 2019ના દિવસે લેન્ડર વિક્રમમાં રહેલા પાંચ એન્જિનનો ઉપયોગ કરીને એને એવી લંબગોળ કક્ષા, કે જેમાં ચંદ્રથી સૌથી નજીકનું અંતર 30થી 35 કી.મી.હોયમા. મૂકવામાં આવ્યું. આ ઘડી પછી વિક્રમે પૃથ્વી પરના નિયંત્રકોની મદદ વિના, પોતાની જાતે પોતાનું સંચાલન કરી, ચંદ્રની સપાટી પર ઊતરાણ કરવાનું હતું, આ સમયે બે વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. એક, ચંદ્રની સપાટીની સાપેક્ષમાં યાનનું સ્થાન અને બીજું યાનના રોકેટ અને બીજા ઉપકરણ કઇ દિશામાં જુએ છે, જેને યાનનો “એટીટ્યુડ” (Attitude) -યાનનો “દ્રષ્ટિકોણ” કહે છે, એનું.
વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર ઊતરાણ કરવા માટેનો ચાર તબક્કાનો ક્રમ 6 સપ્ટેમ્બર 2019 ના દિવસે, જ્યારે લેન્ડર પોતાની કક્ષામાં ચંદ્રની સૌથી વધુ નજીક, આશરે 30 કી.મી. ના અંતર પર હતું ત્યારે શરૂ થયો. “રફ બ્રેકીંગ” (Rough Breaking) નામે ઓળખાતા પહેલા તબક્કામાં યાન પર લાગેલા રોકેટ એન્જિનની મદદથી કક્ષામાં યાનની ગતિ 1.68 કી.મી. પ્રતિ સેકન્ડથી ઘટાડી આશરે 360 મીટર પ્રતિ સેકન્ડ કરવામાં આવી. ગતિના આ ઘટાડાને પરિણામે યાનનો પથ બદલાયો અને તેની ચંદ્રની સપાટીથી ઊંચાઇ ઘટીને 7.5 કી.મી રહી ગઈ. આ સમયે યાનની નીચે ઊતરવાની, ચંદ્રની સપાટી તરફની, ગતિ 60 મીટર પ્રતિ સેકન્ડ હતી. આ તબક્કો સફળતા પૂર્વક પૂરો થયો ત્યારબાદ, લગભગ 200 સેકન્ડ જેટલા સમયનો બીજો અને ત્રીજો તબક્કો હતો. આ દરમ્યાન બે મુખ્યક્રમ પૂરા કરવાના હતા. પહેલા ભાગમાં – એટીટ્યુડ હોલ્ડ ફેઇઝ (Attitude Hold Phase)- માં યાને પોતાનો “દ્રષ્ટિકોણ” સ્થિર રાખ્યો, આ સ્થિતિમાં, યાનમાં રાખેલા કેમેરાએ યાનના સ્થાન તથા તેની ગતિની ગણતરી કરવાની હતી ઉપરાંત બધા કેમેરા તથા ઊતરાણમાં ઉપયોગી એવા બીજા સંવેદક બરાબર કામ કરે છે અને સચોટ માહિતી આપે છે એ નક્કી કરી લેવાનું હતું, જ્યારે બીજા કાર્યક્રમ- “ફાઇન બ્રેકીંગ ફેઇઝ” (Fine Breaking Phase)- દરમ્યાન યાને પોતાની નીચે આવવાની અને આગળ વધવાની, એમ બેઉ ગતિને નિયંત્રિત કરીને હેલીકોપ્ટર માફક સ્થિર રહી 800 મીટરની ઊંચાઈએથી ચંદ્રની સપાટી પર સીધું ઊતરાણ કરવાનું હતું. પરંતુ આ તબક્કા દરમ્યાન એની કેટલીક પ્રણાલીઓમાં ખામી આવી ગઇ અને યાને ગતિ અને દિશા બન્ને પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું અને એ ચંદ્રની સપાટી પર ધીમે રહીને ઊતરવામાં સફળ ન રહ્યું. પોતાના ગંતવ્ય સ્થાનથી પહેલાંજ એ બેકાબૂ ગતિથી નીચે ઊતરવા લાગ્યું, અને ચંદ્રની ધરતી પર પટકાઈ નષ્ટ થઇ ગયું.
આમ ચંદ્રયાન-2નું ચંદ્રના દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં હેમખેમ ઊતરવાનું તો શક્ય ન થઇ શક્યું, પરંતુ ઓરબીટર, ચંદ્રની કક્ષામાં રહી પોતાનું કાર્ય ખૂબ સફળતા પૂર્વક કરતું રહ્યું. ઓરબીટર ઉપર ચંદ્રની ધરતીના વૈજ્ઞાનિક અભ્યાસ માટે જુદા-જુદા સાત જાતના ઉપકરણો લગાવ્યા હતા. એ ચંદ્રની ઘરતીનો સતત અભ્યાસ કરતા રહ્યા અને આજે ચાર વર્ષ પછી પણ કોઇ પણ જાતની ખામી કે ખોડખાંપણ વિના સંપૂર્ણ પણે કાર્યરત છે.
આ બધાં ઉપકરણોમાંથી એક ઉપકરણ, “ઓરબીટલ હાઇ રીઝોલ્યુશન કેમેરા” ઇસરોના અમદાવાદ સ્થિત “અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર”માં બનાવવામાં આવ્યું હતું. આ કેમેરા એટલો શક્તિશાળી છે કે ચંદ્રથી એક સો કીલોમીટર ઊંચે ફરતા રહી ચંદ્રની સપાટીની 25 સેન્ટીમીટર જેટલી નાની વસ્તુની છબી લઈ શકે છે. ચંદ્રયાન-3 ની સફળતામાં આ કેમેરાનો અગત્યનો ફાળો. છે.
આ હતો ભારતના ચંદ્ર અભિયાનની ગાથાનો બીજો ભાગ. ગાથાના ત્રીજા અને છેલ્લા ભાગમાં આપણે ચંદ્રયાન-3 વિષે વાત કરીશું. વાચક મિત્રોના સૂચન તથા ટિપ્પણી હંમેશ માફક આવકાર્ય છે.
Kiritkumar K Mehta
It should be put on youtube