છેલ્લા બે-ત્રણ દશકથી પર્યાવરણ બાબતના સમાચાર મહદ્ અંશે નિરાશા જનક હોય છે. જંગલનો વિનાશ, વાતાવરણના ઉષ્ણતામાનમાં સતત વધારો, તેના પરિણામે ધ્રુવ પ્રદેશ તથા હિમનદીના બરફનું ઓગળવું, મહાસાગરમાં પ્રદૂષણ, જીવસૃષ્ટિનો વિનાશ, વગેરે, વગેરે, વગેરે!. આવા સમયમાં કોઇ આશા-ભર્યા સમાચાર મળે તો તેને વારંવાર વાગોળવાની ઈચ્છા થાય! આવા એક સમાચાર તારીખ ૧૨ ઑગસ્ટ ૨૦૧૭ના ન્યુ સાયન્ટિસ્ટ (New Scientist) સામયિકમાં પ્રકાશિત થયા છે.
લેખક ના જણાવ્યા અનુસાર ખેતી તથા પશુપાલન માટે વપરાતી જમીનની આપણી ભૂખમાં પહેલી વાર ઘટાડો જોવા મળી રહ્યો છે. વીસમી સદીના અંત સુધી વિષુવવૃત્તીય જંગલનો ૨૭% તથા સમશીતોષ્ણ કટીબંધના જંગલનો ૪૫% ભાગ માનવ જાતે કુદરત પાસેથી ખેતી તથા પશુપાલન માટે છીનવી લીધો હતો પરંતુ હવે ચીન હોય કે ઓસ્ટ્રેલિયા, ઈરાન કે કઝાગીસ્તાન, વિશ્વના દરેક ખૂણામાં વણ-ખેડાયેલ ખેતર તથા ત્યજી દેવાયેલ ગોચર જમીન પર માનો કુદરત પોતાનું આધિપત્ય, પોતાનો કબ્જો ફરી વાર પ્રસ્થાપિત કરી રહી છે. માનવ ઇતિહાસમાં પ્રથમ વાર ખેતી તથા પશુપાલન માટે વપરાતી જમીન ઘટી રહી છે. અને તે પણ દર વર્ષે ઈંગ્લેન્ડના અર્ધા ક્ષેત્રફળ જેટલા દરથી! અલબત, વિષુવવૃત્તીય જંગલ હજુ પણ કપાઇ રહ્યાં છે, પરંતુ વિશ્વ ખાદ્ય તથા કૃષિ સંગઠન (World Food and Agriculture Organization- વર્લ્ડ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન) ના આંકડા ઉપરથી લેખકનું તારણ છે કે એકવીસમી સદીની શરૂઆતથી માનવ કુદરત પાસેથી જેટલી જમીન લઇ રહ્યો છે તેના કરતાં વધુ જમીન તે કુદરતને પાછી આપી રહ્યો છે.
લેખકના અનુસાર આમ થવાના બે-ત્રણ કારણ છે. સૌ પ્રથમ તો, આપણી પસંદ બદલાઈ રહી છે. ઉદાહરણ રૂપે ઊનના વસ્ત્રની માગ રૂ તથા માનવ સર્જિત રેષાના વસ્ત્રની માગ સામે વિશ્વભરમાં ઘટી રહી છે અને ઊનના ભાવ ઘટી ગયા અને તેથી ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલ્ન્ડના ઘણા ઘેટા ઉછેરનાર કેન્દ્ર બંધ થઈ ગયા. આ કારણ સર સન ૧૯૯૦થી આજ સુધીમાં ૬ કરોડ હેક્ટર (૧૪.૮ કરોડ એકર) જેટલી જમીન ફાજલ પડી અને આ ક્રમ હજુ ચાલુ છે!. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરની પાસે ૬૯,૦૦૦ હેક્ટર (૧,૭૧,૦૦૦ એકર) નું એક ઘેટા-ઉછેર ફાર્મ બંધ થઇ ગયું. તેની જમીન એક પર્યાવરણ સંરક્ષણ સંસ્થાએ ખરીદી અને ત્યાં વન્ય જીવ તથા વનસ્પતિ માટે એક વિશાળ રીઝર્વ સ્થાપિત કર્યું. આવા જ હાલ ઈરાનના ઈશાન ખૂણામાં આવેલી ગોચર જમીનના છે. ત્યાં પણ પર્યાવરણ સંરક્ષક ગોચર જમીનને કુદરતને પરત આપી રહ્યા છે, જેના પરિણામ રૂપે વિલુપ્ત થઇ રહેલા એશિયન ચિત્તા તથા હરણ જેવા વન્ય-જીવ ને નવજીવન મળ્યું છે. રૂની માગ જરૂર વધી છે પરંતુ ઊનના પ્રમાણમાં રૂ ઉગાડવા માટે ઓછી જમીનની જરૂર પડે તેથી સરવાળે જમીનની બચત થાય છે.
બીજું મુખ્ય કારણ સઘન (intense- ઇન્ટેન્સ) ખેતીના કારણે પેદાવાર વધતાં જમીનની જરૂરતમાં ઘટાડો છે. કહે છે કે સઘન ખેતીના કારણે સન ૧૯૬૪ થી માડી સન ૨૦૦૪ લગી લગભગ ૨.૯ કરોડ હેક્ટર (૬.૭ કરોડ એકર) જમીનની બચત થઇ. અલબત, સઘન ખેતીમાં વપરાતાં રાસાયણિક ખાતર તથા જંતુ-નાશક દવા પર્યાવરણ ખરાબ કરે છે. પરંતુ વૈજ્ઞાનિકોને આશા છે કે થોડી વધુ સાવચેતી દાખવી સઘન ખેતીની પર્યાવરણ પર થતી અસરને અંકુશમાં લાવી શકાય તેમ છે.
લેખકના મત અનુસાર ખેતી તથા પશા-પાલન માટે વપરાતી જમીનમાં ઘટાડાનું ત્રીજું મુખ્ય કારણ ૨૦મી સદીના અંતમાં સોવિયેત સંઘનું પતન છે. સામ્યવાદી સરકારના ખર્ચે ચાલતાં બિન-કાર્યક્ષમ, વિશાળ ખેતર સોવિયેત સંઘના પતન બાદ એક પછી એક બંધ થતાં રહ્યા. જેના પરિણામે ખેતી માટે વપરાતી ૪.૫ કરોડ હેક્ટર (૧૧.૧ કરોડ એકર) જમીન ફાજલ પડી અને ફાજલ પડેલી ગોચર જમીનનો તો હિસાબ જ નથી!
ખેતી માટે વપરાતી જમીનમાં થયેલ ઘટાડો એક તરફ પર્યાવરણ સંરક્ષણ માટે વરદાન રૂપ છે, તો બીજી તરફ દુનિયાભરની સરકાર તેને કારણે ઊભા થતાં ખેત-ઉત્પાદનમાં સંભવિત ઘટાડા તથા બેકારી જેવા પ્રશ્નને કારણે ચિંતિત છે. ઘણી સરકાર પોતાના ખેડુતોને જમીન ન છોડવા માટે પ્રોત્સાહિત કરે છે, તો ઘણી બીન-સરકારી સંસ્થા ફાજલ જમીનના માલિકો ને પોતાની જમીનનો પર્યટન જેવા, પર્યાવરણ ને નુકસાન ન કરે તેવા ઉદ્યોગ તરફ વાળવા પ્રયત્ન કરી રહી છે.