રોઝેટા- એક પ્રવાસ વર્ણન

એરિયાન-૫ રોકેટ દ્વારા રોઝેટાનું લોન્ચ માર્ચ ૨, ૨૦૦૪
છબી સૌજન્ય : JPL, NASA
રોઝેટા અંતરિક્ષ યાન
છબી સૌજન્ય : Wilipedia

યુરોપની અંતરિક્ષ સંસ્થા ઇસા (ESA)એ  ગયા બુધવારે  (૨૧ જૂન ૨૦૧૮) જાહેર કર્યું છે કે તેના યાન રોઝેટા (Rosetta) એ મિશનના અંતિમ ચરણમાં સન ૨૦૧૬માં  ઝડપેલી છબી સાથે યાનની  યાત્રા દરમ્યાન ભેગી થયેલી બધી છબીનો સંગ્રહ હવે ઇસાના છબી-સંગ્રહમાં ઉપલબ્ધ છે.

મિશનના આ અંતિમ ચરણની સમાપ્તિ સમયે રોઝેટા તથા તેના ઉપ-યાન ફાઇલી (Philae)ની ૧૨ વર્ષની અંતરિક્ષયાત્રાનું   રોમાંચક પ્રવાસ-વર્ણન સંક્ષિપ્તમાં કહેવાની લાલચ રોકી શકાતી નથી.

રોઝેટા યાનનું મૂળ લક્ષ તો 46P/Wirtanen (વર્ટાનેન) ધૂમકેતુ હતો પરંતુ છેલ્લી ઘડીએ રોકેટમાં ખરાબી સર્જાતા 46P/Wirtanen  પર પહોંચવાની તક હાથમાંથી નીકળી ગઇ. નાસીપાસ થયા વગર મિશનના વૈજ્ઞાનિકોએ યાનનું લક્ષ જ બદલી નાખ્યું! યાનનું નવું લક્ષ  67P/Churyumov–Gerasimenko (ચુર્યુમોવ-ગેરાસીમેન્કા), ટુંકમાં 67P ધૂમકેતુ હતો જે સૂર્યની ૧૮ કરોડ કિલોમીટર X ૮૫ કરોડ કિલોમીટરની  કક્ષામાં ૬.૪૫ વર્ષમાં એક વખત પરિભ્રમણ કરે છે. સન ૨૦૦૪માં રોઝેટા પોતાની સફર પર નીકળ્યું ત્યારે તેની પાસે પોતાના લક્ષ પર પહોંચવા માટે જરૂરી માત્રામાં ઈંધણ પણ ન હતું! ઓછા ઈંધણ સાથે લાંબી યાત્રા કરવા માટે યાને ત્રણ વખત પૃથ્વી તથા એક વખત મંગળ ગ્રહની મદદ માંગી અને તેમના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની  ઉર્જા વાપરી  જરૂરી ગતિ મેળવી.

ગુરુત્વાકર્ષણની મદદ લેવા પૃથ્વીની મુલાકાત (૧૩ નવેમ્બર, ૨૦૦૯)
છબી સૌજન્ય: ESA

રસ્તામાં મળેલી બે-એક ઉલ્કાની ખબર પણ રોઝેટાએ લઇ લીધી. લાંબી સફર એટલે થાક પણ લાગે! જૂન ૨૦૧૧માં  જાન્યુઆરી ૨૦૧૪નું એલાર્મ મૂકી  યાને અઢી વર્ષની ઊંઘ  લઇ લીધી. આ સમયે યાનના મોટા ભાગના ઉપકરણ- પૃથ્વી સાથે સંપર્ક માટે જરૂરી રેડિયો સુધ્ધાં-  બંધ કરી દેવાયા, જેથી સૂર્યથી દૂર, ઓછા પ્રકાશમાં, ઓછી ઇલેક્ટ્રિસિટીથી પણ કામ ચાલી જાય.

રોઝેટાની P67 પર પહેલી નજર (૨૦ માર્ચ ૨૦૧૪)
છબી સૌજન્ય: ESA

એલાર્મ સાંભળીને રોઝેટા ઊંઘમાંથી આપમેળે જાગશે કે કેમ એવી  ઇજનેરોની ચિંતા નિર્મૂળ સાબિત કરી યાન જાન્યુઆરી ૨૦૧૪માં પાછું કામે લાગી ગયું. અને છેવટે સન ૨૦૧૪ના ઓગસ્ટ માસમાં 67P  ધૂમકેતુ પાસે પહોંચી ગયું- અને શરૂ થયો યાત્રાનો સૌથી હેરત ભર્યો ભાગ. રોઝેટા મિશનનું એક અગત્યનું ધ્યેય હતું પોતાના ઉપ-યાન ફાઇલીને ધૂમકેતુ પર ઉતારવાનું. ૧૨મી નવેમ્બર ૨૦૧૪ના દિવસે ફાઇલી 67P ધૂમકેતુ પર ઉતરવા માટે રોઝેટાથી અલગ થયું.  નાના ધૂમકેતુનું ગુરુત્વાકર્ષણ સાવ નગણ્ય હોય તેથી તેના પર “ઉતરવું” કહેવા કરતા તેની સાથે “જોડાઈ જવું”, તેને પકડી રાખવો તેમ કહેવું વધારે યોગ્ય છે. ધૂમકેતુને પકડવા માટે ફાઇલી પર વહેલનો શિકાર માટે વપરાતાં  હાર્પૂન જેવા ભાલા બેસાડવામાં આવ્યા હતાં. કમનસીબે અણીના સમયે આ ભાલા ખૂલ્યા નહીં, તથા જો ભાલા નિષ્ફળ રહે તો ફાઇલીને ધૂમકેતુ બાજુ ધકેલવા રાખેલા નાના રોકેટ પણ નિષ્ફળ રહ્યાં. આથી ફાઇલી ધૂમકેતુ સાથે અથડાઇને બે કલાક સુધી આમતેમ ફરતું રહ્યું.

P67 નજીકથી
છબી સૌજન્ય: ESA

છેવટે તે ધૂમકેતુ પર એક કોતર જેવી જગ્યામાં જઈ પડ્યું. રોઝેટાએ પોતાના કેમેરા દ્વારા ફાઇલીને ધૂમકેતુ પર શોધવાની અસફળ કોશિશ કરી જોઇ. જો કે ફાઇલીના રેડિયો સંકેત રોઝેટાને મળતા રહ્યા. કોતરમાં છાંયડો હોવાથી ફાઇલી પર લાગેલી સોલાર પેનલ (Solar Panel) કામ કરી શકી નહીં અને ફાઇલી પોતાની બેટરી જ્યાં સુધી ચાલી ત્યાં સુધી કામ કરી

ફાઇલી મળી ગયું (૨ સપ્ટેમ્બર, ૨૦૧૬) છબી સૌજન્ય: ESA

૧૫ નવેમ્બર ૨૦૧૪ના દિવસે ચુપ થઇ ગયું. પરંતુ ઇજનેરોએ  આશા છોડી નહીં. આ સમયે ધૂમકેતુ સૂર્યની નજીક જઈ રહ્યો હતો અને  થોડા દિવસ પછી ફાઈલીની સોલાર પેનલ થોડી ઘણી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે તેવી શક્યતા હતી. અને ખરેખર ૧૩ જૂન ૨૦૧૫ના દિવસે ધૂમકેતુની આસપાસ ફરતા રોઝેટાને ફાઇલી પરથી સંકેત મળ્યા. ૯ જુલાઈ ૨૦૧૫ સુધી આ સંકેત તૂટક-તૂટક મળતા રહ્યાં. આ દરમ્યાન ધૂમકેતુ પર સૂર્યની ગરમીની અસર દેખાવા લાગી હતી અને તેમાંથી વરાળ તથા ધૂળ નીકળવા લાગ્યા હતાં. આ સંકટથી બચવા રોઝેટાને ધૂમકેતુથી દૂર જવું પડ્યું અને તેનો ફાઇલી સાથેનો સંપર્ક તૂટી ગયો.  આમ ફાઇલીના મિશનનો અંત આવી ગયો. જો કે વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે  મુશ્કેલીઓની પરંપરા છતાં ફાઇલીએ હંમેશ માટે ચુપ થતાં પહેલા  પોતાને સોંપાયેલા કામના ૮૦% કામ પૂરા  કરી લીધા હતાં.

ત્યાર બાદ રોઝેટા ધૂમકેતુની સાથે-સાથે ચાલતું રહ્યું. ધૂમકેતુ હવે સૂર્યથી દૂર જઈ રહ્યો હતો અને તેની સાથે રોઝેટાની સોલાર પેનલની ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટતી જતી હતી. યાનના બધાજ ધ્યેય પાર પડી ચૂક્યા  હતાં. માત્ર એક વાતનો વસવસો હતો- ધૂમકેતુ પર ફાઇલી ક્યાં જઈને પડ્યું છે તેની કોઈ ખબર ન હતી. એક છેલ્લા પ્રયત્ન રૂપે તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે રોઝેટાએ માત્ર ૨.૭  કિલોમીટર દૂરથી    ધૂમકેતુની છબી લીધી. આ છબી વડે મિશનનો છેલ્લો કોયડો પણ ઊકલી ગયો. છબીમાં આડું પડી ગયેલું ફાઇલી સ્પષ્ટ દેખાતું હતું. હવે ઇજનેરો શાંતિ પૂર્વક રોઝેટા મિશનનો અંત લાવવા  તૈયાર હતાં. તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે ભારતીય સમય પ્રમાણે આશરે સાંજના પાંચ વાગે રોઝેટાને પોતાના સાથી ધૂમકેતુ પર પડવા દેવામાં આવ્યું. પડતા-પડતા પણ રોઝેટાએ ધૂમકેતુની સાવ નજીકની છબી  પૃથ્વી પર મોકલી આપી!

રોઝેટાએ મોકલેલી છેલ્લી છબીઓને ભેગી કરીને એક નાની વિડિઓ ક્લીપ ઇસા એ પ્રસિદ્ધ કરી છે.

 

શેર કરો