તાજેતરના મોટા સમાચાર છે અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) ના મંગળ ગ્રહ પર કાર્યરત ઇનસાઇટ (InSight) યાને તારીખ ૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ નોંધેલા સંકેત, જે કદાચ ભૂકંપને કારણે ઉત્પન્ન થયા હોય. જો આમ હોય તો આ ભૂકંપ મંગળ ગ્રહ પર નોંધાયેલો સર્વ પ્રથમ ભૂકંપ હશે. નાસાએ પોતાની વેબસાઇટ પર આ બાબતની નોંધ તારીખ ૨૪ એપ્રિલ ૨૧૦૯નો રોજ મૂકી છે. આ સંકેત યાનના સેસ્મિક એક્ષપરિમેન્ટ ફોર ઇન્ટીરીયર સ્ટ્રક્ચર (Seismic Experiment for Interior Structure -SEIS) નામના ઉપકરણે ઝીલ્યા હતાં. ફ્રાન્સની અંતરિક્ષ સંસ્થા કેનેસ (CNES) દ્વારા બનાવામાં આવેલું આ ઉપકરણ ઇનસાઇટે ગયા ડીસેમ્બર માસમાં મંગળ ગ્રહની સપાટી પર મૂક્યું હતું. નાસાના કહેવા મુજબ એક સ્ટેથોસ્કોપની માફક કામ કરતું આ ઉપકરણ એટલું સંવેદનશીલ છે કે તે હાઇડ્રોજન વાયુના એક પરમાણુથી પણ નાના હલન-ચલનને નોંધી શકે છે.
વિજ્ઞાન કથા લેખક આઇઝેક એઝીમોવ (Isaac Asimov) ની કલ્પનાને સાકાર કરતાં એક સમાચાર સ્પેસ-ડેઇલી વેબસાઇટ પર તારીખ ૧૫ એપ્રિલ ૨૦૧૯ના રોજ પ્રસિદ્ધ થયા છે. રશિયાની સરકારી અંતરિક્ષ કંપની રોસકોસમોસ (Roscosmos) વર્ષ ૨૦૨૪માં “ફેડરેશન” (Federation) નામનું એક સ-માનવ અંતરિક્ષ યાન આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (International Space Station) પર મોકલવાની યોજના બનાવી રહી છે. આ જ અંતરિક્ષ યાનની વધુ મોટી આવૃત્તિ છેવટે ચંદ્ર પર માનવ વસાહત સ્થાપવામાં મદદ કરશે. આ યાનમાં તથા ત્યારબાદ ચંદ્ર પર “ફેડોર” (FEDOR) નામના રોબોટનો પણ સમાવેશ થશે. બંદૂક ચલાવવામાં પાવધરા આ રોબોટનો ઉપયોગ માનવ અંતરિક્ષ યાત્રીની મદદ, તથા જરૂર પડે તેમનો બચાવ કરવા માટે કરાશે. આવો એક રોબોટ રોસકોસમોસ પાસે પહોંચી પણ ગયો છે.
તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૯ના રોજ સામયિક “નેચર” (Nature) ની વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર અનુસાર જનીન-વિદ્યા (Genetics- જીનેટિક્સ) એ માનવજાતની સેવામાં એક વધુ ડગલું ભર્યું છે. બબલ-બોય (Bubble Boy) અથવા પરપોટા-બાળક તરીકે જાણીતા એક રોગ, જેમાં જીનેટિક ખામીને લીધે બાળકની રોગ સામે લડવાની શક્તિ પર ગંભીર અસર પડે છે, તેનો જનીન-વિદ્યા વડે પ્રાયોગિક ધોરણે ઉપચાર કરવામાં વૈજ્ઞાનિકાને સફળતા મળી છે. ટેનીસી, અમેરિકાની એક હોસ્પીટલમાં આવા સાત બાળકોમાં ખામીયુક્ત IL2RG નામના જીનના બદલે સારા જીનનું પ્રત્યારોપણ કરી ડૉ. એવેલીના મામકાર્ઝ (Ewelina Mamcarz) તથા તેમની ટૂકડીએ રોગનું નિવારણ કર્યું છે. આ અંગેનો શોધ લેખ ધી ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીન (The New England Journal of Medicine) ના ૧૭ એપ્રિલ ૨૦૧૯ના અંકમાં પ્રકાશિત થયો છે.
પડોશી ગ્રહ-મંડળમાં જીવનની સંભાવના
છેલ્લા બે દશકમાં સૂર્ય-મંડળની બહાર અનેક ગ્રહ, જેને એક્ષોપ્લેનેટ (Exoplanet) અથવા બાહ્ય-ગ્રહ કહે છે, શોધાયા છે અને હજુ શોધાઈ રહ્યાં છે. આમાં નો એક ગ્રહ આપણા સૌથી નજીકના પડોશી તારા પ્રોક્ષીમા સેન્ટોરી (Proxima Centauri) – b ની આસપાસ ફરી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, આ ગ્રહ પૃથ્વી તથા મંગળની માફક ખડકાળ છે, વળી તેનું પોતાના માતૃ તારાથી અંતર એટલું છે કે તેના પર જીવન માટે જરૂરી પ્રવાહી પાણી હોઇ શકે. પરંતુ આ ગ્રહનો માતૃ તારો લાલ-વામન (Red Dwarf- રેડ ડ્વાર્ફ) પ્રકારનો તારો છે. આ પ્રકારના તારા અસ્થિર હોય છે અને તેમનામાંથી જીવન માટે ખતરનાક તેવા પાર-જાંબલી (Ultra Violet – અલ્ટ્રા વાયોલેટ) કિરણ સાથેની જ્વાળા વારે-વારે પ્રગટે છે. વળી વૈજ્ઞાનિક માને છે કે જેમ ચંદ્ર પોતાની એક જ બાજુ પૃથ્વી તરફ રાખીને પોતાની કક્ષા તથા ધરી પર ફરે છે, તેવી જ રીતે આ ગ્રહની એક જ બાજુ સતત તેના માતૃ-તારા તરફ રહે છે. તેની આ લાક્ષણિકતાને કારણે ગ્રહની એક બાજુ (તારા તરફની) ખૂબ ગરમ તો બીજી, તેની સામેની બાજુ ખૂબ જ ઠંડી હોવાની શક્યતા છે. આ બધા કારણ સર આપણા આ સૌથી નજીકના બાહ્ય-ગ્રહ પર જીવન હોવાની આશા વૈજ્ઞાનિકોએ છોડી દીધી હતી. પરંતુ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિકોએ આજ થી ૪૦૦ કરોડ વર્ષ પહેલા, જ્યારે પૃથ્વી પર જીવન પાંગરી રહ્યું હતું, તે સમયની પૃથ્વી પરની સ્થિતીની સરખામણી આ પડોશી બાહ્ય-ગ્રહ પરની સ્થિતી સાથે કરી. તેમના મત પ્રમાણે બન્ને સ્થિતી વચ્ચે એટલું સામ્ય છે કે બાહ્ય-ગ્રહ પર જીવનની આશા નકારી શકાય નહીં. આ અંગેનો શોધ લેખ મન્થલી નોટીસીસ ઓફ રૉયલ એસ્ટ્રોનોમીકલ સોસાયટી (Monthly Notices of Royal Astronomical Society)માં ૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ પ્રસિદ્ધ થયો છે. આ સમાચાર યુનિવર્સ ટૂડેની વેબ સાઈટ પર પણ ચમક્યા છે.
ઇલેક્ટ્રિક કાર ટેસ્લાના ઉત્પાદક એલન મસ્કની અંતરિક્ષ કંપની સ્પેસ-એક્ષ (Space-X) અંતરિક્ષ યાત્રાને સસ્તી બનાવવાના પ્રયત્ન માટે જાણીતી છે. કિંમત ઓછી રાખવા કંપની એવા રોકેટ વિકસાવી રહી છે, જેમના ઘણા બધા ભાગ ફરી-ફરી વાપરી શકાય. તારીખ ૧૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ કંપનીએ પોતાના સૌથી ભારે રોકેટ ફાલ્કન હેવી (Falcon Heavy) ના લોન્ચ બાદ તેના પહેલા ચરણમાં રહેલા ત્રણે રોકેટ એન્જીનને એક જહાજ પર પાછા ઉતારવાનો પ્રયત્ન કર્યો. ત્રણે એન્જીન સહી સલામત ઉતરી પણ ગયા પરંતુ એક એન્જીનને લઇને આવતું જહાજ તોફાનમાં સપડાયું અને તેના પર રાખેલું એન્જીન એટલાન્ટિક મહાસાગરમાં ગરકાવ થઇ ગયું. સ્પેસ -એક્ષની આ આંશિક સફળતાના સમાચાર સ્પેસ-ડેઇલી ઉપરાંત યુનિવર્સ-ટૂડે તથા બીજી ઘણી બધી વેબસાઇટ પર ચમક્યા છે
ગ્લોબલ વોર્મિંગની એક વધુ સાબિતી
પૃથ્વીના ઉષ્ણતામાનમાં થઇ રહેલા સતત વધારા બાબત આમતો વૈજ્ઞાનિકોને કોઇ શંકા નથી. હવે આ બાબતની એક વધુ સાબિતી વર્ષ ૨૦૦૨ થી અતરિક્ષમાં ફરતા ઉપગ્રહ પરના ઉપકરણે આપી છે. અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) ના એક્વા (Aqua) ઉપગ્રહ પર એટમોસ્ફેરિક ઇન્ફ્રારેડ સાઉન્ડર (Atmospheric Infrared Sounder- AIRS) નામનું એક ઉપકરણ છે, જે પૃથ્વી પરથી આવતા ઇન્ફ્રારેડ (Infrared) વિકિરણને ૨૩૭૮ જેટલી જુદી-જુદી તરંગ-લંબાઇમાં માપે છે. આ માહિતી પરથી પૃથ્વીની પૂરી સપાટી પર ઉષ્ણતામાન માપી શકાય. વૈજ્ઞાનિકોએ આ માપણી, જમીન પરના હવામાન કેન્દ્રએ માપેલા ઉષ્ણતામાન તેમ જ સમુદ્રમાં જહાજ પર તથા સમુદ્રમાં તરતા ખાસ હવામાન માપણી યંત્ર, જેને બ્યોય કહે છે, તેમણે માપેલા ઉષ્ણતામાન સાથે સરખાવી. તેમના તારણ અનુસાર બન્ને માહિતી માની ન શકાય તેટલી ચોકસાઈથી એકબીજા સાથે મળતી આવે છે. આ સાથે ગ્લોબલ વોર્મિંગ બાબતની રહી-સહી શંકા પણ દૂર થઇ ગઇ છે. આ અંગેનો એક લેખ સાયન્ટિફિક અમેરિકને તારીખ ૧૮ એપ્રિલ ૨૦૧૯નો રોજ પ્રકાશિત કર્યો છે.