કૃત્રિમ લોહીની તરફ એક ડગલું

લોહીના કેન્સર, લ્યુકેમીયા (Leukemia) જેવા રોગમાં લોહીના કોષનું જનીન માળખું (Genetic Structure-  જીનેટિક સ્ટ્રક્ચર) બદલાઈ જાય છે. આવા ઘણા રોગનો એક માત્ર ઉપાય લોહીના કોષ જેમાંથી ઉત્પન્ન થાય છે તે, હાડકાના પોલાણમાં રહેલા અસ્થિ-મજ્જા (Bone Marrow

–બોન મેરો) ને  બદલી નાખવાનો છે. આ માટે કોઇ બીજા નીરોગી દાતાની જરૂર પડે, જેનો બોન મેરો રોગીના બોન મેરો ને મળતો આવે. છેલ્લા ૨૦ વર્ષથી વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં બનાવી શકાય તેવા કોઇ પર્યાયની શોધ કરી રહ્યા છે. બી.બી.સી. નોલેજ (BBC Knowledge) નામના દર ચાર માસે પ્રકાશિત થતા સામાયિકના ઓગસ્ટ ૨૦૧૭ (જે ખરેખર જુલાઇ ૨૦૧૭માં બહાર પડ્યો છે!)  ના અંકમાં પ્રકાશિત સમાચાર મુજબ અમેરિકાની બોસ્ટન ચીલ્ડ્રન્સ હોસ્પિટલ (Boston Children’s Hospital) ના  વૈજ્ઞાનિકોએ આ દિશામાં એક મહત્વનું ડગલું ભર્યું છે.  તેમણે માનવ શરીરના લોહી સિવાય ના કોષ, ઉદાહરણ રૂપે ચામડીના કોષને લોહીના કોષમાં ફેરવવામાં સફળતા મેળવી છે. ભવિષ્યમાં આવા કોષ રોગગ્રસ્ત કોષનું સ્થાન લઇ, રોગનું નિવારણ કરી શકે. આ ઉપરાંત ઇંગ્લેન્ડના સામાયિક નેચર (Nature) ની વેબસાઇટ પર ૧૭ મે ૨૦૧૭ ના રોજ આ વિષય પર લેખ પ્રકાશિત થયો છે, જેમાં બોસ્ટનની ટીમ ઉપરાંત ન્યુ યોર્કની કોર્નેલ યુનિવર્સિટીના વેજ્ઞાનિકોની આ વિષયની શોધનો ઉલ્લેખ છે.

માનવ શરીરમાં અનેક જાતના, કૂલ મળીને લગભગ ૩૭,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ (૩૭ લાખ કરોડ) કોષ હોય છે. પરંતુ આ બધી જાત ના કોષ નું મૂળ માત્ર થોડીક જાતનાં કોષમાં હોય છે, જે જુદી-જુદી જાતના કોષમાં રૂપાંતર પામે છે. આવા મૂળભૂત કોષને સ્ટેમ –અર્થાત્ ઉદ્ગમ- કોષ ( Stem Cell)  કહે છે. આપણા શરીરના બધાં જ કોષ રૂપાંતર પામેલા સ્ટેમ કોષ છે. સ્ટેમ કોષના મુખ્ય બે પ્રકાર છે. શરૂઆતની (સાત દિવસથી ઓછી)  ગર્ભાવસ્થા દરમ્યાન શરીરની રચના કરનાર બે ઉપ-પ્રકારના સ્ટેમ કોષને ભૃણ (Embryonic- એમ્બ્રીયોનિક)  સ્ટેમ કોષ કહે છે.  ભૃણ સ્ટેમ કોષનુ રૂપાંતર શરીરના લગભગ દરેક પ્રકારના કોષમાં થઇ શકે છે. ભૃણ સ્ટેમ કોષ ના બે ઉપ-પ્રકાર છે, ગર્ભાધાનની બાદ તુરત જ ઉત્પન્ન થતાં ટોટીપોટેન્ટ (Totipotent),  તથા ટોટીપોટેન્ટ કોષના વિભાજનથી બનતા પ્લુરીપોટેન્ટ (Pluripotent).  આ સામે જેને પુખ્ત (Adult) સ્ટેમ કોષ કહે છે, તે  સ્ટેમ કોષ હોય છે અનેક જાતના, પરંતુ દરેક જાત માત્ર અમુક પ્રકારના કોષમાં જ રૂપાંતર પામી શકે છે. આવા કોષનો ઉપયોગ શરીર પોતાના વિવિધ  અવયવોને  લાગતો ઘસારો પૂરો કરવા માટે કરે છે. બોન મેરો માં પણ એક પ્રકારના સ્ટેમ કોષ હોય છે, જે લોહી માં રહેતા જુદી-જુદી જાતના ના કોષમાં રૂપાંતર પામી શકે છે. પરંતુ જ્યારે બોન-મેરો ના સ્ટેમ કોષ પોતે રોગ-ગ્રસ્ત થઈ ગયા હોય ત્યારે નવું, નીરોગી લોહી બનાવવા માટે  ભૃણ સ્ટેમ કોષની જરૂર પડે, જે પુખ્ત શરીરમાં મળી શકે નહિ.

આ કોયાડાના ઉકેલનું પહેલું સોપાન સન ૨૦૦૬માં સર કરાયું, જ્યારે જાપાનની ક્યોટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દસ વર્ષની મહેનત બાદ ઉંદરની ચામડી પરથી લીધેલા  કોષમાં ખાસ જાતના વાયરસ નો ચેપ લગાવી, તેનામાં ૨૪ જાત ના જીન ઉમેરીને  એક સામાન્ય કોષને પ્લુરીપોટેન્ટ ભૃણ સ્ટેમ કોષ બનાવવામાં સફળતા મેળવી. આવા કોષને ઇન્ડ્યુસ્ડ (Induced) પ્લુરીપોટેનેટ સ્ટેમ કોષ, ટૂંકમાં IPS  કહે છે.  બાકી રહ્યું હતું IPS કોષને લોહી માટેના સ્ટેમ કોષમાં ફેરવવાનું. પરંતુ આ કાર્ય ધાર્યા કરતાં ખૂબ જટિલ સાબિત થયું.

હવે બીજા દસ વર્ષની મહેનત બાદ અમેરિકાના વેજ્ઞાનિકોની બે ટીમે આ દિશામાં કાંઇક અંશે સફળતા મેળવી છે. બોસ્ટનની ટીમે  સામાન્ય માનવ કોષને પહેલા IPS કોષ માં તથા ત્યારબાદ એવા કોષમાં ફેરવી બતાવ્યો, જે લોહી ના કોષ માટેના સ્ટેમ કોષ જેવાં છે. જ્યારે ન્યુ યોર્ક ની ટીમે ઉંદરના કોષને IPS માં ફેરવ્યા વગર જ, સીધા  લોહીના સ્ટેમ કોષમાં ફેરવી બતાવ્યા. બન્ને માર્ગમાં થી કયો માર્ગ કૃત્રિમ માનવ લોહી બનાવવામાં સફળ રહેશે તે તો સમય જ કહેશે. હાલ તુરત તો વૈજ્ઞાનિકોને એક અશક્ય લાગતું કાર્ય કરી બતાવવાનો સંતોષ છે!

શેર કરો