ચંદ્રયાન-૨ના લેન્ડરની નિષ્ફળતા- ISROની ચેલેન્જર ઘડી

આ વેબસાઇટનો ઉદ્દેશ વિજ્ઞાન તથા ટેકનોલોજી વિષેના સમાચાર, અને બની શકે તો તેમનું વિશ્લેષણ વાચક સુધી પહોંચાડવાનો છે. વ્યક્તિગત વિચાર અને અભિપ્રાય અકારણ વિવાદને જન્મ આપી વેબસાઇટના મુખ્ય ઉદ્દેશમાં બાધા રૂપ બની શકે. તેથી સામાન્ય રૂપે આ વેબસાઇટ પરના લેખમાં  માત્ર હકીકતનું નિરૂપણ થાય છે, લેખકના વ્યક્તિગત વિચાર અને અભિપ્રાયનું નહીં. પરંતુ ભારતના ચંદ્રયાન-૨ મિશન અને તેની આંશિક નિષ્ફળતાની ચર્ચા એટલી વ્યાપક, એટલી ઉગ્ર અને ઉત્કટ હતી કે તેમાં ભાગ લેવાથી હું મારી જાતને રોકી શકતો નથી.

ચંદ્રયાન-૨નું લેન્ડર “વિક્રમ” ગયા સપ્ટેમ્બરની ૭ તારીખે ચંદ્રની સપાટી પર હેમ-ખેમ ઉતરવામાં નિષ્ફળ રહ્યું.  નિરાશાના આ સમયમાં એકાદ-બે એવી ચીજ જોવા મળી  જે એક રાષ્ટ્ર તરીકે ભારતની  પરિપક્વતાના ચિન્હ સમાન છે અને જેના માટે આપણે સૌ ભારતીય ગર્વ નહીં તો સંતોષ તો જરૂર અનુભવી શકીએ. મારો સામાન્ય અનુભવ છે કે આપણો ભારતીય સમાજ કોઈ પણ અસફળતાને સહજ રૂપે સ્વિકારતા ખચકાટ અનુભવે છે. તેથી ભારતની ISRO, DRDO તથા પરમાણુ વિભાગ જેવી આગળ પડતી સંસ્થા પોતે વિકસિત  કરેલ ટેકનોલોજીના પરીક્ષણની આગોતરી પ્રસિદ્ધિ ઓછી આપે છે.  તેને લગતા સમાચાર મોટા ભાગે પરીક્ષણ પતી ગયા પછી અપાય છે, જેથી પરીક્ષણ અસફળ રહે તો તેના સમાચાર સામાન્ય જનતા સુધી કયા રૂપે પહોંચાડવા તે વિચારવાનો સમય મળી શકે.  આ સામે અસફળતાની  શક્યતા ભારોભાર હોવા છતાં ISROએ પોતાના લેન્ડર “વિક્રમ”ના ચંદ્ર પર ઉતરાણની ઘટનાનું જીવંત પ્રસારણ કર્યું એટલું જ નહીં, આખી ઘટનાને એટલી પ્રસિદ્ધિ આપી કે આખો દેશ રાત્રીના ૨ વાગે ઉતરાણને જોવા માટે ટીવી પાસે બેસી ગયો. આખો દેશ જાણે લેન્ડરના કન્ટ્રોલ રૂમમાં હાજર હતો અને લેન્ડર તરફથી આવતી માહિતી તથા યાનને કન્ટ્રોલ  કરતાં ઇજનેરો વચ્ચેની વાતચીત સીધી જ ટીવી પર જોઇ તથા સાંભળી શકાતી હતી. માહિતીને સેન્સર કરવાનો અથવા તેને બીજા સ્વરૂપે રજુ કરવાનો મોકો જ ન હતો.  

સામે પક્ષે ISROના આત્મવિશ્વાસનો પ્રતિભાવ દેશની જનતાએ સુંદર રૂપે આપ્યો. લેન્ડરની નિષ્ફળતા પછી અપેક્ષા મુજબ ISROનો દોષ જોવાને બદલે ISROના  ઇજનેરોને સાંત્વના આપવાની હોડ લાગી. વડાપ્રધાન અને વિપક્ષના નેતાઓથી શરૂ કરી અખબાર અને ટીવીના પત્રકાર સહિત દેશના દરેક નાગરિક માટે ISROની અસફળતા આખા રાષ્ટ્રની અસફળતામાં બદલાઈ ગઇ અને આ અસફળતાથી હતાશ થવાના બદલે સફળ થવાનો ઇરાદો વધુ મક્કમ બન્યો. આવો પ્રતિભાવ દેશના  વધતાં જતાં આત્મવિશ્વાસનો પુરાવો છે અને  તેને કારણે વિજ્ઞાન તથા ટેકનોલોજી ક્ષેત્રે આપણા વિકાસને પારદર્શક બનાવવામાં મદદ મળશે. 

સફળ થવાનો ઇરાદો રાખવો એક ચીજ છે  અને સફળતા માટે જરૂરી પગલાં લેવા, તેના માટે કાર્ય કરવાનો એક પ્લાન બનાવી તેનો અમલ કરવો તે એક અલગ ચીજ છે. કોઈ પણ અસફળતાને સફળતામાં બદલવા માટે સૌ પ્રથમ તો અસફળતાનું કારણ જાણવું જરૂરી છે. “વિક્રમ” ચંદ્ર પર ઉતરવામાં   શા માટે નિષ્ફળ રહ્યું તે જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી ઉતરાણ માટેનો બીજો પ્રયત્ન કરવો નિરર્થક છે. વિશ્વની દરેક અંતરિક્ષ સંસ્થા આ વાત સારી રીતે સમજે છે અને તેથી જ  કોઇ પણ નિષ્ફળતાના મૂળ કારણની તપાસ તથા તેમના નિરાકરણના ઉપાય શોધવા આ બન્ને પ્રવૃત્તિ તેમના માટે ખૂબ અગત્યની હોય છે.

અમેરિકાની અંતરિક્ષ સંસ્થા NASAના “ચેલેન્જર” શટલનો અકસ્માત અને અકસ્માતના કારણ માટેની તપાસ આ બાબતનું એક ઉત્તમ ઉદાહરણ છે.  સન ૧૯૮૬ના જાન્યુઆરી માસની ૨૮ તારીખે NASAનું સ્પેસ-શટલ “ચેલેન્જર” પોતાના ૧૦મા ઉડ્ડયનની શરૂઆતમાં જ આટલાન્ટિક મહાસાગરમાં તૂટી પડ્યું અને એક શિક્ષક સહિત તેમાં સવાર સાત અંતરિક્ષ-યાત્રી મોત પામ્યા. અકસ્માતે લીધેલા માનવ  જીવનના ભોગને કારણે આખો દેશ હત્તપ્રભ બની ગયો. સાથે જ NASAની જીવનદોરી સમાન શટલ પ્રોગ્રામના ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું. તાત્કાલિક ધોરણે શટલ પ્રોગ્રામ પર તો રોક લાગી જ ગઇ, ઉપરાંત અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને અકસ્માતના કારણ શોધી કાઢવા એક સમિતિ રચી, જેના પ્રમુખ અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન  હતા અને જેમાં ચંદ્ર પર ઉતરનારા પ્રથમ માનવી નીલ આર્મસ્ટ્રોન્ગ અને નોબેલ પારિતોષિક વિજેતા વિખ્યાત ભૌતિકશાસ્ત્રી રીચાર્ડ ફેમાન સહિત બીજા બાર સભ્ય સામેલ હતાં. માત્ર ચાર માસમાં સમિતિએ પોતાનો રિપોર્ટ અમેરિકાના રાષ્ટ્રપતિને સોંપી દીધો ઉપરાંત સમિતિના સભ્યોએ અમેરિકાની સંસદની સમિતિ સમક્ષ જાહેરમાં પોતાની જુબાની આપી અને સંસદ સભ્યોના પ્રશ્નના જવાબ પણ જાહેરમાં આપ્યા. સમિતિના રિપોર્ટ અનુસાર અકસ્માતનું દેખીતું ટેકનિકલ કારણ શટલને ઉપર લઇ જતાં ઘન ઈંધણ વાળા રોકેટના સાંધાને સીલ કરવા વપરાતી  રબ્બરની બનેલી અમુક રીંગમાં રહી ગયેલી ત્રુટી હતી. ઉડ્ડયન સમયે  નીચા ઉષ્ણતામાન  વાળા વાતાવરણમાં આ ખામીયુક્ત રીંગ  બરડ બની ગઇ અને સાંધામાંથી ભારે દબાણ સાથે ગરમ વાયુ ગળવા લાગ્યો અને તેને કારણે એક ભયાનક વિસ્ફોટ સાથે શટલ તૂટી પડ્યું. આ તો હતું અકસ્માતનું  દેખીતું કારણ. પરંતુ સમિતિના મત અનુસાર સમસ્યાના મૂળ ઘણા ઊંડા હતાં અને  અકસ્માતનું મૂળ કારણ તો NASAની કાર્ય કરવાની પદ્ધતિ હતી. સમિતિએ નોંધ્યું કે NASAના મેનેજર- અર્થાત્ ઉપરી-ગણ – અને ખરેખર કામ કરતાં ઇજનેરો  વચ્ચે સમન્વયનો અભાવ હતો. તપાસ દરમ્યાન સમિતિને જાણવા મળ્યું કે રીંગમાં રહેલી ત્રુટી વિષે ઇજનેરોએ વારંવાર આપેલી ચેતવણીની અવગણના કરવામાં આવી હતી. ઉપરાંત સમિતિએ કહ્યું કે ઓછા સમયમાં વધુ અને વધુ શટલ અંતરિક્ષમાં મોકલવાનું લક્ષ પાર પાડવા NASAના મેનેજર ગુણવત્તા સાથે ઘણી બાંધછોડ કરતાં હતાં. તેથી અકસ્માત અને નિષ્ફળતાના મૂળભૂત પ્રશ્નના ઉકેલ માટે NASAની કાર્યપદ્ધતિમાં પરિવર્તન જરૂરી હતું.

ચંદ્રયાન-૨ના લેન્ડરની નિષ્ફળતાનું દેખીતું કારણ પણ કોઇક ટેકનિકલ ત્રુટિ જ હશે. ISROમાં  આ  કારણની આંતરિક તપાસ તો અલબત થઇ રહી હશે (કોઇ અગમ્ય  કારણસર આવી તપાસના સમાચાર ISRO તરફથી હજુ સુધી નથી!). પરંતુ પ્રશ્ન એ થાય કે યાન પર થયેલા ઘણા બધા પરીક્ષણ (test- ટેસ્ટ) અને  મિશનના દરેક તબક્કે થતી ઘનિષ્ઠ સમીક્ષા (Review- રીવ્યુ)  આ  ટેકનિકલ ત્રુટિ પકડવામાં શા માટે નિષ્ફળ રહ્યા? શક્ય છે કે ચેલેન્જર અકસ્માતની માફક આ દેખીતી ત્રુટિના મૂળ ISROની કાર્યપદ્ધતિની કોઇ ખામીમાં હોય. ISROના ભવિષ્ય માટે, ભવિષ્યમાં તેના મિશનનની સફળતા માટે  આ પ્રશ્નનો જવાબ શોધવો ખૂબ જ  જરૂરી છે. ISROની આંતરિક તપાસ આવી ખામી શોધી તેને દૂર કરવાના ઉપાય બતાવે તેની સંભાવના ઓછી છે. કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા માટે પોતાના દોષ જાતે શોધી કાઢવા મુશ્કેલ કામ છે. આ કામ તો “ચેલેન્જર” અકસ્માત માટે રચાયેલ નિષ્પક્ષ, નિર્લેપ (Deteched- ડીટેચ્ડ) સમિતિ  જેવી કોઇ સમિતિ જ કરી શકે. આવી સમિતિની રચના ઉચ્ચસ્તરે-ભારતના વડા પ્રધાનના સ્તરે- થાય તે જરૂરી છે, જેથી સમિતિ કોઇની શેહ-શરમમાં આવ્યા વગર પોતાના વિચાર ભારતની જનતા સમક્ષ રાખી શકે.  સમિતિની આગેવાની એવી પ્રતિષ્ઠિત વ્યક્તિને સોંપવી જોઇએ જેમને ટેકનોલોજી અને મેનેજમેન્ટ એમ બન્નેનો બહોળો અનુભવ હોય અને જેમની નિષ્પક્ષતા બાબત કોઇ સંદેહ ન હોય. ઇન્ફોસીસના પ્રણેતા શ્રી નારાયણમૂર્તિનું નામ આ સંદર્ભમાં સહજ  યાદ આવે છે. ચેલેન્જર સમિતિની માફક ચંદ્રયાન સમિતિનું કાર્ય સમય-બદ્ધ રૂપે પૂરું થવું જોઇએ, તેના તારણ જનતા સમક્ષ રજુ થવા જોઇએ અને ભારતના સંસદ સભ્યોની સમિતિને ચંદ્રયાન-૨ સમિતિના સભ્યોને પ્રશ્ન પૂછવાનો મોકો મળવો જોઇએ. સમય છે ISROએ લેન્ડરના ઉતરાણ સમયે દાખવેલી પારદર્શકતા, અને જનતાએ  ISROની નિષ્ફળતાને સહજતાથી સ્વીકારી  દર્શાવેલી  પરિપક્વતા, આ બન્નેને એક નવી સપાટી, નવા સ્તરે લઇ જવાનો.  ISRO અને તેના જેવી બીજી સંસ્થાને વિશ્વ સ્તરે પહોંચાડવાનો આ એક માત્ર માર્ગ છે.    

શેર કરો