આદિત્ય એલ-1 (ભાગ-1)

લેખક: રાજેન્દ્ર દવે, સી.એમ. નાગરાણી

ઇસરોએ તારીખ 23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રયાન-૩ના લેન્ડર “વિક્રમ”ને ચંદ્રની ધરતી પર ધીરે રહીને ઉતાર્યુ એના ઉત્સાહ અને ઉલ્લાસ હજુ તો દેશભરના વાતાવરણમાં ગુંજી રહ્યા હતા ત્યાં જ, ઇસરોએ 2જી સપ્ટેમ્બર 2023ના દિવસે સવારે 11:50 કલાકે પોતાના PSLV રોકેટ દ્વારા આદિત્ય એલ-1 (Aditya L1) નું પ્રક્ષેપણ કરી, એને પૃથ્વીની ફરતે લંબગોળ કક્ષામાં તરતું મુક્યું અને આખો દેશ ફરી એક વાર ભાવ-વિભોર થઇ ગયો.

આદિત્ય એલ-1 યાનના નામમાં “આદિત્ય” શબ્દ એના સૂર્ય સાથેના સંબંધનું સૂચક છે, યાનનું મુખ્ય લક્ષ  જ સૂર્યનો અભ્યાસ છે. પૃથ્વી પરની જીવસૃષ્ટી માટે સૂર્ય, ઉર્જાના સ્રોતના રૂપે નિર્ણાયક ભાગ ભજવે છે. વળી  સૂર્ય, બ્રહ્માંડના અગણિત તારાઓનો આપણો સૌથી નજીકનો  પ્રતિનિધિ છે.  એનો અભ્યાસ બ્રહ્માંડના રહસ્ય ઉકેલવામાં મદદ કરે છે છેલ્લે, પૃથ્વી પર જીવસૃષ્ટિનું પોષણ કરનાર સૂર્ય, બહાર અંતરિક્ષમાં, અને  કોઇક સમયે તો પૃથ્વીની સપાટી પર પણ, પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવી દે છે. આ બધા કારણ સર,  સૂર્ય શાનો બનેલો છે, એની ઉર્જાનો  સ્રોત શું છે, એ કેટલા સમય માટે ઉર્જા આપશે, એમાંથી  વિદ્યુત્ત-ચુંબકીય (Electro-magnetic : ઇલેક્ટ્રો-મેગ્નેટિક) તરંગ તથા ગતિશીલ કણોના સ્વરૂપમાં નિકળતા વિકિરણ (Radiation : રેડીએશન)  વગેરેનો અભ્યાસ માનવજાત માટે ખૂબ મહત્વનો છે.

ઓગણીસમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધી,  વૈજ્ઞાનિક ઊર્જા સંરક્ષણનો નિયમ (Principle of Conservation of Energy) સમજ્યા ત્યાં સુધી, સૂર્યને ઊર્જાનો અનંત સ્રોત માનવામાં આવતો હતો.  ત્યાર બાદ, અનંત માત્રામાં ઊર્જાની ઉપલબ્ધિની શક્યતા જ ન રહી, અને સૂર્યની ઊર્જાના સ્રોતની શોધ શરૂ થઈ.  તે વખતે પ્રચલિત એક મત પ્રમાણે તો સૂર્યની ઊર્જાનો સ્રોત એમાં રહેલો કોલસો હતો!  પરંતુ, સૂર્યના વજન તથા એમાંથી નીકળતા પ્રકાશની ગણતરી કરતા દેખાયું કે આખો સૂર્ય કોલસાનો બનેલો હોય- એમાં કોલસા સિવાય બીજું કશું ન હોય, તો પણ એનું ઇંધણ ચાર-પાંચ હજાર વર્ષમાં વપરાઈ જાય. બીજી તરફ ભૂસ્તરશાસ્ત્રની તે વખતની સમજ અનુસાર પૃથ્વી (અને એના પરની જીવસૃષ્ટિ) પોતે લાખો વર્ષ જુની હતી. સૂર્ય તો એથી વધુ જુનો હોવો જોઈએ. આમ કોલસાના સૂર્યની પરિકલ્પનાનો અંત આવ્યો. વિજ્ઞાનના વિખ્યાત -અને હજુ પણ પ્રકાશિત થતા- સામાયિક સાયન્ટિફિક અમેરિકને (Scientific American) ઓગસ્ટ 1863ના અંકમાં લખ્યું “સૂર્ય કોલસો બાળે છે, તે બાબતે નિષ્ણાતોને શંકા છે“. કોલસો નહિ તો બીજું શું? સૂર્ય ઉપર થતા ઉલ્કાપાત કે પછી પોતાના જ વજન નીચે થતું સતત સંકોચન? વિસમી શતાબ્દીના મધ્ય ભાગ સુધી આવા તર્ક-વિતર્ક થતાં રહ્યાં.

ઓગણીસમી શતાબ્દીના અંત ભાગમાં, અને વિસમી શતાબ્દીની શરૂઆતના સમયમાં ભૌતિકશાસ્ત્રમાં માનો ક્રાંતિ આવી. પરમાણુની રચના, તેના ઘટક, તેનો ઊર્જા સાથેનો સંબંધ સ્પષ્ટ થયા. આ સમજને આધારે વર્ષ 1939માં જર્મન મૂળના અમેરકન ભૌતિકશાસ્ત્રી હાન્સ બીધેએ સૂર્યની ઊર્જાના સ્રોતનો કોયડો ઉકેલી નાખ્યો.આ ઉકેલ અનુસાર, મહદ્દ અંશે હાઇડ્રોજનના બનેલા સૂર્યના પોતાના જ ગુરુત્વાકર્ષણ- વજન- ને કારણે એના પેટાળમાં પૃથ્વીના વાતાવરણના દબાણ કરતા 26,000 કરોડ ગણું દબાણ અને 1.5 કરોડ ડીગ્રી સેલ્સીયસ જેટલું ઉષ્ણતામાન ઉત્પન્ન થાય છે, અને એને કારણે સૂર્ય એક અણુ ભઠ્ઠીમાં ફેરવાય છે. એના પેટાળમાં ખૂબ ઊંચા ઉષ્ણતામાન – અને દબાણ નીચે માત્ર એક પ્રોટોન વાળા ચાર હાઈડ્રોજન પરમાણુંના કેન્દ્ર એક-બીજા સાથે મળી બે પ્રોટોન અને બે ન્યુટ્રોન ધરાવતું હિલીયમ વાયુના પરમાણુંનું એક કેન્દ્ર બનાવે છે.  હવે,  હિલીયમ વાયુના પરમાણુંના એક કેન્દ્રનુ। વજન, ચાર પ્રોટોનના કૂલ વજન કરતા 0.7 % ઓછું હોય છે. વજનનો આ ઘટાડો આઇન્સ્ટાઇનના  વિખ્યાત સમીકરણ E=mc2 મુજબ ઉર્જામાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન (Nuclear Fusion) અર્થાત્ “કેન્દ્ર એકીકરણ” કહે છે. માત્ર ચાર હાઈડ્રોજન પરમાણુના  એક હિલીયમ પરમાણુમાં રૂપાંતરને કારણે ઉત્પન્ન થતી ઉર્જા તો નગણ્ય હોય છે. પરંતુ સૂર્યના પેટાળમમાં તો દરેક સેકન્ડે આશરે 60 કરોડ  ટન હાઇડ્રોજન હિલીયમમાં ફેરવાય છે, અને  આશરે એકની ઉપર 38 શુન્ય મૂકીએ, એટલાં હિલીયમ પરમાણું ઉત્પન્ન થોય છે! પરિણામે ઉત્પન્ન થતી ઊર્જા વડે ૧૦૦ વૉટનો એક એવા 4 ની ઊપર 24 શૂન્ય લગાવીએ એટલા બલ્બ ચલાવી શકાય! સૂર્ય એટલો વિશાળ છે કે દર સેકન્ડે કરોડો ટન હાઇડ્રોજન વાપરતી આ  પ્રક્રિયા    450 કરોડ વર્ષ  પહેલા સૂર્ય અસ્તિત્વમાં આવ્યો ત્યારથી ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ આશરે એટલા સમય સુધી ચાલતી રહેશે એવું અનુમાન છે!

સૂર્યના પેટાળમાં ચાલતી ન્યુક્લિયર ફ્યુઝનના પરિણામે ઉત્પન્ન થતી ઊર્જા ગેમા રે (Gama Rays)- ખૂબ ઓછી તરંગ-લંબાઇ વાળા પ્રકાશ- ના રૂપમાં હોય છે. ખૂબ ઊંચા ઉષ્ણતામાનને કારણે સૂર્યમાં રહેલા પરમાણુના કેન્દ્ર તથા તેમના ઇલેક્ટ્રોન એકબીજાથી અલગ થઇ જાય છે તેથી આખો ય સૂર્ય, વિજભાર   ધરાવતા કણો- પ્લાઝમા (Plasma)થી ભરાય્લો છે. ન્યુક્લિયર ફ્યુઝનને કારણે પેદા થયેલા ગેમા રે ના કણ- ફોટોન (photon)- આ વિજભાર વાળા કણો વચ્ચે અટવાઈ જાય છે. વૈજ્ઞાનિકો માને છે કે સૂર્યના પેટાળમાં પેદા થયેલી ઊર્જાને સપાટી સુધી પહોંચતાં 50,000 વર્ષ લાગી શકે છે! સપાટી પર પહોંચે ત્યાં સુધમાં ઊર્જાનું સ્વરૂપ પણ બદલાઈ ચૂક્યું હોય છે. માત્ર એક-બે  તરંગ-લંબાઇ વાળા ગેમા રેની જગાએ સૂર્યની સપાટી પરથી બહાર નીકળતી ઊર્જા, JWST વિષેના લેખમાં જેનો ઉલ્લેખ થયો હતો એ પ્લેન્કના નિયમ પ્રમાણે 5,700 અંશ સેલ્સિયસ ઉષ્ણતામાન  વાળા પદાર્થમાંથી જે ઊર્જા,  નીકળે, એવી હોય છે.  આ જ ઊર્જા આપણે સૂર્ય પ્રકાશના રૂપમાં જોઈએ છીએ. જે સપાટી પરથી આ પ્રકાશ આવતો દેખાય છે, એને સૂર્યનું  બિંબ (Photosphere- ફોટોસ્ફીઅર) કહે છે.

છબી સૌજન્ય નાસા

બિંબની ઉપર સૂર્યના  10,000 અંશ ઉષ્ણતામાન વાળું  વાતાવરણ ક્રોમોસ્ફીઅર (chromosphere) છે, જેમાંથી પાર-જાંબલી (Ultraviolet- અલ્ટ્રાવાયોલેટ)  વિકિરણ નિકળે છે. ક્રોમોસ્ફીઅરની ઉપર, અત્યંત આછું, અને અત્યંત ગરમ- દસ લાખ અંશ ઉષ્ણતામાન સાથે- કોરોના (ના, વાયરસ નહીં, મુકુટ-આવરણ) આવેલું છે. ઘણે ઊંચે સુધી ફેલાયેલા કોરોનામાં અત્યંત ગતિશીલ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની બીજાં પરમાણું સાથેની અથામણ, શક્તિશાળી ક્ષ-કિરણ (X- rays) ને જન્મ આપે છે. આ ઉપરાંત વિદ્યુત-ભાર વાળો ગતિશીલ પ્લાઝમા  શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ચુંબકીય ક્ષેત્ર પોતે વિદ્યુત-ભાર વાળા કણોને પોતાની રેખાઓ સાથે રાખે છે. ખૂબ સરળ રીતે કહીએ તો, ઉકળતા પ્રવાહીની માફક, સૂર્યના  ચુંબકીય ક્ષેત્રમાં માનો એક પ્રકારના પરપોટા ઉત્પન્ન થાય છે. આવો પરપોટો ફૂટે ત્યારે ચુંબકીય રેખાની સાથે વિશાળ માત્રામાં ખૂબ ગતિશીલ, શક્તિશાળી પ્રોટોન તથા ઇલેક્ટ્રોન સૂર્યની બહાર ફેંકાય છે. આ પ્રક્રિયાને કોરોનલ માસ ઇજેક્શન (Coronal Mass Ejection), ટૂંકમાં CME કહે છે. પૃથ્વીની દિશામાં ફેંકાયેલું CME,  સૂર્ય-તોફાન (Sun-storm) પૃથવીની કક્ષામાં ઘુમતા ઉપગ્રહ, અને ખાસ કરીને માનવ યાત્રી ઉપરાંત પૃથ્વી પર વિજળીની ગ્રીડ જેવી સંરચના માટે ખૂબ જ જોખમ કારક નીવડી શકે.

સૂર્યના આવરણો પરથી નીકળતા વર્ણપટના બધા જ ઘટકોના  કિરણો,  વિજભાર વાળા કણો, ચુંબકીય ક્ષેત્ર સતત પરિવર્તિત થતાં હોય છે.  અને પૃથ્વીના વાતાવરણને પણ અસર પહોંચાડે છે. તેથી જ તો સૂર્યના આ બધા આવરણોનો તલસ્પર્શી અભ્યાસ સતત થતો રહ્યો છે, પરંતુ હજુ સૂર્ય વિષેની આપણી સમજ અધુરી છે,  એના વધુ સઘન અભ્યાસની  જરૂર વરતાય છે.

સૂર્યનું બિંબ- ફોટોસ્ફીઅર- એટલું બધું પ્રકાશિત છે કે તેના આંજી દેતા પ્રકાશમાં ક્રોમોસ્ફીઅર અથવા કોરોના જોવા અસંભવ છે. માત્ર (પૂર્ણ) સૂર્ય-ગ્રહણ સમયે, જ્યારે, સૂર્યનું બિંબ પૂરેપૂરું ઢંકાઈ જાય, ત્યારે જ સૂર્યના અન્ય આવરણો ક્રોમોસ્ફીઅર, અને કોરોના પણ જોઈ શકાય છે. પરંતુ  પૂર્ણ સૂર્ય-ગ્રહણ  તો વર્ષમાં એકાદ વખત, પૃથ્વીના એક નાના ભાગમાં માત્ર બે-ત્રણ મીનીટ માટે જ જોઈ શકાય. એથી અવલોકનનો સમય ખૂબ જ મર્યાદિત થઈ જાય. વળી પૃથ્વીનું વાતાવરણ પાર-જાંબલી કિરણોને  રોકી લે છે, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વી  સૂર્યના પોતાના ચુંબકીય ક્ષેત્રના અભ્યાસમાં ખલેલ પહોંચાડવા ઉપરાંત સૂર્ય તરફથી આવ વિજભાર વાળા કણોનો પથ બદલી નાખે છે! તેથી જ, પૃથ્વીના વાતાવરણની બહાર રહીને, કૃત્રિમ ખગ્રાસ ગ્રહણનું સર્જન કરીને નિરાંતે સૂર્યના બધા જ અંગોનો અભ્યાસ કરવા માટે, અવકાશયાનો દ્વારા ખગોળીય પ્રયોગશાળાઓને પૃથ્વીના વાતાવરણથી સુદૂર તરતી મૂકવામાં આવે છે.

સૂર્યના અભ્યાસ પૃથ્વીની અથવા સૂર્યની કક્ષામાં રહીને કરી શકાય. પૃથ્વીની કક્ષામાં રહીને અભ્યાસ કરવો સહેલો છે, પરંતુ, અંતરિક્ષમાં દૂર સુધી ફેલાયેલું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની કક્ષામાં ફરતા યાન માટે સૂર્યના અવલોકનમાં બાધા બની શકે. વળી પૃથ્વીની કક્ષામાં ફરતા યાન તથા સૂર્યની વચ્ચે સમયાંતરે પૃથ્વી આવી જાય, તેથી સૂર્યના અવલોકનમાં વિક્ષેપ પડે. ઉપરાંત, સૂર્યના અભ્યાસ માટેનું એક અગત્યનું કારણ  એમાંથી નીકળતી સૌર-જ્વાળા પર ચાંપતી નજર રાખવાનું, અને તેના આગમનની વેળાસર ચેતવણી આપવાનું છે. આ કાર્ય પૃથ્વી પરથી અથવા પૃથ્વીની કક્ષામાં રહીને કરવું અશક્ય છે.

છબી સૌજન્ય વીકીપેડીયા

સૂર્ય અને પૃથ્વીના ગરુત્વાકર્ષણની સહિયારી  અસરના પરિણામ સ્વરૂપ “લાગ્રાન્જ પોઈંટ” , જ્યાં રાખેલું યાન, સૂર્યની કક્ષામાં હોવા છતાં પૃથ્વીની સાપેક્ષમાં સ્થિર રહે છે અને જેની થોડી ચર્ચા આ વેબસાઇટ પર JWST અંગેના લેખમાં થઇ ચૂકી છે, આ પ્રશ્નનો ઉકેલ પૂરો પાડે છે. પૃથ્વી-સૂર્ય પ્રણાલીના પાંચ લાગ્રાન્જ પોઈંટ પૈકી બે- L4, અને L5 – સૂર્યને ફરતી પૃથ્વીની કક્ષા ઉપર આવેલા છે. તેથી ત્યાં મૂકેલું યાન સૂર્યનો સતત અભ્યાસ તો કરી શકે, પરંતુ આ બે બિંદુ પૃથ્વીથી સૂર્યના અંતર જેટલા જ, 15 કરોડ કિલોમીટર દૂર છે, તેથી, યાનનું દૂર-સંચારણ અને નિયંત્રણ માટે સહેલું નથી. વળી બિંદુ પૃથ્વી અને સૂર્યની વચ્ચે ન હોવાને કારણે ત્યાં રાખેલું યાન સૂર્ય-તોફાનની ચેતવણી ન આપી શકે . તેથી આ બે બિંદુ સૂર્યના અવલોકન માટે બહુ ઉપયોગી નથી. હા, આ બે પોઇન્ટ પર મૂકેલું યાન ઇંધણ વિના પણ બહુ જ સ્થિર રહી શકે. તેથી જ તો બધા ગ્રહોના સૂર્ય સાથેના એ બે પોઇન્ટની સોડમાં કેટલીય ઉલ્કા- Trojan Asteroid: ટ્રોજાન અસ્ટ્રેયોઇડ-  આ સમાઈ રહેલી છે.

છબી સૌજન્ય વીકીપેડીયા

બીજા ત્રણ લાગ્રાન્જ પોઈંટ પૈકી  L2 પૃથ્વી પરથી જોતાં સૂર્યની ઉલટી બાજુ આવેલું છે, તો ત્રીજું પોઇન્ટ  L3, સૂર્યની બીજી બાજુ, પૃથ્વીથી દૂર આવેલું છે, અને પૃથ્વી પરથી દેખાતું પણ નયી, તેથી આપણે આ બે બિંદુઓ આપણા કાર્ય માટે ઉપયોગી નથી. છેલ્લું, L1 લાગ્રાન્જ પોઇન્ટ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે, પૃથ્વીથી આશરે 15 લાખ કિલોમીટર પર આવેલું છે. અહીં મૂકેલું યાન સૂર્યનો અભ્યાસ સતત, કોઇ અડચણ વિના કરી શકે.

આ બિંદુની બીજી ખાસિયત એ છે કે આ બિંદુ પૃથ્વીને સૂર્ય સાથે જોડતી રેખા પર પૃથ્વીથી સૂર્ય તરફ લગભગ 15 લાખ કિલોમીટર  છે. તેથી સમયાંતરે સૂર્યમાંથી બહાર ફેંકાતા CME અને સૂર્ય-તોફાન અહીં પહેલા પહોંચે છે. તેથી આ બધાની વિનાશક શક્તિ પૃથ્વી સુધી પહોંચે એ પહેલા આપણને એનો અણસાર અહીંથી મળી રહે છે. અને તેથી પૃથ્વીની આસપાસ ફરી રહેલા આપણા ઉપગ્રહો અને પૃથ્વી પરની આપણી વિજ-વહન માટેના તારોને સુરક્ષિત સ્થિતીમાં રાખી શકીએ છીએ.

L1 અને L2 પોઇન્ટની એક ખાસ વિષેશતા છે.આ બન્ને પોઇન્ટ સૂર્યથી પૃથ્વીની કક્ષા જેટલા અંતરે નથી, છતાં પૃથ્વીને સૂર્યની આસપાસ એક આંટો મારતા લાગે, એટલો જ સમય આ બન્ને પોઇન્ટને પણ સૂર્યની પ્રગક્ષિણા કરતાં લાગે છે. અહીં, કેપ્લરના નિયમનું ઉલ્લંઘન થતું હોય એવું લાગે, કારણ કે જ્યારે કોઇ ગ્રહ  કે બીજો પીંડ સૂર્યની આસપાસ ફરતો હોય તો એની પ્રદક્ષિણાનો ગાળો સૂર્યથી એના અંતર પર આધાર રાખે  છે. જેમ સૂર્યથી અંતર વધારે, તેમ પ્રદક્ષિણાનો ગાળો લાંબો. તેથી સૂર્યથી વધુ નજીક એવા L1 પોઇન્ટ નો પ્રદક્ષિણાનો ગાળો પૃથ્વી કરતા ઓછો હોવો જોઇએ અને દૂર રહેલા L2 પોઇન્ટનો વધારે. ગણતરી કરતા એવું લાગે છે કે, L1 પોઇન્ટને સૂર્યની પ્રદક્ષિણા કરવામાં પૃથ્વી કરતા લગભગ પાંચ દિવસ ઓછા લાગવા જોઇએ અને L2 પોઇન્ટને પાંચ દિવસ વધારે. પરંતુ એવું થતું નથી. આમ ન થવાના કારણ બહુ જ રસપ્રદ છે.

L1 અને L2 પૃથ્વીની નજીક હોવાથી પૃથેવીનું ગુરૂત્વાકર્ષણ પણ એમને અસર કરે છે. તેથી, જ્યારે ત્યાં મૂકેલું યાન સૂર્યની કક્ષામાં ફરે છે, ત્યારે સૂર્યનું ગુરૂત્વાકર્ષણ એને એક બાજુ ખેંચે છે, જ્યારે પૃથ્વીનું બીજી બાજુ. આપણે સૌ જાણીએ છીએ એમ સૂર્ય કે ગ્રહોની આસપાસ ફરતા યાન ગુરૂત્વાકર્ષણ અને (આભાસી) કેન્દ્રોત્સારી બળના સમતોલનથી એની કક્ષામાં રહીને ફરે છે. પરંતુ અહીં પૃથ્વી અને સૂર્ય  બન્નેના ગુરૂત્વાકર્ષણનો સમન્વય થતાં નેટ બળ ઓછું થઇ જાય છે, તેથી નાની ત્રિજ્યામાં પણ એનો પ્રદક્ષિણાનો સમયગાળો પૃથ્વીની પ્રદક્ષિણાના સમયગાળા જેટલો જ થઇ જાય છે. તેથી જ તો આ પોઇન્ટ સૂર્યનો અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. સૂર્યનો અભ્યાસ પણ અડચણ વગર કરી શકાય અને પૃથ્વી સાથેનો સંપર્ક પણ સતત જળવાય.

હેલો કક્ષાનું એક ઉદાહરણ.(છબી સૌજન્ય વીકીપેડીયા)

પરંતુ અવકાશયાનને આ બરાબર આ બિંદુ પર મૂકવાનો  એક ગેરફાયદો  છે. યાન પોતાના અવલોકન રેડિયો સિગ્નલ દ્વારા જ પૃથ્વી પર મોકલી શકે.  પરંતુ યાનની બિલકુલ પાછળ દખાતો  સૂર્ય પોતે એક રડિયોનો ખૂબ શક્તિશાળી સ્રોત છે, જે યાનના સિગ્નલ ઝીલવા પૃથ્વી પર  રાખેલા ઉપકરણોને આંજી નાખે. તેથી, યાનને આ બિંદુ પર સીધું મૂકવાને બદલે એક અત્યંત લંબગોળ કક્ષામાં આ બિંદુની આસપાસ ફરતું મૂકી દેવામાં આવે છે, જ્યાં પૃથ્વી પરથી જોતાં તે સૂર્યથી થોડું આઘું દેખાય. પૃથ્વીની સૂર્ય ફરતી કક્ષા, ક્રાંત્તિવૃત્ત સાથે લગભગ કાટખૂણો બનાવતી આ Halo Orbit- હેલો કક્ષા, ખૂબ જ અટપટી અને એક જ સમતલમાં ન હોતા ત્રિપરિમાણીય હોય છે.  દેવ-દેવીના ફોટામાં  એમના માથાની પાછળ કે માથાની ઇપર પ્રભામંડળ કે તેજો-વલય,જેને અંગ્રેજીમાં Halo કહેવામાં આવે છે દર્શાવાય છે.  Halo કક્ષાનો આકાર  પણ આવો, તેજો-વલય જેવો  હોય છે.

છબી સૌજન્ય ઇસરો

હવે ફરી આપણે આદિત્ય એલ-1 પર આવીએ અને તે આ પ્રભામંડળમાં કેમ પ્રસ્થાપિત થશે અને સૂર્યના વિવિધ આવરણોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરશે તે સમજીએ.2જી સપ્ટેમ્બર 2023ના દિવસે પી.એસ.એલ.વી. રોકેટે આદિત્ય એલ-1ને પૃથ્વીની ફરતે લંબગોળ કક્ષામાં મૂક્યું ત્યારબાદ, ચંદ્રયાન-૩ની માફક, પૃથ્વીની આસપાસની આ પ્રદક્ષિણાઓ દરમ્યાન એ જ્યારે “પેરીજી” ની નજીક હોય ત્યારે એને તારીખ 3,5,10, 15, અને 19 સપ્ટેમ્બર 2023 ના દિવસે ધક્કા મારી એની ગતિ વધારવામાં આવી. છેલ્લા ધક્કા બાદ એને “પેરીજી” પર ગતિ Escape Velocity જેટલી થઈ ગઈ. આ ગતિને કારણે યાન પૃથ્વીથી એટલું દૂર જતું રહેશે કે એ પૃથ્વીની નહિ, સૂર્યની કક્ષામાં  આવી જશે. લગભગ 125 દિવસની મુસાફરી કરી આદિત્ય એલ-1 L1 બિંદુ સુધી પહોંચી જશે અને ત્યાં એને Halo Orbit માં મૂકી દેવામાં આવશે. Halo Orbit માં પહોંચ્યા પછી એના વૈજ્ઞાનિક અભ્યાસ માટના ઉપકરણ એક પછી એક ચાલુ કરવામાં આવશે, એ દરમ્યાન એની બીજી સિસ્ટમ (પદ્ધતિ) જેવી કે વિદ્યુત પ્રણાલી, દિશા-નિયંત્રણના સંવેદકો અને નિયંત્રકો, દૂર સંચાર માટેના ઉપકરણ વગેરેને ફરીયી ચેક કરીને પૃથ્વી સાથે સંપર્ક માટે કાર્યરત કરવામાં આવશે.

લેખના બીજા ભાગમાં આપણે આદિત્ય એલ-1 યાન અને તેની ઉપર બેસાડેલા ઉપકરણ વિષે ચર્ચા કરીશું. દરમ્યાન, આપના સૂચન તથા ટિપ્પણી અમને મોકલતા રહેશો.

શેર કરો