જ્યોતિષશાસ્ત્ર માં માનતા હોઇએ કે ન માનતા હોઈએ, પરંતુ હિન્દુ પંચાંગ પ્રમાણે બનેલી જન્મ-કુંડળી તો આપણે બધાએ જોઈ છે. કુંડળી જન્મ સમયે નવ ગ્રહની આકાશમાં સ્થિતી બતાવે છે. આપણે એ પણ જાણીએ છીએ કે કુંડળીના નવ પૈકી સૂર્ય. ચંદ્ર, રાહુ અને કેતુને આધુનિક સમજ મુજબ ગ્રહ માની ન શકાય. તેમ છતાં, એક નવાઈની વાત એ છે કે પ્રાચીન ભારતીય પંચાંગ અને આધુનિક વિજ્ઞાન બન્ને ગ્રહોની કુલ સંખ્યા બાબતમાં સહમત છે- કમ સે કમ વર્ષ 2006 લગી તો હતાં, જ્યારે કમનસીબ પ્લુટોને વૈજ્ઞાનિકોએ ગ્રહોની જમાતમાંથી બહાર કાઢી મુક્યો. હજુ પણ ગ્રહોની સંખ્યા બાબતમાં 9 નો આંકડો ખગોળશાસ્ત્રીનો પીછો છોડતો દેખાતો નથી.
નરી આંખે સહેલાઈથી દેખાતા ગ્રહ પાંચ છે: બુધ (Mercury- મરક્યુરી), શુક્ર (Venus- વિનસ), મંગળ (Mars- માર્સ), ગુરુ (Jupiter, જ્યુપિટર), અને શનિ (Saturn- સેટર્ન) આ યાદીમાં પૃથ્વીને ઉમેરતાં સંખ્યા છ પર પહોંચે. સાતમો ગ્રહ યુરેનસ (Uranus) નરી આંખે જોવો અશક્ય તો નહીં, પણ મુશ્કેલ જરૂર છે (તેનો મેગ્નીટ્યુડ 5.38 અને 6.03 વચ્ચે રહે છે). સૂર્ય થી 450 કરોડ કિલોમીટર દૂર રહેતા, આઠમા ગ્રહ, ઝાંખા નેપ્ચ્યુન (Neptune)ને નરી આંખે જોવો અશક્ય છે.
આપણા આજના લેખ માટે અગત્યની વાત આટલા ઝાંખા ગ્રહોની આપણને ખબર શી રીતે પડી તે છે. લંડનની પશ્ચિમે આવેલું શહેર બાથ (Bath) તેના ગરમ પાણીના ઝરણાં માટે રોમન યુગથી વિખ્યાત છે. આ બાથ શહેરમાં અઢારમી શતાબ્દીના અંત ભાગમાં ભાઈ-બહેનની એક જોડી- વિલીયમ અને કેરોલાઇન હર્શલ (William and Caroline Herschel) – જાતે બનાવેલા 6” વ્યાસના દૂરબીન વડે આકાશનો અભ્યાસ કરી રહી હતી. માર્ચ 1781માં તેમણે વૃષભ રાશીમાં એક ધાબા જેવો પદાર્થ જોયો, જે બીજા તારાની સાપેક્ષમાં દરરોજ થોડો ખસતો હતો. હર્શલને શરૂઆતમાં તો પદાર્થ એક ધૂમકેતુ જેવો લાગ્યો પરંતુ વિગતવાર અવલોકનના અંતે નક્કી થયું કે તે એક ગ્રહ છે. ગ્રીક સંસ્કૃતીના આકાશ દેવતાના નામ પરથી નવા શોધાયેલા ગ્રહનું નામ યુરેનસ (Uranus) પડ્યું. ખગોળશાસ્ત્રમાં ઘણી વખત બને છે તેવી રીતે યુરેનસની શોધ પછી જાણવા મળ્યું કે ઘણા ખગોળશાસ્ત્રી તેને પહેલાં જોઈ ચૂક્યા હતાં! ખેર, એક વખત યુરેનસની શોધ થઇ ગયા પછી સ્વાભાવિક રૂપે ખગોળશાસ્ત્રી તેની કક્ષા નક્કી કરવાના કામમાં લાગી ગયાં. વર્ષ 1821માં યુરેનસની કક્ષાની વિગત પ્રકાશિત થઈ. પરંતુ ત્યાર પછીના યુરેનસની સ્થિતીના અવલોકન અને તેની કક્ષા પરથી કરાયેલા અનુમાન વચ્ચે તફાવત જોવા મળ્યો, જાણે કોઈ પદાર્થ, કોઈ ગ્રહ પોતાના ગુરૂત્વાકર્ષણ દ્વારા યુરેનસની કક્ષાને પ્રભાવિત કરતો હતો. યુરેનસની આકાશમાં સ્થિતીના અવલોકન પરથી તેની કક્ષાને પ્રભાવિત કરતો ગ્રહ ક્યાં હોઈ શકે તેનું અનુમાન ખગોળશાસ્ત્રી કરવા લાગ્યા અને આ અનુમાન પરથી વર્ષ 1846માં સૂર્ય-મંડળમાં એક વધુ ગ્રહનો ઉમેરો થયો. સમુદ્રના રોમન દેવતા પરથી ગ્રહનું નામ નેપ્ચ્યુન (Neptune) પડ્યું.. ત્યાર બાદ એક ગ્રહની કક્ષા પરથી બીજો ગ્રહ શોધવાની પરંપરા આગળ વધી અને તેના પરિણામ સ્વરૂપે આપણને વર્ષ 1930માં નવમો ગ્રહ પ્લુટો મળ્યો. આમ નવ ગ્રહનું મંડળ સંપૂર્ણ બન્યું.
ગ્રહની ઉત્પત્તિ બાબતની હાલની સમજ મુજબ સૂર્ય-મંડળની ઉત્પત્તિ સમયે સૂર્યની આસપાસ એક ધૂળ અને વાયુનું ચક્ર ફરી રહ્યું હતું કાળક્રમે આ વાદળમાં રહેલા રજકણ તેમના ગુરૂત્વાકર્ષણ બળને કારણે એકબીજા સાથે જોડાયા અને વજનદાર પદાર્થ બન્યા. આવા વજનદાર પદાર્થ તરફ તેમની આસપાસના હજુ બીજા રજકણ આકર્ષણ પામ્યા અને આ પદાર્થ મોટાં અને મોટાં થતાં ગયા. આ પદાર્થને આપણે ગ્રહ તરીકે ઓળખીએ છીએ. ગ્રહોએ પોતાના ગુરુત્વાકર્ષણને કારણે પોતાની આસપાસના સઘળા ધૂળ અને વાયુને પોતાનામાં સમાવી લીધાં અને તેમની આજુબાજુમાં ચક્ર સાફ થઇ ગયું.
પ્લુટો સિવાયના આઠ ગ્રહ માટે આ સિદ્ધાંત બરોબર લાગુ પડે છે. પરંતુ પ્લુટો પોતે “ક્યુઇપર બેલ્ટ” (Kuiper Belt) તરીકે ઓળખાતા એક પહોળા પટ્ટાનો હિસ્સો છે, જેમાં ઘણા બધા નાના-મોટા પદાર્થ સૂર્યની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે. આવા પદાર્થ પૈકી ઘણા તો આશરે પ્લુટોના જ કદના છે. તેથી પ્લુટોને ગ્રહ ગણવો કે નહીં તેની ચર્ચા વીસમી શતાબ્દીના અંત ભાગમાં શરૂ થઈ, જે વર્ષ 2006માં પ્લુટોના ગ્રહની જગાએ વામન-ગ્રહ (Dwarf Planet- ડ્વાર્ફ પ્લેનેટ) તરીકેના વર્ગીકરણથી પૂરી થઈ. હવે સૂર્ય-મંડળમાં ફરી એક વાર માત્ર આઠ ગ્રહ રહી ગયાં.
પ્લુટો તથા તેના જેવા, તેની પાસેના બીજા પદાર્થને ખગોળશાસ્ત્રી “ટ્રાન્સ નેપચ્યુનીયન ઓબ્જેક્ટ્સ” (Trans Neptunian Objects) અર્થાત્ “નેપ્ચ્યુન પારના પદાર્થ”, ટૂંકમાં TNO કહે છે. નેપ્ચ્યુન પારના આવા છ પદાર્થની કક્ષાના અભ્યાસના પરિણામે ગ્રહની શોધના ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ઘણા ખગોળશાસ્ત્રી માને છે કે જેવી રીતે યુરેનસની કક્ષા નેપ્ચ્યુનના અસ્તિત્વની અને નેપ્ચ્યુનની કક્ષા પ્લુટોના અસ્ત્તિત્વની ચાડી ખાય છે, બરાબર તેવી જ રીતે આ છ પદાર્થની કક્ષામાં કેટલુંક સામ્ય છે, જે એક નવા ગ્રહનો અણસાર આપે છે. વર્ષ 2016માં ખગોળશાસ્ત્રના પ્રતિષ્ઠિત સામાયિક The Astronomical Journal (ધી એસ્ટ્રોનોમિકલ જર્નલ)માં પ્રકાશિત અમેરિકાની વિખ્યાત યુનિવર્સિટી Caltech-કેલટેકના (જ્યાં નાસાના પર્સીવિઅરન્સ જેવા બધા જ આંતર-ગ્રહીય (Inter-planetary: ઇન્ટર-પ્લેનેટરી) યાન બને છે તે જેટ પ્રપ્લશન લેબોરેટરી, JPLનું નાસા વતી સંચાલન આ કેલટેક યુનિવર્સિટી જ કરે છે. આપણા ISROના NISAR યાનના નિર્માણમાં પણ JPL સહભાગી છે.) બે વૈજ્ઞાનિકના એક લેખ મુજબ આ નવમો ગ્રહ, અથવા Planet Nine (પ્લેનેટ નાઇન) અથવા Planet X વજનમાં પૃથ્વીથી આશરે દસ ગણો ભારે હોવો જોઇએ અને તે સૂર્યની આસપાસ આશરે 15,000થી 20,000 વર્ષમાં એક વખત પરિભ્રમણ કરતો હોવો જોઇએ- અર્થાત્, માનવ ખેતી કરતા શીખ્યો ત્યાર બાદ Planet Nineનું સૂર્યની આસપાસ એક પણ પરિભ્રમણ પૂરું થયું નથી! ગ્રહની લંબગોળ કક્ષાને કારણે તેનું સૂર્યથી અંતર 400 થી 800 A.U. સુધી રહેતું હોવાનું અનુમાન છે. (ખગોળશાસ્ત્રી માટે સૂર્ય-મંડળમાં અંતર માપવાનો એકમ A.U, – એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. 1 A. U બરાબર પૃથ્વીથી સૂર્યનું સરેરાશ અંતર, આશરે 15 કરોડ કિલોમીટર). ઉપરાંત, ગ્રહની કક્ષા પૃથ્વીની કક્ષા ક્રાંતિવૃત (Ecliptic- ઇક્લિપ્ટિક) સાથે આશરે 30o નો ખૂણો બનાવતી હોવી જોઈએ.
વાચક મિત્રને સાહજિક પ્રશ્ન થાય કે પાંચ વર્ષ જૂની વાતને અત્યારે ઉખેળવાનું શું પ્રયોજન? વાત એમ છે કે કેલટેકના સંશોઘન રૂપી હવનમાં અમેરિકાની જ મિશિગન યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીની આગેવાની હેઠળ પચાસેક વૈજ્ઞાનિકોએ લખેલો એક લેખ હાડકાની ભૂમિકા ભજવી રહ્યો છે. ગયા માર્ચ 2021માં ધી પ્લેનેટરી સાયન્સ જર્નલ (The Planetary Science Journal) માં પ્રકાશિત આ લેખ અનુસાર કેલટેકના વૈજ્ઞાનિકોએ આકાશના માત્ર એક નાના ભાગમાં અવલોકન કરી તેમાં દેખાતા માત્ર છ TNOની કક્ષા પરથી નવમા ગ્રહના અસ્તિત્વ વિષે અનુમાન કરીને ભૂલ કરી છે. મિશિગન યુનિવર્સિટીની આગેવની હેઠળની ટૂકડીએ 14 TNOની કક્ષાના અભ્યાસ પરથી તારણ કાઢ્યું કે તેમની કક્ષામાં કોઇ દેખીતું સામ્ય નથી. જો આ અવલોકન સાચું હોય તો TNOની કક્ષા Planet Nineના અસ્તિત્વના કોઇ અણસાર આપતી નથી. જો કે કેલટેકના વૈજ્ઞાનિક હજુ પણ પોતાના તારણને વળગી રહ્યા છે. બન્ને ટૂકડીના માનવા પ્રમાણે કોઈ નક્કર તારણ પર પહોંચતાં પહેલાં વધુ TNOની કક્ષાનો અભ્યાસ જરૂરી છે.
જો Planet Nine ખરેખર હોય, તો તે ક્યાં હોય, અને તેને શી રીતે જોઇ શકાય? આ પ્રશ્ન છેલ્લા પાંચ વર્ષથી ખગોળશાસ્ત્રીને સતાવી રહ્યો છે. ગ્રહની અત્યારની સ્થિતિ બાબત જાત-જાતના અનુમાન થઇ રહ્યા છે. ઘણા ખગોળશાસ્ત્રી માને છે કે Planet Nine અત્યારે મીન રાશીથી દક્ષિણ દિશામાં Cetus (સેટસ, અથવા વ્હેલ માછલી) નામના તારા-સમૂહમાં દેખાવો જોઇએ. તેમના અનુમાન મુજબ ગ્રહ સૂર્યથી અત્યારે 600-700 A.U દૂર હોવો જોઇએ. આટલે દૂર રહેલો, માત્ર સૂર્ય દ્વારા પ્રકાશિત ગ્રહ અલબત ઝાંખો હોય. તેનો મેગ્નીટ્યુડ 22ની આસપાસ (તારા અભિજિત (Vega- વેગા) કરતા 63 કરોડ ગણો. અને પ્લૂટો કરતા 600 ગણો ઝાંખો) હોવાની સંભાવના છે. આમ તો પૃથ્વી પરના તથા અંતરિક્ષમાં ઘુમતા હબ્બલ સ્પેસ ટેલિસ્કોપ (Hubble Space Telescope) જેવા ટેલિસ્કોપ આટલા ઝાંખા પદાર્થને સહેલાઇથી જોઈ શકે. મુશ્કેલી તેને બીજા તારાથી અલગ પાડવાની છે. પોતાના સૂર્ય આસપાસના પરિભ્રમણના પરિણામે. નવમો ગ્રહને તારાની પૃષ્ઠભૂમિ પર ખસતો દેખાવો જોઇએ. ગ્રહની આ હિલચાલ તેને બાકીના તારાથી અલગ પાડી શકે. અલબત, સૂર્યથી અતિશય દૂર હોવાને કારણે ગ્રહની આ હિલચાલ ખૂબ ધીમી રહેવાની. આથી આ ગ્રહને શોધવા માટે આપણી પાસે એવું ટેલિસ્કોપ હોવું જોઇએ જે ખૂબ ઝાંખા પદાર્થને તો જોઈ જ શકે, ઉપરાંત જે આકાશના મોટા ભાગને વારે-વારે, ખૂબ ચોકસાઈથી જોઈ શકે જેથી તારાની પૃષ્ઠભૂમિ પર સાવ ધીમે ખસતા પદાર્થને તારાથી અલગ પાડી શકાય.
આવા ટેલિસ્કોપ સાથેની એક વેધશાળા અત્યારે દક્ષિણ અમેરિકાના ચીલી દેશમાં માનવ-સર્જિત પ્રકાશ-પ્રદૂષણયી દૂર, એન્ડીઝ પર્વતમાળાના એક શિખર પર આકાર લઇ રહી છે. વેધશાળાના 8.4 મીટર વ્યાસના ટેલિસ્કોપ પર 3,200 મેગાપીક્ષેલ વાળો વિશ્વનો સૌથી મોટો કૅમેરા બેસાડવામાં આવશે. ટેલિસ્કોપની ખાસ ડિઝાઈન તથા મોટા કૅમેરાને કારણે ટેલિસ્કોપ એક સાથે આકાશનો મોટો ભાગ ખૂબ વિગતવાર, ચોકસાઈ પૂર્વક જોઈ શકશે અને દર ત્રણ દિવસે પોતાની જગાએથી દેખાતા આખા આકાશને આવરી લેશે, જેથી જુદા-જુદા દિવસે લીધેલી છબીને એક-બીજા સાથે સરખાવી આકાશમાં ખસતા રહેતા બધા પદાર્થ ઓળખી શકાય. જો નવમા ગ્રહનું અસ્તિત્વ ખરેખર હોય તો તે આ ટેલિસ્કોપની નજરમાં જરૂર આવી જશે. ઉપરાંત આ વેધશાળા દૂરના TNOની કક્ષાના અભ્યાસમાં પણ મદદ કરશે. આમ આ વેધશાળા Planet Nineની શોધની ખૂબ મહત્વની કડી છે.
વિશેષ પ્રકારના આ ટેલિસ્કોપ સાથેની વેધશાળાનું નામ પણ એક વિશેષ વ્યક્તિ પરથી રાખવામાં આવ્યું છે. અમેરિકાના ખગોળશાસ્ત્રી વેરા રુબીને મહિલા વૈજ્ઞાનિકને પડતી અનેક મુશ્કેલીનો સામનો કરી ગઈ શતાબ્દીના સાતમા દશકમાં શાધી કાઢ્યું કે આકાશગંગા જેવા તારા-સમૂહ (Galaxy- ગેલેક્ષી)માં તારાની ગેલેક્ષીના કેન્દ્રની આસપાસ ભ્રમણ કરવાની ઝડપ ધાર્યા કરતા વધારે હોય છે. જેને આપણે અદૃશ્ય દ્રવ્ય અથવા ડાર્ક-મેટર (Dark Matter) તરીકે ઓળખીએ છીએ, તેની શોધ ડો. રુબીનના આ અવલોકનનું સીધું પરિણામ છે. ડો. રુબીનના યોગદાનના ઋણ-સ્વીકાર સ્વરૂપે નવી બની રહેલી વેધશાળાનું નામ વેરા સી. રુબીન વેધશાળા રાખવામાં આવ્યું છે. આમ તો વેધશાળા આ વર્ષના અંત ભાગ સુધીમાં તૈયાર થઇ જવાની આશા હતી પરંતુ મહામારીના કારણે હવે તે વર્ષ 2023માં તૈયાર થશે તેવું લાગે છે. વૈજ્ઞાનિકોને માને છે કે જો Planet Nineનું અસ્તિત્વ હોય તો તે વેરા સી. રુબીન વેધશાળાથી બે વર્ષથી વધુ સમય માટે છૂપાઈ શકશે નહીં.