કોઈ છે?- શોધ, આકાશગંગામાં વિકસિત સંસ્કૃતીની.

“મંગળ ગ્રહ પર જીવનની ખોજ આટલી અગત્યની શા માટે છે?”. અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાની પાંચમી બગી પર્સવીઅવરન્સ (Perseverance)   ગુરુવાર, તારીખ 18 ફેબ્રુઆરીની રાત્રે મંગળ ગ્રહ પર ઉતરી એ ઘટનાના જીવંત પ્રસારણ વખતે મુલાકાત આપતા નાસાના એન્જિનિયરને એક દર્શકે,મને સાંભરે છે ત્યાં સુધી એક બાળકે, પૂછ્યું. એન્જિનિયરનો જવાબ સહજ હતો: “આપણે ક્યાંથી આવ્યા? શું બ્રહ્માંડમાં આપણે એકલા છીએ? આ બે પ્રશ્નના જવાબ મેળવવામાં મંગળ પર જીવનની ખોજ મદદ કરે છે”.  ખરેખર, આ બે પ્રશ્ન માનવજાત માટે પ્રાણ-પ્રશ્ન જેવા છે. આ બે પ્રશ્ન પૈકી પહેલાનો ઉત્તર  આપણે પુરુષ-સુક્તમ્ ના પુરુષ, ગ્રીક ટાયટન પ્રોમેથીયસ (Prometheus)  કે પછી સુમેર સંસ્કૃતિના દેવ અનુન્નાકી (Anunnaki) ના રૂપમાં અનાદિ કાળથી શોધતાં આવ્યા છીએ. છેલ્લા બે શતકની હેરત-પૂર્ણ વૈજ્ઞાનિક પ્રગતિ છતાં આ પ્રશ્નના ઉકેલમાં હજુ પણ કશું ક ખૂટે છે. એમીનો એસીડ (Amino Acid)  જેવા નિર્જીવ અણુ, પોતાનો વંશવેલો આગળ ચલાવવા માટે બધુ જ દાવ પર લગાવી દે તેવા જીનમાં શી રીતે રૂપાંતરિત થયા, તે આપણે હજુ સંપૂર્ણપણે સમજી શક્યા નથી.

આજથી 500-600 વર્ષ પહેલા સુધી આપણે આપણી જાતને સમગ્ર બ્રહ્માંડના કેન્દ્ર સમાન માનતા હતાં. તેથી બીજો પ્રશ્ન, -શું બ્રહ્માંડમાં આપણે એકલાં છીએ? – અર્થહીન હતો (અલબત, સ્વર્ગમાં વસતા દેવોને અવગણતા!).  વર્ષ 1543માં કોપરનિકસે (Copernicus) પૃથ્વીને બ્રહ્માંડના કેન્દ્ર સ્થાનેથી હટાવીને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાયની જગ્યાએ  જીવનના અસ્તિત્વની સંભાવના ઊભી કરી દીધી. મંગળ ગ્રહના ધ્રુવ પર બરફ અને તે બરફની ઋતુ પ્રમાણે વધઘટની  17મી અને 18મી શતાબ્દીના ખગોળશાસ્ત્રીઓને ખબર હતી. 19મી શતાબ્દીમાં ખગોળશાસ્ત્રી મંગળ પર સમુદ્રની અને તેની સાથે ત્યાં જીવનની કલ્પના કરવા લાગ્યા. કેટલાક ખગોળશાસ્ત્રીને મંગળ પર નહેરનું જાળું પણ દેખાયું. વિખ્યાત વિજ્ઞાન-કથા લેખક એચ. જી. વેલ્સે (H. G. Wells) તો ઓક્ટોપસ જેવા મંગળવાસીને પૃથ્વી પર ઉતાર્યા પણ ખરાં! બાહ્ય અંતરિક્ષના માનવી અથવા એલિયન્સ  (Aliens)ની પ્રતિક્ષાનું એક પ્રતીક વર્ષ 1950માં અણુ વૈજ્ઞાનિક એનરિકો ફર્મિ (Enrico Fermi)  નો આ વિખ્યાત ઉદગાર છે:  “ક્યાં છે બધા (એલિયન્સ)?” 20મી શતાબ્દીના પૂર્વાર્ધ સુધીમાં વૈજ્ઞાનિક સૂર્ય-મંડળમાં વિકસિત જીવન, વિકસિત સંસ્કૃતિની આશા ખોઈ ચૂક્યા હતાં, હા, મંગળ ગ્રહ પર નાના જીવાણુ મળવાની આશા હતી. તેમની નજર સૂર્ય-મંડળની પાર બીજા તારા પર હતી. સૂર્ય સિવાયના તારાની આસપાસ ફરતા ગ્રહનું અવલોકન તો છેક ૨૦મી શતાબ્દીના છેલ્લા દશકમાં જ થઇ શક્યું, પરંતુ આવા ગ્રહ-મંડળની શક્યતાથી વૈજ્ઞાનિક અજાણ ન હતા. સૂર્ય સિવાયના તારાના કોઇક ગ્રહ, બાહ્ય-ગ્રહ (Exoplanet- એક્ષોપ્લેનેટ), પર વિકસિત સંસ્કૃતિ ઉદભવી ન શકે? આવી સંસ્કૃતિ પણ માનવજાતની માફક બ્રહ્માંડમાં રેડિયો, ટીવી તેમજ રડાર જેવી ટેકનોલોજી વડે વિદ્યુત-ચુંબકીય (Electromagnetic: ઇલેક્ટ્રોમેગ્નેટિક) ઘોંઘાટ તો ફેલાવતી જ હોય!  આવી કોઇ સંસ્કૃતિનો ઘોંઘાટ આપણે સાંભળી શકીએ? ખગોળશાસ્ત્રી ફ્રેન્ક ડ્રેકે (Frank Drake) વર્ષ 1961માં બનાવેલું  સમીકરણ બાહ્ય-ગ્રહની કેટલી સંસ્કૃતીના સંકેત આપણે સાંભળી શકીએ તેનું અનુમાન આપે છે. છેલ્લી અડધી સદીથી આપણે આવા સંકેત સાંભળવા વિશ્વભરના રેડિયો ટેલિસ્કોપ રૂપી કાન માંડીને બેઠા છીએ. પરંતુ કેટલાક ભણકારા સિવાય હજુ સુધી કશું સાંભળવા મળ્યું નથી!

ગઇ શતાબ્દીના છેલ્લા દશકમાં પ્રથમ વાર બાહ્ય-ગ્રહના અવલોકન બાદ અત્યાર સુધીમાં 4,000થી વધુ બાહ્ય-ગ્રહ શોધાઈ ચૂક્યા છે. હવે આપણે બાહ્ય-ગ્રહના  કદ તથા વજન ઉપરાંત તેમના ઉષ્ણતામાન તથા કંઇક અંશે તેમના વાતાવરણનો અભ્યાસ પણ  કરી શકીએ છીએ. આપણી આ ક્ષમતા અને વિકસિત સંસ્કૃતિના બીજા બે (અપ)લક્ષણ,  ઊર્જાનો વપરાશ તથા ઔદ્યોગિક પ્રદૂષણ, તેમનો  ઉપયોગ કરીને પણ  વૈજ્ઞાનિક બાહ્ય-ગ્રહ પર વિકસિત સંસ્કૃતિની શોધ કરી રહ્યા છે.

ડ્રેક સમીકરણના સાત પરિમાણ (Parameter- પેરામીટર), જેવા કે આકાશગંગામાં તારાની સંખ્યા, કોઇ પણ તારા માટે ગ્રહ-મંડળની સંભાવના વગેરે પૈકી સૌથી રસપ્રદ પરિમાણ વિકસિત સંસ્કૃતિ કેટલા સમયમાં વિનાશ પામે છે, તે છે. માનવજાતના  અનુભવ અનુસાર તો રેડિયોની શોધના માત્ર 150 વર્ષમાં જ સંસ્કૃતિ વિનાશના આરે આવી જાય છે. આ જો બધી સંસ્કૃતિ માટે સાચું હોય તો આપણી આકાશગંગા એક એવું જંગલ છે જેમાં આગિયા તો ઘણા બધા છે, પરંતુ તે બધા જુદા-જુદા સમયે માત્ર ક્ષણભર ચમકી મૃત્યુ પામે છે. તેમને માટે એકબીજાને જોઈ શકવાની સંભાવના ઓછી છે. 

વિકસિત સંસ્કૃતિની શોધ માત્રથી સંતોષ ન માનતા આપણે આકાશગંગામાં આપણી ઉપસ્થિતીની જાહેરાત પણ કરી છે. વર્ષ 1962થી શરૂ કરી આપણે આપણા વિષે રેડિયો સંદેશ અંતરિક્ષમાં મોકલતા રહ્યા છીએ. ઉપરાંત 1970ના દશકમાં લોન્ચ થયેલા બે  વોયેજર (Voyeger) યાન, જે અત્યારે સૂર્ય-મંડળને પાર કરી ગયા છે, તે પોતાની સાથે એક તકતી લઇ ગયા છે. 12” વ્યાસ વાળી આ તકતી પર આકાશગંગામાં પૃથ્વીનું સ્થાન, માનવ સ્ત્રી તથા પુરુષના રેખા ચિત્ર, વિશ્વની 55 ભાષામાં શુભ-સંદેશ વગેરે-વગેરે માહિતી છે. કદાચ આ યાન કોઇ બીજી સંસ્કૃતિના હાથમાં આવે અને તેમને આપણા અસ્તિત્વ, આપણી ક્ષમતાની જાણકારી મળે. જો કે સ્ટિફન હોકિંગ (Stephan Hawking)  જેવા ઘણા વૈજ્ઞાનિક તથા ચિંતક આપણી આ જાહેરાત કરવાની  યોજનાને ઓસ્ટ્રેલિયાના આદિવાસી કે પછી અમેરિકાના રેડ-ઇન્ડિયન પોતાની જાહેરાત કરીને ગોરા વસાહતીને બોલાવે, તેના જેવી   મૂર્ખતા માને છે. તેમના મત પ્રમાણે  બાહ્ય સંસ્કૃતિ, જે આપણા કરતાં ઘણી વધુ વિકસિત હોઇ શકે, તેનાથી  છાના રહેવામાં જ શાણપણ છે. 

પ્રશ્ન એ થાય કે જો આકાશગંગામાં આવી અતિ-વિકસિત સંસ્કૃતિ હોય, તો તેનાથી છાના આપણે કેટલા સમય લગી રહી શકીએ? UFO અથવા ઉડતી રકાબીના અગણિત હેવાલ, ઈજીપ્તના પિરામીડ અને ઈંગ્લેન્ડના સ્ટોનહેન્જ (Stonehenge)  વગેરેના નિર્માણમાં  એલિયન્સનું યોગદાન વગેરે વાતોને કદાચ ગાંડી કલ્પના માની લઇએ. પણ વર્ષ 2017-18માં જોવા મળેલા સૂર્ય-મંડળની બહારના પ્રવાસી ઔમુઆમુઆ (Oumuamua), જેની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, તેને તો વિશ્વના અગ્રણી ખગોળશાસ્ત્રીઓને  પણ વિચારતાં કરી મૂક્યા. ઓક્ટોબર 2017માં હવાઈ ટાપુ પર આવેલી વેધશાળા એ આકાશમાં એક ઝડપથી સરકતા પદાર્થને જોયો. તેની કક્ષાની ગણતરી પ્રમાણે આ પદાર્થ આપણા સૂર્ય-મંડળની બહારથી આવેલો મહેમાન હતો. શરૂઆતમાં તો ખગોળશાસ્ત્રીઓએ માન્યું કે તે કોઇ ભૂલો પડેલો ધૂમકેતુ અથવા ઉલ્કા છે. જૂન ૨૦૧૮માં, જ્યારે  ઔમુઆમુઆ સૂર્ય-મંડળની બહાર જઇ રહ્યો હતો, ત્યારે ખગોળશાસ્ત્રીઓએ જોયું કે તેની ગતિ ધાર્યા કરતા વધારે હતી, જાણે કોઇ બળ તેને ધક્કો મારી રહ્યું હતું. ધૂમકેતુ પર સૂર્યની ગરમીને કારણે ઓગળતા બરફની વરાળ આવો ધક્કો મારી શકે, પણ  ઔમુઆમુઆ જો ધૂમકેતુ હોય તો તેની પૂંછડી દેખાવી જોઇએ. (આ વિષે પણ આપણે ચર્ચા કરી ચૂકયા છીએ). ત્યારબાદ ખગોળશાસ્ત્રીઓએ વિચાર્યું કે જો ઔમુઆમુઆ થીજી ગયેલા હાઇડ્રોજનનો બનેલો હોય તો કદાચ પૂંછડી ન પણ દેખાય. હવે, ઓગસ્ટ 2020માં બે વૈજ્ઞાનિકોએ કાઢેલા તારણ અનુસાર ઔમુઆમુઆ થીજી ગયેલા હાઇડ્રોજનનો બનેલો ન હોઇ શકે. ઘણા ખગોળશાસ્ત્રી માને છે કે ઔમુઆમુઆ કોઇ કૃત્રિમ યાન હોઈ શકે!  જો ખરેખર આવું હોય તો આ પ્રથમ સંદેશ વાહક કદાચ કોઈ બાહ્ય સંસ્કૃતિ વતી આપણી રેકી કરી ગયો!    

શેર કરો