લેખક: શ્રી સી.એમ. નાગરાણી/સંપાદન સહાય: શ્રી રાજેન્દ્ર દવે
ભારતીય હિન્દુ પંચાંગ (કેલેન્ડર)- વિક્રમ સંવત અને શાલિવાહન સંવત બન્ને- ની એક ખાસિયત તેમાં આવતાં અધિક તથા ક્ષય માસ છે. ઉદાહરણ રૂપે, આ વર્ષે, એટલે કે વિક્રમ સંવત 2079 માં બે શ્રાવણ માસ હશે, અર્થાત્, વિક્રમ સંવત 2079 માં બાર નહિં, પરંતુ તેર મહિના હશે. 18 જુલાઇ થી 16 ઑગસ્ટ સુધી પ્રથમ શ્રાવણ માસ અને 17 ઑગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી બીજો શ્રાવણ. પહેલા શ્રાવણ માસને અધિક શ્રાવણ માસ અને બીજા શ્રાવણ માસને નીજ શ્રાવણ માસ તરીકે ઓળખવામાં આવશે. એક વિક્રમ સંવતમાં બારને બદલે તેર મહિના હોય એવું લગભગ દર ત્રણ વર્ષે થતું હોય છે. ઉપરાંત કયો મહિનો બેવડાય, એ પંચાંગની તાર્કિક ગણતરી મુજબ બદલાતો રહે છે. તો ચાલો, આપણે વિક્મ સંવતનું કેલેન્ડર કેવી રીતે કામ કરે છે, અને એમાં અધિક માસ શા માટે અને શી રીતે ઉમેરવામાં આવે છે જોઇએ.
પંચાંગમાં સમયનો હિસાબ રાખવા માટે આપણી પાસે ત્રણ નૈસર્ગિક માપદંડ છે- પૃથ્વીનું પોતાની ધરી પર દૈનિક ભ્રમણ, ચંદ્રની પૃથ્વીની આસપાસ માસિક પ્રદક્ષિણા, અને પૃથ્વીની સૂર્યની આસપાસ વાર્ષિક પ્રદક્ષિણા. પૃથ્વીને પોતાની ધરી પર એક આંટો મારતા જે સમય લાગે, અને જેને લીધે દિવસ ને રાત્રી થાય, એ એક માપ, જેને આપણે 24 કલાકમાં વિભાજીત કરી નાના એકમો બનાવીએ છીએ. ચંદ્રની પૃથ્વીને ફરતી પ્રદક્ષિણાની વાત કરીએ, તો દૂરના તારાની સાપેક્ષમાં જોતાં, ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા આશરે 27 દિવસ લાગે છે- ચંદ્રની 27 પત્ની રૂપી 27 નક્ષત્ર, દરેક સાથે એક દિવસ! પરંતુ આ 27 દિવસ દરમ્યાન આપણે આગળ જોઈશું એ પ્રમાણે સૂર્ય પોતે થોડો ખસી જાય તેથી એનો પીછો કરી પકડી પાડવામાં બીજાં બે-એક દિવસ નીકળી જાય. આ રીતે અમાસ પછીના દિવસથી શરૂ કરી બીજી અમાસ સુધીના 29.530588 (આશરે 29.5) દિવસના સમયગાળાનો એક ચંદ્ર-માસ બને છે. છેલ્લે, પૃથ્વીની સૂર્ય આસપાસની પ્રદક્ષિણાને કારણે બે વસંત-સંપાત વચ્ચે સૂર્ય 365.2422 (આશરે 365.25) દિવસમાં પોતાના પથ ક્રાંતિવૃત્ત પર એક -પરિભ્રમણ પૂરું કરતો દેખાય છે. સૂર્યનાં આ (આભાસી) પરિભ્રમણના સમય-ગાળાને સૂર્ય-વર્ષ (tropical year- ટ્રોપીકલ ઈયર) કહેવાય (સૂર્ય-વર્ષની એક બીજી, થોડી અલગ વ્યાખ્યા પણ છે, પરંતુ આપણી આ ચર્ચા માટે આ તફાવત મહત્વનો નથી). પૃથ્વીના ઋતુ-ચક્રનું કારણ પણ એની સૂર્યને ફરતી પ્રદક્ષિણા અને એના દૈનિક ભ્રમણની ધરીનો ક્રાંતિવૃત્તના સમતલ સાથેનો ઝુકાવની સહિયારી અસર હોવાથી સૂર્ય-વર્ષ અને ઋતુ-ચક્ર વચ્ચે નૈસર્ગિક તાલમેલ છે. તેથી પૃથ્વીની ઋતુઓ હંમેશા સૂર્ય-વર્ષને અનુસરે છે. આ ચર્ચા પરથી બે તારણ કાઢી શકાય. એક, દરેક સૂર્ય-વર્ષમાં બાર ચંદ્ર-માસ સમાઇ જાય ત્યાર બાદ પણ થોડાં દિવસ બાકી રહે, બીજું, એક ચંદ્ર-માસમાં સૂર્ય ક્રાન્તિવૃત્તના બારમા ભાગ- જેને આપણે બાર રાશિ તરીકે ઓળખીએ છીએ- એનાથી થોડું ઓછુ ખસે છે.
ઉપરના ત્રણે એકમો એકબીજાથી અસંગત છે. તેમને એક દિવસના ગુણોતરમાં ગોઠવી શકાય નહિ, એટલે પંચાંગમાં આપણે ચંદ્રના બાર મહિનાને એક વર્ષ ગણીને ચાલવું પડે, અથવા પૃથ્વીની એક પ્રદક્ષિણાને એક વર્ષ ગણીને ચાલવું પડે.પરંતુ આ બન્ને રીતમાં કેટલીક મુશ્કેલીઓ આવી જાય. જેમકે, સૂર્યને પ્રમાણ ગણીને ચાલીએ તો મહિનો ક્યારથી શરૂ કરવો અને આકાશમાં એક નજર કરીને જ આજે કઇ તિથિ (તારીખ) હશે એ જાણી શકાય નહિ. એજ રીતે, બાર ચંદ્ર-માસને એક પ્રમાણ ગણીએ તો ઋતુઓ સાથે એની સંવાદિતા ન રહે.
આપણે જે ગ્રીગોરિયન (Gregorian) કેલેન્ડર રોજ-બ-રોજના ઉપયોગમાં લઈએ છીએ, એ સંપૂર્ણપણે પૃથ્વીની સૂર્ય ફરતી પ્રદક્ષિણા પર આધારિત છે. એક વસંતસંપાતથી બીજા વસંતસંપાત સુધીના સમયગાળાને એક વર્ષ ગણવામાં આવે છે, એથી આ ગાળો હંમેશા ઋતુઓની સાથે તાલબધ્ધ રહે છે, પરંતુ મહિનો નક્કી કરવા માટે એમાં કોઈ પ્રમાણ રહેતું નથી. તેથી વર્ષના 365 દિવસને અતાર્કિક રીતે બાર મહિનામાં વહેંચી દેવામાં આવ્યા છે, મહિનાની વ્યાખ્યા માટે કોઈ ખાસ આધાર નથી. (ખરેખર તો સૂર્યની પ્રદક્ષિણા કરતા પૃથ્વીને 365.2422 દિવસ લાગે છે, તેથી જ લાંબા ગાળા સુધી ઋતુ સાથેનું સાયુજ્ય બની રહે તે માટે “લીપ” વર્ષની પ્રણાલી બનાવવામાં આવી છે.)
બીજો વિકલ્પ ચંદ્રની પૃથ્વી ફરતે પ્રદક્ષિણા અને ચંદ્રની કળાઓ પરથી કાળની ગણતરીનો છે. અમાસ પછીના દિવસે, જ્યારે દાતરડા જેવું ચંદ્રનું બિંબ દેખાય એને મહિનાનો પ્રથમ દિવસ (પ્રતિપદા, અથવા એકમ, પડવો) ગણીએ, તો તે પછી પૂનમ સુધી, આશરે એક પખવાડિયા માટે ચંદ્રનું બિંબ (કળા) મોટું થતું જાય અને પૂનમને દિવસે પૂર્ણચંદ્ર દેખાય. એ પછી દિવસો-દિવસ ચંદ્રની કળા ઓછી થતી જાય અને બીજા એક પખવાડિયા બાદ અમાસને દિવસે, જ્યારે આકાશમાં ચંદ્ર દેખાય જ નહિ, ત્યારે મહિનો પૂરો થાય. પહેલાં પખવાડિયાને શુક્લપક્ષ -સફેદ અથવા ઉજળો ભાગ, અજવાળિયું કે સુદ- કહેવાય છે અને બીજા પખવાડિયાને કૃષ્ણપક્ષ- કાળો ભાગ અથવા અંધારિયું કે વદ- કહેવામાં આવે છે. આમ શુક્લપક્ષની પ્રતિપ્રદાથી અમાસ સુધીની અવધિને એક મહિનો ગણીએ એને ચંદ્ર-માસ કહેવામાં આવે છે. આવા બાર મહિના ગણીને એક વર્ષ ગણવામાં આવે તો વર્ષના આશરે 354 દિવસ થાય. પરંતુ આ રીતે વર્ષ ગણવામાં આવે તો તેનો આશરે 365 દિવસના ઋતુ-ચક્ર સાથે સુમેળ ન રહે. કારણ કે વર્ષની શરૂઆત દર વર્ષે લગભગ 11 દિવસ વહેલી શરૂ થઈ જાય. આપણા તહેવારોની પણ ઋતુઓ સાથેની સંલગ્નતા ન રહે. અને દિવાળી ઉનાળા, ચોમાસા કે શિયાળામાં એમ કોઇ પણ ઋતુમાં આવતી રહે. ઇસ્લામનું હિજરી સંવત આ રીતે માત્ર ચંદ્રની કળાઓ પર આધારિત છે. તેથી જ ઈદ, મહોરમ વગેરે તહેવારોની ઋતુઓ બદલાતી રહે છે.
ભારતીય હિન્દુ કેલેન્ડર આ બન્ને સ્થિતિઓને જોડવાનો એક સફળ પ્રયત્ન છે, જેમાં મહિનાઓ ચંદ્ર પર આધારિત છે, જ્યારે લાંબેગાળે વર્ષ ઋતુઓ સાથે જોડાઈ રહે એવી રચના કરવામાં આવી છે. આપણે જોયું તે પ્રમાણે ઋતુઓ અને વર્ષ વચ્ચેની તાલબધ્ધતા જળવાઈ રહે એ માટે દર વર્ષે 11 દિવસ જોડવા પડે. એટલે કે આશરે ત્રણ વર્ષે એક મહિનો જોડવો પડે. વઘારે ચોકસાઈ માટે સૂર્ય-વર્ષ અને ચંદ્ર-માસ વચ્ચે લઘુતમ સાધારણ અવયવી જેવી ગણતરી જરૂરી છે. 365.2422 દિવસનું એક એવા 19 સૂર્ય-વર્ષ ના 6939.6018 દિવસ થાય, જ્યારે 29.53088 દિવસનો એક એવા 235 ચંદ્ર-માસના (19 વર્ષ અને 7 મહિના) 6939.6881 દિવસ થાય, બેઉ વચ્ચે માત્ર 0.0863 દિવસનો- 2 કલાકથી થોડો વધારે- તફાવત રહે. આ ગણતરી પ્રમાણે 19 સૂર્ય-વર્ષ બરાબર ચંદ્ર-વર્ષના 19 વર્ષ અને 7 મહિના થાય. માટે, 19 ચંદ્ર-વર્ષમાં 7 મહિના ઉમેરવાથી એનું સાયુજ્ય સૂર્ય-વર્ષ સાથે, અને એ રીતે ઋતુઓ સાથે જળવાઈ રહે.
આપણે આગળ જોયું તે પ્રમાણે, પૃથ્વી પરથી જોતાં સામાન્ય રીતે દર ચંદ્ર-મહિને સૂર્ય એક રાશિ બદલે છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય એ ઘટનાને સૂર્યનું રાશિ-સંક્રમણ કહેવામાં આવે છે. સ્વાભાવિક છે કે ક્રાંતિવૃત્તના બારમા ભાગ સમાન એક રાશિને પાર કરવામાં સૂર્યને 29.5 દિવસના ચંદ્ર-માસ કરતા વધુ સમય લાગે અને એથી, દરેક માસમાં રાશિ-સંક્રમણ મોડું થતું જાય. ઉપરાંત, સૂર્યને ફરતી પૃથ્વીની કક્ષા લંબગોળ છે, તેથી બે રાશિ-સંક્રમણ વચ્ચેનો સમય-ગાળો અચળ નથી. જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર હોય ત્યારે કેપ્લરના બીજા નિયમ અનુસાર કક્ષામાં તેની ઝડપ ઘટી જાય, પરિણામે બે સંક્મણ વચ્ચેનો સમય વધી જાય. તેથી સમયાંતરે એવું બને કે આકાશમાં સૂર્યની ઝડપ ઓછી હોય, અને રાશિ-સંક્રમણ એક ચંદ્ર-માસના અંતમાં થાય. આવી સ્થિતિમાં તે પછીના માસમાં રાશિ-સંક્રમણ થાય જ નહિ. જે મહિનામાં સૂર્યનું રાશિ-સંક્રમણ ન થાય, એ મહિનાને વર્ષનો, અધિક (વધારાનો) માસ, ગણવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અધિકમાસ પૂરુષોત્તમમાસ તરીકે પણ ઓળખાય છે. જે ચંદ્ર-વર્ષમાં અધિક માસ આવે તેમાં બાર નહિ, પણ તેર મહિના હોય છે. 19 ચંદ્ર-વર્ષમાં આવું 7 વખત બને છે. તેથી 19 ચંદ્ર-વર્ષમાં 235 ચંદ્ર-માસ આવે છે અને સૂર્ય-વર્ષ તથા ઋતુઓના ચક્ર સાથે એનો સુમેળ જળવાઈ રહે છે.
આ વર્ષે તારીખ 17 જુલાઈ 2023, અષાઢ વદ અમાસને દિવસે સૂર્ય મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશે છે. ત્યાર બાદ, એક આખા ચંદ્ર-માસ દરમ્યાન સંક્રમણ થશે નહિ, સૂર્ય કર્ક રાશિમાં જ ભ્રમણ કરશે. સૂર્યનું બીજું સંક્રમણ બીજી અમાસ બાદ છેક 17 ઓગસ્ટ 2023ના દિવસે, કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં થાય છે. આ દિવસે ચંદ્રની કળા શુક્લપક્ષની ત્રીજ જેવી હશે. જે ચંદ્ર-માસમાં સંક્રમણ નહીં થાય તેને અધિક માસ ગણવામાં આવશે. વળી અષાઢ પછીનો માસ હોવાથી તે અધિક “શ્રાવણ” તરીકે ઓળખાશે, અધિક શ્રાવણ પછીનો માસ, જેના શુક્લપક્ષની ત્રીજે સૂર્યનું રાશી-સંક્રમણ થશે, તે “નીજ” શ્રાવણ તરીકે ઓળખાશે અને ત્યાર બાદ વર્ષના મહિનાનો નિયમિત ક્રમ ચાલુ રહેશે. સૂર્યના રાશિ-સંક્રમણ પર આધારિત અધિકમાસની આ વ્યવસ્થા ખૂબ જ તાર્કિક ઢબે બનાવેલી હોય એવું લાગે છે.
જે રીતે પૃથ્વીથી સૂર્યનું અંતર વધુ હોય ત્યારે સૂર્યની આકાશમાં ઝડપ ઘટી જાય, તેવી જ રીતે જ્યારે આ અંતર ઓછું હોય ત્યારે ઝડપ વધી જાય છે, અને તેથી દરેક ચંદ્ર-માસમાં સૂર્યનું રાશી-સંક્રમણ થાય છે. આવું દર વર્ષે આપણા શિયાળામાં બને છે. આ જ કારણ છે કે શિયાળાના મહિના કદાપિ અધિકમાસ નથી હોતા. ઊલટાનું, ક્યારેક આવા એક જ મહિનામાં સૂર્યના બે સંક્રમણ થાય છે. આવું બને ત્યારે એક માસનો ક્ષય થાય છે, અને આ ખોટ પૂરી કરવા એ વર્ષે હંમેશા બે અધિક માસ આવે છે. અલબત, ચંદ્ર-માસ માત્ર 29.5 દિવસનો જ હોવાથી એક માસમાં બે સંક્રમણ- અને તેથી ક્ષય માસ- જવલ્લે જ આવે છે.
સૂર્ય-વર્ષ અને ચંદ્ર-માસ વચ્ચેના 19 વર્ષના ચક્રનો ખ્યાલ ઘણી પ્રાચીન સંસ્કૃતિઓને હતો. ઉદાહરણ રૂપે, યહૂદીઓનું હિબ્રુ કેલેન્ડર પણ ચંદ્ર-માસ પર આધારિત છે, એમાં પણ દર 19 વર્ષે 7 મહિના ઉમેરી ઋતુઓ સાથેનો તાલમેલ જાળવી રાખવાની વ્યવસ્થા છે પરંતુ એમાં અધિક માસ ઉમેરવા માટે કોઇ તર્કસંગત વ્યવસ્થા નથી. આખા ચક્રમાં નિયત કરેલા ક્રમ પ્રમાણે અધિક માસ ઉમેરાય છે. આ સામે આપણા પંચાંગની વ્યવસ્થા થોડી અટપટી, પણ વધુ પ્રમાણિત જણાય છે.
માટે, આવી સુયોજિત તેમજ તાર્કિક કેલેન્ડર રચનાને આપણે “બોગસ” ગણી તુચ્છતા ન અનુભવીએ, પરંતુ જેમણે આ કેલેન્ડર બનાવ્યું તેમને આદરભાવથી વંદન કરીએ.