આગલો પડાવ- સૂર્ય!

સૂર્યની નજીક પાર્કર પ્રોબ- ચિત્રકારની નજરે
(સૌજન્ય: NASA)

છેલ્લા છ દશક માં માનવ-સર્જિત અંતરિક્ષયાન આપણા સૂર્ય-મંડળના બધા જ સભ્યો – ગ્રહ, ગૌણ-ગ્રહ, ધૂમકેતુ કે પછી ઉલ્કા- ની ખૂબ નજીક થી ખોજ કરી આવ્યા છે, અથવા કરી રહ્યાં છે. બાકી રહ્યો છે માત્ર સૂર્ય પોતે! સન ૧૯૬૨ ના ઓરબીટીંગ-સોલાર-ઓબઝર્વેટરી ( Orbiting Solar Observatory- OSO) થી શરૂ કરી ૨૦૧૫ ના DSCOVR સુધીના દૂર રહી ને સૂર્યનો અભ્યાસ કરનાર અંતરિક્ષયાન તો ઘણા છે. પરંતુ હજુ લગી કોઇ અંતરિક્ષયાને સૂર્યની નજીક જવાની હિંમત કરી નથી. અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) ની તાજેતરની જાહેરાત મુજબ સન ૨૦૧૮ માં પાર્કર સોલાર પ્રોબ (Parker Solar Probe) નામનું અંતરિક્ષયાન આવી હિંમત કરનાર સૌ પ્રથમ અંતરિક્ષયાન બનશે.  આ અંતરિક્ષયાન જ્યારે સૂર્યથી નજીક હશે ત્યારે તો  તે સૂર્યના પ્રભામંડળ (Corona- કરોના) ની માનો અંદર જ પહોંચી જશે! આમ એક બાજુ ન્યુ હોરાયઝન સૂર્થ-મંડળ ના છેવાડે કુઇપર ઓબ્જેક્ટ (Kuiper Object) તરફ ધસી રહ્યું હશે તો બીજી બાજુ પાર્કર સોલાર પ્રોબ સૂર્ય-મંડળની એકદમ વચ્ચે પહોંચવા પ્રયાણ કરશે!

નાસા,  સોલાર પ્રોબ પ્લસ (Solar Probe Plus) નામના અંતરિક્ષયાન પર સન ૨૦૦૯ થી કાર્યરત છે. ગયા મે માસની ૩૧મી તારીખે નાસા એ અંતરિક્ષયાનનું નામ બદલી  પાર્કર સોલાર પ્રોબ રાખવાની જાહેરાત કરી. સાથે-સાથે એ પણ જાહેરાત કરી કે યાનનું  પ્રક્ષેપણ (Launch- લૉન્ચ) સન ૨૦૧૮ ના જુલાઇ   માસની ૩૧મી  તથા ઓગસ્ટ માસની ૧૯મી તારીખની વચ્ચેના સમયમાં કરવામાં આવશે.

યાનનું “પાર્કર” નામ શિકાગો યુનીવર્સીટીના “ચંદ્રશેખર” પ્રાધ્યાપક, ભૌતિકશાસ્ત્રી યુજીન પાર્કર (Eugene Parker) ના નામ પરથી રાખવામાં આવ્યું છે. નાસાના ઇતિહાસમાં પ્રથમ વાર કોઇ યાનનું નામ એક જીવંત વ્યક્તિના નામ પરથી

પાર્કર પ્રોબ અંતરિક્ષયાન
(સૌજન્ય : NASA)

રાખવામાં આવ્યું છે. યાનનું નામકરણ ખરેખર યથાર્થ છે, કારણ કે પ્રો. પાર્કરે સન ૧૯૫૮ માં સૂર્યના ચુંબકીય ક્ષેત્ર તથા તેમાંથી ખૂબ ઝડપે નીકળતા વીજ-ભાર ધરાવતાં કણ (charged particles- ચાર્જડ્ પાર્ટીકલ્સ), જે સૌર-વાયુ (Solar Wind- સોલાર વીન્ડ) તરીકે ઓળખાય છે , તેની શોધ કરી હતી.  તેમનું નામ ધરાવતાં યાન નું મુખ્ય ધ્યેય આ સૌર-વાયુ તથા કરોના, જ્યાંથી સૌર-વાયુ ઉત્પન્ન થાય છે  તેનો અભ્યાસ કરવાનું જ છે.

આશરે ૬૦૦ કિલોગ્રામ વજન ધરાવતા યાન માં સૌર-વાયુ તથા કરોનાનો અભ્યાસ કરવા માટે   ઉપકરણ બેસાડવામાં આવશે.  આ ઉપકરણ સૂર્ય ના વિદ્યુત (Electric-ઇલેક્ટ્રિક)  તથા ચુંબકીય (Magnetic- મેગ્નેટિક) ક્ષેત્ર (field- ફીલ્ડ), સૂર્યના પ્લાઝમા (Plasma) ની ઘનતા તથા તેનું ઉષ્ણતામાન, તેમાંથી ઉત્પન્ન થતાં રેડીઓ   (Radio) વિકિરણ, સૂર્યના વાયુમંડળના વીજ-ભાર ધરાવતાં ગતિશીલ (accelerated- એક્સલરેટેડ)  કણ  જેવા કે ઇલેક્ટ્રોન, પ્રાટોન તથા બીજા આયન (ion) નો અભ્યાસ કરશે. તે ઉપરાંત કરોના ની ત્રિ-પરિમાણ (three-dimensional – થ્રી ડાઇમેન્શનલ) છબી લેવા માટે નું ઉપકરણ પણ યાન માં બેસાડવા માં આવશે.

સૂર્યના અભ્યાસ માટે યાન સૂર્યના કેન્દ્ર થી આશરે ૬૦ લાખ કિલોમીટર જેટલું નજીક જશે. આ અંતર સૂર્યથી સૌયી નજીક ના ગ્રહ બુધના  સૂર્યથી  અંતરના લગભગ દસમા ભાગનું છે. આ સામે અત્યાર લગી સૂર્યની સૌ થી નજીક પહોંચવા નો વિક્રમ સન ૧૯૭૬ માં સૂર્યની ૪.૨ કરોડ કિલોમીટર જેટલું નજીક પહોંચેલું  હેલીઓસ-૨ (Helios-2) નામનું અંતરિક્ષયાન ધરાવે છે. યાનને સૂર્યની પાસે મોકલવા માટે શુક્ર ગ્રહના ગુરુત્વાકર્ષણ ની મદદ લઇ યાનને સૂર્યની આસપાસ એક લંબગોળ કક્ષામાં મૂકવામાં આવશે. આ કક્ષામાં યાનનું સૂર્યથી સૌથી વધુ અંતર ૧૦.૯ કરાડ કિલોમીટર રહેશે, જ્યારે સૌથી ઓછું ૬૦ લાખ કિલોમીટર.

સૂર્યની આટલે નજીક પહોંચનાર યાનની રચના માટે સૌથી વિકટ પડકાર અલબત તેની સૂર્યની ગરમી થી રક્ષા કરવાનો છે.  કોઇ પણ રક્ષા કવચ વગર યાનનું ઉષ્ણતામાન ૧,૪૦૦o સેલ્સીયસ સુધી પહોંચી શકે છે. આટલી ગરમી સામે યાનના ઉપકરણ ની રક્ષા કરવા તેની આગળ ૧૨ સેન્ટીમીટર જાડું, કાર્બન-ફાઇબર નું બનેલું કવચ લગાવવા માં આવશે, તથા યાન ને વિદ્યુત પુરી પાડનાર સૌર-પેનલનું ઉષ્ણતામાન  ઠંડા પ્રવાહી દ્વારા નિયંત્રિત કરાશે.

એક રીતે પાર્કર સોલાર પ્રોબ તે માનવજાત દ્વારા કોઇ તારાના નજીકથી  અભ્યાસ માટેનું  પ્રથમ યાન હશે. આશા છે કે  તે પોતાના સાત વર્ષ ના જીવન-કાળ દરમ્યાન સૂર્ય તથા તેના જેવા બીજા તારા ની રચના તથા તેમાં થતી વિવિધ  પ્રક્રિયા વિષે માનવજાત નું જ્ઞાન અનેક ગણું  વધારશે.

 

 

શેર કરો