નાસાના ડાર્ટ (DART) નું અચૂક નિશાન

નાસાનું ડાર્ટ યાન, ચિત્રકારની નજરે. સૌજન્ય: નાસા

આશરે 30 માસ પહેલાં, આપણે, અવકાશી ઉલ્કાથી પથ્વીની રક્ષા કરવા માટેની ટેકનોલોજી વિકસાવવાના  પ્રયાસની વાત કરી હતી. આપણે એ પણ જોયું હતું કે આ પ્રયાસના ભાગ રૂપે, અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA), એક ઉલ્કા સાથે અંતરિક્ષયાન અથડાવી તેનો પથ  બદલવાના પ્રયોગ માટેનું મીશન Double Asteroid Redirection Test (ડબલ એસ્ટેરોયડ રીડાયરેક્શન ટેસ્ટ, અર્થાત્ ઉલ્કા-યુગ્મની દિશા બદલવાનું પરિક્ષણ) ટૂંકમાં DART -“ડાર્ટ” વિકસાવી રહી હતી. ગઈ તારીખ 27 સપ્ટેમ્બરના દિવસે ડાર્ટે, પોતાની દસ માસની યાત્રા બાદ પૃથ્વીથી આશરે 1.1 કરોડ કિલોમીટર દૂર એક  ઉલ્કાની આસપાસ ફરતી બીજી, તેના ચંદ્ર જેવી નાની ઉલ્કા સાથે કલાકના 22,500 કિલોમીટરની ગતિથી અથડાઈને, પોતાનું મીશન સંપન્ન કર્યું.  નાસાના ઇજનેરોએ અથડામણ પહેલાં યાને મોકલેલી છબીની શૃંખલા, જેમાં ઉલ્કા યાનની સામે ધસી આવતી દેખાય છે, અને યાને અર્ધી મોકલેલી છેલ્લી છબી પરથી અથડામણની ખાતરી કરી.

સૌજન્ય:નાસા/જોહ્ન હોપકિન્સ APL

સ્વાભાવિક પ્રશ્ન એ ઊઠે કે, અંતરિક્ષયાનને કોઈ પિંડ પર હળવેથી ઉતારવું જરૂર મુશ્કેલ હોઈ શકે, પણ તેને કોઈ પિંડ સાથે અથડાવી, તેનો નાશ કરવામાં કઈ મોટી ટેકનોલોજીની જરૂર પડે? ડાર્ટ જે ઉલ્કા સાથે ટકરાયું, તે પોતે, ડાયમોરફસ (Dimorphos)  180 મીટર, અને તે જેની આસપાસ ઘૂમી  રહી છે, તે ડિડીમોસ (Didymos)  આશરે 780 મીટર લાંબી છે. બે ઉલ્કા વચ્ચેનું મહત્તમ અંતર માત્ર 1.2 કિલોમીટર છે. 1.1 કરોડ કિલોમીટર દૂર રહીને એક 180 મીટર લાંબા પિંડ, જેનું બીજા પિંડથી અંતર માત્ર 1.2 કિલોમીટર જ હોય તેના પર સચોટ નિશાન તાકવું અશક્ય છે, ખાસ કરીને જ્યારે સૂર્ય, પૃથ્વી, મંગળ અને બીજા ગ્રહોનું ગુરૂત્વાકર્ષણ યાનને પોતાની કક્ષામાંથી વિચલિત કરવાના પૂરા પ્રયત્ન કરતાં હોય, અને જ્યારે યાન પ્રતિ કલાકે 22,000 કિલોમીટરથી વધુ ઝડપથી ગતિ કરતું હોય! આ પ્રશ્નનો એક માત્ર ઉકેલ  સ્વયં-સંચાલિત યાન છે. ડાર્ટ, પોતાની સફરના આખરી 90,000 કિલોમીટર માટે તેના પર લાગેલા કેમેરાની મદદ વડે પોતાનો રસ્તો જાતે શોધી શકે, તેટલું “બુદ્ધિશાળી” હતું (ચંદ્ર  પર ઉતરવામાં નિષ્ફળ રહેલાં ભારતના લેન્ડર “વિક્રમ” પર પણ ઉતરાણના છેલ્લા તબક્કા માટે, કાંઇક આવી જ ટેકનોલોજી વાપરવામાં આવી હતી, કમનસીબે ઈસરો (ISRO) ને તેની ચકાસણી કરવાનો મોકો ન મળ્યો!).  આ ટેકનોલોજીની ચકાસણી આખા ડાર્ટ પ્રયોગનું એક મહત્વનું અંગ હતું, એટલું અગત્યનું, કે ઇજનેરો રસ્તામાં ગુરુ ગ્રહ અને તેની એકદમ પાસે દેખાતાં તેના ઉપગ્રહો પર યાનની આ પ્રણાલીની અજમાયશ કરી જોઈ હતી.  

મીશનનું આગલું ચરણ ડાર્ટની  ડાયમોર્ફસ સાથેની અથડામણ તેની કક્ષા બદલવામાં કેટલી સફળ રહી, તે શોધવાનું છે.  ડાર્ટ પોતાની સાથે ઇટાલીએ આપેલું, લ્યુસીઆક્યુબ (LUCIACube) નામનું  એક નાનું યાન લઈ ગયું હતું, જે થોડા સમય પહેલાં તેનાથી અલગ થઈ ગયું હતું. ડાર્ટની ડાયમોર્રફસ સાથેની અથડામણ અને ત્યાર બાદ ડાયમોર્રફસની સ્થિતીની છબી લ્યુસીયાએ ઝડપી તો છે, પણ તેના ટ્રાન્સમીટર નબળાં હોવાથી તેને છબી પૃથ્વી પર મોકલતાં વાર લાગશે. દરમ્યાન, પૃથ્વી પર જુદી-જુદી વેધ-શાળા પોતાના ટેલિસ્કોપ ડાયફોર્મસ તરફ તાકી તેની કક્ષાનો અભ્યાસ કરી, ડાર્ટ કેટલું સફળ થયું તેનો અંદાજ લગાવશે. નાસા માને છે કે આ કાર્યમાં આશરે બે માસ લાગી જશે. (જે મીશનની સફળતાનો અંદાજ લગાવવામાં જ બે માસનો સમય વિતી જાય, તે પૃથ્વીને બચાવવામાં કેટલું ઉપયોગી થઈ શકે, તે એક ચર્ચાનો વિષય છે, પણ આશા છે કે આગળ જતાં, આ સમય-ગાળો ટૂંકો થઈ શકશે). છેવટે, વર્ષ 2025ની આસપાસ, યુરોપની અંતરિક્ષ સંસ્થા ઇસા (ESA)નું હેરા (HERA) યાન ડડીમોસ અને ડાયમોર્ફસ ઉલ્કા-યુગ્મની મુલાકાત લઈ ડાર્ટની ડાયમોર્ફસ સાથેની અથડામણના પરિણામનો નજીકથી અભ્યાસ કરશે.        

શેર કરો