સૌ પ્રથમ સ્પેસ-વોક કરનાર અંતરિક્ષ યાત્રીની ચિરવિદાય, ચંદ્રયાન-૨ ઓરબીટર દ્વારા ચંદ્રની સપાટીનો અભ્યાસ અને બીજું…..

અંતરિક્ષ યાનની બહાર નીકળી અવકાશમાં ચાલનારા સૌ પ્રથમ માનવીની ચિરવિદાય

૧૮ માર્ચ સન ૧૯૬૫ના દિવસે ૩૦ વર્ષના રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ષી લિયોનોવ પૃથ્વીની કક્ષામાં ઘૂમી  રહેલા પોતાના વોસ્ખોદ-૨ નામના યાનમાંથી સ્પેસ-સ્યુટ પહેરીને બહાર નીકળ્યા   અને ૧૨ મિનિટ સુધી અવકાશમાં એકલા તરતા રહ્યા. આ હતી અંતરિક્ષ યાનની બહાર નીકળી,  સ્પેસ-વોક (space-walk) કરીને – અવકાશમાં તરતા રહીને – કામ કરવાની ટેકનિકની શરૂઆત. આ નવો ચીલો ચાતરનાર અંતરિક્ષયાત્રી ગઇ તારીખ ૧૧ ઓક્ટોબરના ૮૯ વર્ષની ઉમરે અવસાન પામ્યા. જોગાનુજોગ, આ જ  સપ્તાહમાં સૌ પ્રથમ વાર માત્ર મહિલા અંતરિક્ષ યાત્રી ક્રીસ્ટિના કોચ અને જેસિકા મેરની બનેલી ટૂકડીએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મરામત માટે  તેમાંથી બહાર નીકળી સ્પેસ-વોક કર્યો. આ અંગેના સમાચાર physics.org અને NASAની વેબસાઇટ પર પ્રકાશિત થયા છે.

ચંદ્રયાન-૨ દ્વારા ચંદ્રની સપાટીનો અભ્યાસ

ISRO એ પોતાના ચંદ્રયાન-૨ના ઓરબીટર પરના OHRC (Orbiter High Resolution Camera- ઓરબીટર હાઇ રીઝોલ્યુશન કેમેરા) તથા  IIRS (Imaging IR Spectrometer- ઇમેજીંગ આઇ. આરં સ્પેક્ટ્રોમીટર) દ્વારા લીધેલી ચંદ્રની સપાટીની ઝીણવટ ભરી છબી પોતાની વેબસાઇટ પર મૂકી છે.  OHRC ૧૦૦ કિલોમીટરની કક્ષાથી ૩૦ સેં.મીં જેટલી ઝીણી ચીજ જોઇ શકે છે, જ્યારે IIRS ચંદ્રની સપાટી પરથી પરાવર્તિત થતા તથા નીકળતા ઈન્ફ્રારેડ વિકિરણને ૨૫૬ જુદી-જુદી તરંગ-લંબાઈના વિકિરણમાં વિભાજિત કરે છે. (છબી સૌજન્ય: ISRO)

મંગળ પર જીવનની સાબિતી -સન ૧૯૭૬નો વિવાદ હજુ જીવંત!

વર્ષ ૧૯૭૬માં NASAએ પોતાના બે “વાયકીંગ” યાન મંગળ ગ્રહ પર મોકલ્યા. બન્ને યાન એકબીજાથી  ૬,૦૦૦ કિલોમીટર દૂર મંગળની સપાટી પર ઉતર્યા.  બીજા ઉપકરણ ઉપરાંત દરેક યાન પર ત્રણ એવા ઉપકરણ હતાં, જેમનું લક્ષ મંગળ ગ્રહ પર જીવનની શોધ હતું.  આમાના એક ઉપકરણ- લેબલ્ડ રીલીઝ (Labelled Release- LR) પરથી  મંગળ ગ્રહ પર જીવન હોવાના સંકેત મળ્યા. આવા સંકેત બન્ને યાનમાંથી કૂલ મળીને ચાર વખત મળ્યા. આ સામે બીજા ઉપકરણે આવા કોઇ સંકેત આપ્યા નહીં. તેથી NASAએ એવું તારણ કાઢ્યું કે LR પરથી મળેલા સંકેતનો સ્રોત  કોઇ જીવંત ચીજમાંથી નહીં, પરંતુ જીવંત ચીજ જેવી જ રાસાયણિક રચના ધરાવતી બીજી કોઇ ચીજ હોઇ શકે અને આમ મંગળ ગ્રહ પર હાલમાં કોઇ જીવન હોવાની શક્યતા NASAએ નકારી કાઢી. પરંતુ LR સાથે સંકલાયેલ બે વૈજ્ઞાનિક, ગીલબર્ટ વી. લેવીન (Gilbert V. Levin)  અને પેટ્રીસીઆ એન સ્ટ્રાટ (Patricia Ann Straat) આજે ૪૩ વર્ષ બાદ પણ હાર માનવા તૈયાર નથી. ૧૦ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ સાયન્ટિફિક અમેરિકનની વેબસાઇટ પર પ્રકાશિત લેખમાં ડો. લેવીન ફરી એક વાર દલીલ કરે છે કે NASAએ સન ૧૯૭૬માં LR પરથી મળેલા સંકેતને ગંભીરતાથી લેવાની જરૂર હતી!

તમારે કેટલી ઊંઘની જરૂર છે? નક્કી કરે છે તમારા જીન

આજના ઝડપી જીવનમાં ઊંઘ જરૂરી-દૂષણ (necessary evil- નેસેસરી ઇવીલ)  ગણી શકાય. શરીરની જાળવણી, તેના નિર્વાહ માટે નિદ્રા જરૂરી છે, પરંતુ તેમાં પસાર કરેલો સમય એક રીતે જોતાં વ્યર્થ છે. પરીક્ષા આપતો વિદ્યાર્થી આ વાત સારી રીતે સમજે છે. તેથી જેટલી ઓછી નિદ્રાથી કામ ચાલી શકે તેટલું વધુ સારું! કોઇ પણ વ્યક્તિને કેટલી નિદ્રાની જરૂર છે તે શેના પર આધાર રાખે છે? સાન ફ્રાન્સીસ્કોની યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયાના  લીયુઆન ઝીંગ (Lijuan Xing) અને તેમના સાથીઓનું તારણ જો સાચું હોય તો આપણને કેટલી ઊંઘની જરૂર છે, તે આપણા જીન નક્કી કરે છે. તેમણે અમેરિકાની એક એવી પિતા-પુત્રની જોડીનો અભ્યાસ કર્યો, જેમને દરરોજ માત્ર ૪ થી કલાકની નિદ્રા પૂરતી છે. આટલી ઓછી નિદ્રાને કારણે  તેમની માનસિક  તથા શારીરિક  ક્ષમતા પર કોઈ અસર જોવા મળી નહીં. ડો. ઝીંગની ટુકડીએ આ જોડીના એક જીન પર ધ્યાન કેન્દ્રીત કરી આવું જ જીન ઉંદરમાં રોપ્યું. તેમણે નોંધ્યું કે આવા જીન ધરાવતા ઉંદરની નિદ્રાની જરૂરીયાત પણ ઓછી થઇ ગઇ. ડો. ઝીંગની ટુકડીના આ તારણની દૂરોગામી અસર તબીબી અને સામાજિક ક્ષેતેરે પડી શકે. ટુકડીના પ્રયોગ વિષેનો સંશોધન લેખ સાયન્સ મેગેઝીન (Science Magazine) ના ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ના અંકમાં પ્રકાશિત થયો છે અને આ લેખ વિષેના સમાચાર સાયન્ટિફિક અમેરિકન (Scientific American)ની વેબસાઇટ પર ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ પ્રકાશિત થયા છે.

શેર કરો