ગ્લોબલ વોર્મિંગની અસરથી પતંગિયાને બચાવવાનું અભિયાન
૨૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિક નેચર (Nature) ની વેબસાઇટ પર અમેરિકાના મોનાર્ક પતંગિયા (Monarch Butterfly- પ્રજાતી Danaus plexippus) ને બચાવવાના અનોખા અભિયાન વિષે લેખ પ્રકાશિત થયો છે. બદલતી આબોહવાની સાથે તાલ મેળવવા વૈજ્ઞાનિક જેના પર પંતગિયા શિયાળો વિતાવે છે તેવા સેંકડો ફર વૃક્ષને ઊંચા સ્થાન પર લઇ જવા માગે છે, જ્યાં ઉષ્ણતામાન નીચું રહે.
ગ્લોબલ વોર્મિંગ- એક નવી ચેતવણી.
સામાયિક સાઇન્ટિફિક અમેરિકન ( Scientific American) ના જાન્યુઆરી ૨૦૧૯ અંકમાં પ્રકાશિત લેખ મુજબ પૃથ્વીના વાતાવરણના ઉષ્ણતામાનના વધારાને ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખવા માટે હવે માત્ર વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુની ઉમેરવાનો દર નિયંત્રિત કરવાથી કામ નહીં ચાલે. તેના માટે આ સદીના અંત સુધીમાં આપણે વાતાવરણમાં એકઠા થયેલા કાર્બન ડાયોક્ષાઇડ પૈકી લગભગ એક લાખ કરોડ ટન કાર્બન ડાયોક્ષાઇડ દૂર કરવાની તૈયારી રાખવી પડશે. લેખ આ કાર્ય માટેની ટેકનોલોજી તથા તેની કિંમત વિષે ચર્ચા કરે છે.
અલ્ટીમા થુલેની નજીકની છબી
નાસા વતી ન્યુ હોરાઇઝન અંતરિક્ષયાનનું સંચાલન કરનાર અમેરિકાની જ્હોન હોપકીન્સ યુનિવર્સિટીની ભૌતિક પ્રયોગશાળાએ ન્યુ હોરાઇઝન અંતરિક્ષયાને પોતાના નવા લક્ષ, ક્યુપીયર બેલ્ટમાં ભ્રમણ કરતા 2014 MU69 પિંડ, જેને અલ્ટીમા થુલી (Ultima Thule) પણ કહે છે, તેની સૌથી નજીકથી લીધેલી છબી પ્રકાશિત કરી છે. આ છબી, ૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ, જ્યારે યાન અલ્ટીમા થુલીથી માત્ર ૬,૭૦૦ કિલોમિટર દૂર હતું ત્યારે લેવાઇ હતી. પૃથ્વીથી લગભગ ૬૬૪ કરોડ કિલોમિટર દૂરના આ પિંડની નજીકથી લેવાયેલ છબી એક વિક્રમ સમાન છે. વૈજ્ઞાનિકો માને છે કે અલ્ટીમા થુલીના નિરિક્ષણથી સૂર્ય-મંડળમાં ગ્રહોની ઉત્પત્તિ વિષે સમજવામાં મદદ મળશે.
ઇન્ટરનેટની વરવી આડ અસર
પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામાયિક નેચર (Nature)ની વેબસાઇટ પર અમેરિકાના અખબાર વોશીંગ્ટન પોસ્ટ (Washington Post)ના હવાલાથી એક સમાચાર પ્રકાશિત થયા છે. સમાચાર અનુસાર ઇન્ટરનેટ પર પ્રચલિત બાળકોના રસીકરણની આડ-અસર વિષે ગેરમાર્ગે દોરતા પ્રચારના પ્રભાવમાં અમેરિકા તથા યુરોપના ઘણા લોકો આવી ગયા છે. પરિણામે અમેરિકાના કેટલાક ભાગમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળવાનો ભય પેદા થયો છે