લેખક : સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે
લેખના પહેલા ભાગમાં જોયું એ પ્રમાણે આદિત્ય-L1 મિશન દ્વારા સૂર્યના અભ્યાસના બે-ત્રણ મૂખ્ય ધ્યેય છે.
પૃથ્વી પરની જીવસૃષ્ટિના પાલનકર્તા સમાન સૂર્યમાં ચાલતી કેટલીક પ્રક્રિયા આધુનિક માનવ સંસ્કૃતિ માટે વિઘાતક પણ નીવડી શકે છે. ઊંચા ઉષ્ણતામાનને કારણે, સૂર્યમાં રહેલા મોટાભાગના પરમાણુના ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી અલગ થયેલા હોય છે. આવા, છૂટા પડલા ધન અને ઋણ વીજ-ભારના મિશ્રણને પ્લાઝમા (Plasma) કહે છે. ઉકળતા ચરુ જેવા સૂર્યમાં આમતેમ અથડાતો પ્લાઝમા શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રને જન્મ આપે છે. બીજી તરફ ચુંબકીય ક્ષેત્ર પોતે, પ્લાઝમાની હલચલને પ્રભાવિત કરે છે. ચુંબકીય ક્ષેત્ર તેમ જ પ્લાઝમાની પરસ્પરની આ રમતને કારણે અવારનવાર, ક્ષ કિરણ જેવા તીવ્ર વિદ્યુત-ચુંબકીય તરંગ ( પ્રકાશ) ઉત્પન્ન થાય છે, જેને સૌર-જ્વાળા (Solar Flare- સોલાર ફ્લેર) કહે છે. ઘણી વાર,, સોલાર ફ્લેરની સાથે ખૂબ જ ગતિ – અને શક્તિ -વાળા વીજ-કણ સૂર્યના કોરોનામાંથી બહાર નીકળે છે. આ ઘટનાને અંગ્રેજીમાં Coronal Mass Ejection (કોરોનલ માસ ઇજેક્શન), ટૂંકમાં CME કહે છે. માનવ જ્યાં સુધી વિજળી અને રેડિયો વાપરતો નહોતો, જ્યાં સુધી તે અંતરિક્ષમાં પહોંચ્યો નહોતો, ત્યાં સુધી આવા સૌર-તોફાન (Sun Storm- સન સ્ટોર્મ)ની માનવ જીવન પર કોઇ ખાસ અસર પડતી નહીં, હા, એના પરિણામ રૂપે ધ્રુવીય પ્રદેશમાં કોઇ-કોઇ સમયે રંગબેરંગી પ્રકાશ-પૂંજ જરૂર દેખાતા! પરંતુ આધુનિક યુગમાં કોઇ ચેતવણી વિના ત્રાટકેલું શક્તિશાળી સૌર-તોફાન અંતરિક્ષ-યાત્રી માટે કેન્સર જેવા રોગની શક્યતા ઊભી કરવા ઉપરાંત અંતરિક્ષ-યાન, વિજળીની ગ્રિડ તથા સંદેશ-વહેવારને ગંભીર અસર પહોંચાડી શકે છે. એક અનુમાન મુજબ આવું એક તોફાન વિશ્વને 80,000 અબજ રૂપિયા જેટલું નુકસાન પહોંચાડી શકે. જો આવનાર તોફાનની ચેતવણી અગાઉથી મળી જાય, તો એની અસરને કાંઇક અંશે હળવી કરી શકાય.
આદિત્ય L1 પર બેસાડેલા વૈજ્ઞાનિક ઉપકરણ આ બાબતમાં બે રીતે મદદ કરી શકે. ASPEX અને PAPA જેવા ઉપકરણ CMEને કારણે પૃથ્વી પર ધસી આવતા વીજ-કણ પર નજર રાખશે. આવા કણ L1 બિંદુ પાસે રહેલા યાનની પાસેથી પસાર થાય કે તરત જ બેઉ ઉપકરણ એની ચેતવણી પૃથ્વીને આપશે, જેથી વીજ-કણ 15,00,000 કી.મી. નું અંતર કાપી પૃથ્વી સુધી પહોંચે તે પહેલા બચાવ માટેના શક્ય એટલા પગલાં લઇ શકાય. VELC ઉપકરણ કૃત્રિમ સૂર્ય-ગ્રહણ રચીને કોરોનાનું સતત અવલોકન અને અભ્યાસ કરી, CME જેવી ઘટનાની આગાહી કરવાનો પ્રયાસ કરશે. ઉપરાંત L1 બિંદુ પર સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર માપતું મેગ્નેટોમીટર અથવા MAG ઉપકરણ પણ આવનાર તોફાનનો અણસાર આપી શકે. આમ, આદિત્ય L1નું એક અગત્યનું ધ્યેય સૌર-તોફાનનો અભ્યાસ કરવાનું છે.
સૂર્યમાંથી નીકળતા પાર-જાંબલી (Ultraviolet -અલ્ટ્રાવાયોલેટ) કિરણ પૃથ્વીની આબોહવાને પ્રભાવિત કરે છે. આવા કિરણનો અભ્યાસ આદિત્ય L1 પર બેસાડેલું SUIT ઉપકરણ કરશે. આવો અભ્યાસ એક તારા તરીકે સૂર્યમાં ચાલતી વિવિધ પ્રક્રીયાને સમજવામાં પણ મદદરૂપ થશે. આદિત્ય L1 પર બે ઉપકરણ સૂર્યમાંથી નીકળતા જુદી-જુદી શક્તિ (તરંગ લંબાઇ) વાળા ક્ષ-કિરણ (X ray- એક્ષ રે) નો અભ્યાસ કરશે. ક્ષ-કિરણનો અભ્યાસ સૌર-જ્વાળા અને CME માટે તો અગત્યનો છે જ, સાથે-સાથે સૂર્યના એક તારા તરીકે અભ્યાસ કરવામાં મદદ કરશે.
આમ, આદિત્ય L1, લાગ્રન્જ બિંદુ સુધી યાન પહોંચાડી, એને હેલો કક્ષામાં મુકી શકવાની ઇસરોની ક્ષમતાની સાબિતી જ નહીં, સૂર્યના વિવિધ પાસાનો સઘન અભ્યાસ કરવામાં વૈજ્ઞાનિકોની મદદ પણ કરશે એવી આશા છે.
(છબી સૌજન્ય: ISRO/DOS)