Space-X ના ચંદ્ર અભિયાનની તૈયારી
ટેસ્લા ઇલેક્ટ્રિક કારના સર્જક અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની અવકાશ કંપની Space-X પોતાના ફરી વપરાશમાં લઇ શકાય તેવા રોકેટ માટે જાણીતી છે. કંપનીનું એક સ્વપ્ન સન ૨૦૨૩માં સામાન્ય પ્રવાસીને ચંદ્રની સફર પર લઇ જવાનું છે. ચંદ્ર તથા ત્યાર બાદ મંગળ ગ્રહ પર જવા માટે કંપની સ્ટારશિપ (Starship) નામનું એક શક્તિશાળી રોકેટ તૈયાર કરી રહી છે. આ રોકેટ કંપનીના હાલના ફાલ્કન (Falcon) રોકેટમા વપરાતા મર્લીન (Merlin) એન્જીન કરતાં બે ગણું વધુ શક્તિશાળી રેપ્ટર (Raptor) એન્જીન વાપરશે. રેપ્ટર એન્જીનના પરીક્ષણ તથા રોકેટની બીજી પ્રણાલીના વિકાસ બાબતે એલન મસ્કના ટ્વીટ્સ પર ખગોળ તથા અંતરિક્ષ અંગેના સમાચાર આપતી વેબસાઇટ યુનિવર્સ ટુડે (Universe Today) પર એક રસપ્રદ લેખ પ્રકાશિત થયો છે.
ઓપર્ચ્યુનિટિ બગી- છેવટે ઇજનેરોએ માની હાર.
લગભગ ૮ માસના પ્રયત્ન બાદ નાસાની જેટ પ્રપલ્શન લેબોરેટરી (JPL) ના ઇજનેરોએ છેલ્લા ૧૫ વર્ષથી મંગળ પર સંશોધન કરી રહેલી બગી (rover- રોવર) ઓપર્ચ્યુનિટિ (Opportunity)ને ફરી કાર્યરત કરવાની આશા છોડી દીધી છે. માત્ર ૯૦ દિવસ માટે કામ કરવા અને તે દરમ્યાન માત્ર ૧ કિલોમીટર ફરવા માટે સન ૨૦૦૩માં મંગળ પર ઉતરેલી આ બગીએ ધાર્યા કરતા ૬૦ ગણા વધુ સમય માટે કાર્ય કર્યું અને તે દરમ્યાન તે ૪૫ કિલોમીટર ચાલી. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ JPLની વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર મુજબ ધૂળના તોફાનમાં ઢંકાઇ ગયેલી ઓપર્ચ્યુનિટિએ ૧૦ જુન ૨૦૧૮ના દિવસે પોતાનો છેલ્લો સંદેશો મોકલ્યો હતો. ધૂળને કારણે સૂર્ય-પ્રકાશના અભાવને લીધે બગી ઇલેક્ટ્રિકલ પાવર ઉત્પન્ન કરી શકી નહીં અને ત્યારબાદ ઇજનેરોના તેને ફરી કાર્યરત કરવા મોકલેલા ૧૦૦૦થી વધુ આદેશ અસફળ રહ્યા. છેવટે ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે મોકલેલા આદેશનો કોઇ પ્રતિભાવ નહીં મળતા બગીના મિશનના અંતની જાહેરાત કરવામાં આવી.
જીવન ચાલતા ક્યારે શીખ્યું?
વિજ્ઞાન સમાચાર વેબસાઇટ સ્પેસ ડેઇલી (Space Daily) પર તારીખ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પ્રસિદ્ધ સમાચાર મુજબ પૃથ્વી પર જીવન ધારણા કરતાં ઘણું વહેલું ચાલતા શીખી ગયું હતું. અત્યાર સુધી વૈજ્ઞાનિક માનતા હતાં કે પોતાની જાતે હલનચલન કરી શકે તેવા જીવ સૌ પ્રથમ વખત આજથી લગભગ ૫૭ કરોડ વર્ષ પહેલા વિકસિત થયા. પરંતુ વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે આફ્રિકાના ગેબોન દેશમાં જાતે હલનચલન કરતાં જીવના ૨૧૦ કરોડ જૂના અશ્મિ શોધી કાઢ્યા છે. આ અંગેનો શોધ-લેખ અમેરિકાના વિજ્ઞાન સામાયિક પ્રોસીડીંગ્સ ઑફ ધી નેશનલ એકેડેમી ઑફ સાયન્સના (Proceedings of National Academy of Science)ના ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના અંકમાં પ્રકાશિત થયો છે.
પાડોશીની સાથે અથડામણ, કેવી, ક્યારે?
સન ૨૦૧૩માં કક્ષામાં મુકાયેલ યુરોપિયન અંતરિક્ષ સંસ્થા ઇસા (ESA)ના ગાયા (Gaia) યાનનું મુખ્ય કાર્ય આપણી આકાશગંગાના કરોડો તારાની સ્થિતી તથા તેમની ગતિ ખૂબ ચોકસાઇથી માપીને આકાશગંગાનો નકશો તૈયાર કરવાનું. આ કાર્ય તો તે સારી રીતે કરી જ રહ્યું છે, પરંતુ અમેરિકાના જાણીતા સામયિક નેશનલ જીઓગ્રાફિકની વેબસાઇટ પર તારીખ ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ પ્રકાશિત લેખ અનુસાર ગાયાએ આપણા પડોશી દેવયાની તારા-વિશ્વ (Galaxy – ગેલેક્ષી)ના ઘણા તારાની ગતિ તેમજ સ્થિતી પણ માપી છે.
વીસમી સદીની શરૂઆતથી ખગોળવેત્તા જાણે છે કે દેવયાની તારા-વિશ્વ કલાકના ૨,૫૦,૦૦ કિલોમીટરની ગતિથી આપણા તરફ ધસી રહ્યું છે, અને આજથી ૩૯૦ કરોડ વર્ષ બાદ આપણી સીધી અથડામણ આપણા આ પડોશી સાથે થશે. ગાયાની નવી માપણીના પરિણામ સ્વરૂપે આ અથડામણના સમય તથા તેની અસર વિષેની સમજમાં સારો એવો ફેરફાર થયો છે. ખગોળવેત્તા હવલ માને છે કે અથડામણ ૩૯૦ કરોડ વર્ષના બદલે ૪૫૦ કરોડ વર્ષ પછી થશે, વળી આ અથડામણ સામ-સામે નહીં, પરંતુ તીરછી રહેશે.