જ્યારે કોઇ સમાચાર એકસાથે બે સ્વતંત્ર, પ્રતિષ્ઠિત જગા એ થી મળે, ત્યારે તેનુ મહત્વ વધી જાય છે. સ્પેસ ડેઇલી (Space Daily) વેબ-સાઇટ ના એપ્રિલ ૧૦, ૨૦૧૭ ના અંક તથા સાયન્ટીફિક અમેરિકન (Scientific American ) સામાયિક ના એપ્રિલ ૧૪, ૨૦૧૭ ના અંક માં ઑક્ટોપસ તથા તેના જેવા બીજા સેફેલોપોડ (Cephalopod) વર્ગ, (મોલસ્ક્સ (Molluscs) સમુદાય) ના પ્રાણી ની એક ખાસિયત વિષે ના એક સમાચાર પ્રકાશિત થયા છે. સમાચાર એટલા નવાઈ ભર્યા છે કે સાયન્ટીફિક અમેરિકને મથાળું રાખ્યું “નવાઈ ઉપર નવાઈ- ઑકક્ટોપસ ની ઉત્ક્રાંતિ ધાર્યા કરતાં પણ વધુ વિચિત્ર!”
સજીવ સૃષ્ટિ માં જીવ ની સંરચના તથા જનનવિદ્યા (Genetics) ના કેન્દ્ર માં એક અનુક્રમ છે, જેને વૈજ્ઞાનિક કેન્દ્રીય-માન્યતા (Central Dogma) કહે છે. આ અનુક્રમ મુજબ આનુવંશિક લક્ષણ પ્રજાતિ ની એક પેઢી થી બીજી પેઢી માં કોષ ના કેન્દ્ર માં વસતા ડીઓક્ષી-રાયબો-ન્યુક્લિક એસીડ (DeoxyriboNucleic Acid, ટૂક માં, DNA) નામ ના લાંબા અણુ દ્વારા પસાર થાય છે. DNA પ્રાણી ની શારીરિક રચના નો માનો સંપૂર્ણ નકશો છે, પ્રાણી ના કોષ DNA માં લખાયેલ માહિતી નો ઉપયોગ કરી એક બીજો લાંબો અણુ બનાવે છે જે રીબો-ન્યુક્લિક એસીડ (RiboNucleic Acid, ટૂંક માં RNA) તરીકે ઓળખાય છે. આ અણુ પણ શરીર ની રચના ના નકશા નું કાર્ય કરે છે. છેવટે કોષ RNA માં લખેલ માહિતી નો ઉપયોગ કરી પોતાના કાર્ય માટે જરૂરી પ્રોટીન બનાવે છે.
મોટા ભાગ ના પ્રાણી (તથા વનસ્પતિ) માં પ્રજાતિ ની ઉત્ક્રાંતિ માટે ફાયદાકારક જનીન (genetic- જીનેટિક) ફેરફાર ઘણું કરી ને અનુક્રમ ની શરૂઆત માં, DNA માં થાય છે. આ ફેરફાર RNA માં ફેરફાર માં પરિણામે છે અને ત્યાર બાદ, પ્રોટીન માં. પરંતુ સેફેલોપોડ આ બાબત માં જુદા પડે છે. જીવ-વિજ્ઞાન ના જાણીતા સામાયિક Cell ના એપ્રિલ ૬, ૨૦૧૭ ના અંક માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, સેફેલોપોડ ઘણી વખત પોતાના પ્રોટીન, DNA માં કોઇ પણ જાત ના ફેરફાર કર્યા વગર બદલે છે. આવું કરવા માટે સેફેલોપોડ, RNA Editing અર્થાત્ RNA સંપાદન નામ ની પ્રક્રિયા નો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા માં પોતાની આસપાસ ની પરિસ્થિતી ને અનુરૂપ થવા DNA માં ફેરફાર ની રાહ જોયા વગર કોષ જાતે RNA માં જ નાનો શો ફેરફાર કરી નાખે છે, આમ તો RNA સંપાદન સાવ નવું નથી. પરંતુ તે ખૂબજ વિરલ છે. માનવ જાત ના ૨૦,૦૦૦ થી પણ વધુ જીન માં માત્ર ૨૦-૨૫ જીન માં જ RNA સંપાદન જોવા મળે છે. આ સામે સેફેલોપોડ, વર્ગ ના સ્ક્વિડ (Squid) ના ૨૦,૦૦૦ જીન પૈકી ૧૧,૦૦૦ જીન RNA સંપાદન નો આશરો લે છે, ખાસ કરી ને તેના જ્ઞાનતંતુ ને લગતા જીન.
આ પ્રક્રિયા ઉત્ક્રાંતિ ને સ્પર્શતાં પ્રશ્ન ઊભા કરે છે. RNA માં શા ફેરફાર કરવા તે સ્ક્વિડ ની દરેક પેઢી ને ખબર હોય છે. આવું તો જ શક્ય છે જ્યારે સ્ક્વિડ ના RNA નું મૂળભૂત માળખું, અને તેથી આગળ તેનું DNA વર્ષો લગી સ્થિર રહ્યું હોય. સામાન્ય સમજ પ્રમાણે DNA માં ફેરફાર ઉત્ક્રાંતિ નું મુખ્ય કારણ છે, તથા કુદરત DNA માં ફેરફાર ને વધુ પસંદ કરે છે. પરંતુ ઑક્ટોપસ તથા તેના પિતરાઈ નુ વર્તન આપણી આ સમજ જ માં ફેરફાર માંગે છે.
શા માટે ઑકટોપસ RNA સંપાદન નો આશરો લે છે? આસપાસ ની પરિસ્થિતિ ને ઝડપ થી અનુકૂળ થવા? ઑક્ટોપસ થતા તેના વર્ગ ની બીજી પ્રજાતિ નું જીવન ટૂંકુ તથા એકલવાયું હોય છે. તેમને જીવન ની મુશ્કેલી નો સામનો કરતાં શિખવાડવા માટે નજીક માં કોઈ નથી હોતું. શક્ય છે કે આ પ્રશ્ન નો ઉકેલ તેઓ એ આ રીતે શોધી કાઢ્યો હોય! વૈજ્ઞાનિક ના માનવા મુજબ આ બાબત માં ઘણું બધું સમજવા નું હજુ બાકી છે.