ન્યુ હોરાયઝન્સ તેના આગલા પડાવ તરફ!

 

નાસા નું ન્યુ હોરાયઝન્સ ( New Horizons) અંતરિક્ષયાન તેના મુખ્ય લક્ષ પ્લુટો ની ખોજ પરિપૂર્ણ કરી આગળ નીકળી ગયું છે. અંતરિક્ષ વિજ્ઞાન ની વેબ સાઇટ સ્પેસ ડેઇલી ના ૪ એપ્રિલ ૨૦૧૭ ના અંક માં પ્રસિધ્ધ થયેલા અહેવાલ પ્રમાણે ન્યુ હોરાયઝન્સ હવે કલાક ના ૫૧,૫૦૦ કિલોમીટર ની ઝડપે તેના આગળ ના લક્ષ તરફ ધસી રહ્યું છે.

 

ન્યુ હોરાયઝન્સ અંતરિક્ષ યાન
(છબી સૌજન્ય : NASA )

શું છે ન્યુ હોરાયઝ્ન્સ નું નવું લક્ષ? આપની સૂર્ય માળા ના બધા ગ્રહ થી આગળ, સૂર્ય થી લગભગ ૪૫૦ કરોડ કિલોમીટર થી  માંડી ૭૫૦ કરોડ કિલોમીટર લગી ના પહોળા પટા માં ઘણા બધા નાના પિંડ સૂર્ય ની આસપાસ ફરે છે. આ પટા ને કુઇપર બેલ્ટ (Kuiper Belt) કહે છે. વૈજ્ઞાનિકો ના માનવા મુજબ, કુઇપર બેલ્ટ માં ફરતાં પિંડ, જેને વૈજ્ઞાનિક Kuiper Belt Object (KBO) કહે છે,  તેમના બંધારણ માં ૪૫૦ કરોડ વર્ષ પૂર્વે સૂર્ય માળા ની ઉત્પત્તિ સમય થી ખાસ ફેરફાર થયો નથી. તેથી તેમનો અભ્યાસ સૂર્ય માળા ના ઉત્પત્તિ સમયની પરિસ્થિતી ઉપર પ્રકાશ પાડી શકે.    ગૌણ-ગ્રહ પ્લુટો આવા પિંડ ના એકમેક  સાથે  ની અથડામણ, તેમના ભેગા થવા થી બનેલો મુખ્ય KBO છે, પરંતુ આવી અથડામણ ના કારણે પ્લુટો માં ફેરફાર આવ્યા, તેથી તેને લાક્ષણિક (typical) KBO કહી શકાય નહીં.   ન્યુ હોરાયઝન્સ નું આગલું લક્ષ એક બીજો KBO,  2014 MU69 છે, જે પ્લુટો થી બિલકુલ અલગ છે.  2014 MU69 માત્ર ૪૫ કિલોમીટર લાંબો છે, અર્થાત્ પ્લુટો થી લગભગ ૧૦૦ ગણો નાનો! પરંતુ વૈજ્ઞાનિક માને છે કે 2014 MU69 છેલ્લા ૪૫૦ કરોડ વર્ષ થી કોઇ ફેરફાર વગર, એકધારો  સૂર્ય ની આસપાસ ફર્યા કરે છે. તે એક લાક્ષણિક KBO છે.

એપ્રિલ માસ ની ૩ જી  તારીખે ન્યુ હોરયઝન્સ પ્લુટો થી 2014 MU69 સુધી ની મુસાફરી ના મધ્યબિંદુ

ન્ય હોરાયઝન્સ -2014 MU69 નું મિલન સ્થળ
(છબી સૌજન્ય : NASA)

પર પહોંચી ગયું.  આ સમયે અંતરિક્ષ યાન પ્લુટો તથા તેના આગળ ના લક્ષ બેઉ થી લગભગ ૭૮ કરોડ કિલોમીટર દૂર હતું. સૂર્ય ના  ગુરુત્વાકર્ષણ ના કારણે અંતરિક્ષ યાન ની ગતિ ઘટી રહી છે, તેથી સન ૨૦૧૫ ના જુલાઈ  માસ ની ૧૪ મી તારીખે પ્લુટો થી સફર માટે નીકળેલ અંતરિક્ષ યાન ને બાકી નુ અંતર કાપતાં   થોડો વધુ સમય લાગશે. અનુમાન છે કે ન્યુ હોરાયઝન્સ તેના 2014 MU64 પાસે ૧ જાન્યુઆરી, સન ૨૦૧૯ ના દિવસે પહોંચશે.

પ્લુટો ની ખોજ દરમ્યાન એકઠી કરેલ માહિતી ને  પૃથ્વી ને મોકલવા માટે યાન ના ૧૬ માસ લાગ્યાં. ઉપરાંત રસ્તા માં બીજા નાના-મોટાં કામ કરતાં યાન જાણે થાકી ગયું! આથી ઇજનેરો એ યાન ને હવે સુષુપ્ત   અવસ્થા માં મુકી દેશે.  2015 MU69 પાસે પહોંચવા ના થોડા સમય પહેલા યાન ને જગાડવા માં આવશે! પરંતુ સુતા પહેલા યાન ના લોરી નામ ના કેમેરા એ તારા ની પૃષ્ઠભૂમિ પર યાન ના આગલા પડાવ ની છબી લીધી છે.  છબી માં દેખાતા પીળા રંગ નો આકાર ન્યુ હોરાયઝન્સ ની મંજિલ બતાવે છે. હાલ માં તો આ એક ખાલી જગા લાગે છે પરંતુ લગભગ ૨૦ માસ બાદ 2014 MU69 તથા ન્યુ હોરાયઝન્સ ત્યાં એકબીજા ને મળશે.

શેર કરો