ચેતવણી : આમ તો કોઇ પણ સમયે સૂર્ય સામે જોવું આંખ માટે હાનિ કારક છે. સૂર્ય ગ્રહણના સમયે આ જોખમ અનેક ગણું વધી જાય છે, કારણ કે ગ્રહણના સમયે સૂર્યનો કુલ પ્રકાશ ઘટી જાય છે તેથી સામાન્ય રીતે તેજ પ્રકાશમાં નાની થઇ જતી આંખની કીકી ગ્રહણ વખતના સૂર્ય સામે જોતાં નાની થતી નથી. આ સામે સૂર્યનો જે ભાગ ઢંકાતો નથી, તે હંમેશની માફક ખૂબ જ પ્રકાશિત હોવાના કારણે આંખને નુકસાન પહોંચાડી શકે. સૂર્ય ગ્રહણ જોવા માટે તેના માટે બનેલા ખાસ ફિલ્ટરનો ઉપયોગ અવશ્ય કરો. બાયનોક્યુલર્સ અને ટેલિસ્કોપ પ્રકાશન તીવ્રતા અનેક ગણી વધારી દે છે તેથી સૂર્ય ગ્રહણ જોવા માટે તેમનો ઉપયોગ કદી પણ ન કરો.
સૂર્ય ગ્રહણ ખૂબ જ રસપ્રદ વિષય છે, ખાસ કરીને જ્યારે સૂર્યને ચંદ્ર સંપૂર્ણ રીતે ઢાંકી દે, અને તેનાથી પણ વધારે, જ્યારે ચંદ્રની પાછળથી સૂર્યનો ગોળો કંકણ અથવા બંગડી આકારે દેખાવાનો હોય. તારીખ 21 જુન 2020 ની સવારે આવું કંકણાકૃતિ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે. અલબત્, ચંદ્ર ગ્રહણથી વિપરીત, પૂર્ણ સૂર્ય ગ્રહણ પૃથ્વીના ખૂબ ઓછા ભાગમાંથી- 20-25 કિલોમીટરના પટ્ટામાંથી- જોઇ શકાય છે તેથી આપણે ગુજરાતમાં લગભગ 80 % ગ્રહણથી સંતોષ માનવો પડશે. આખા વિશ્વમાં આ ગ્રહણનો સૌથી વધુ વ્યાપ ઊત્તરાખંડમાં, નેપાળની સીમા પાસેથી દેખાશે. ગ્રહણની વધુ વિગત આ વેબસાઇટ પર જોઇ શકાશે.
ગ્રહણ શી રીતે થાય છે, તે વિષે આપણે બધા શાળામાં ભણી ચુક્યા છીએ. આ લેખમાં તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. મારો વિચાર તો ગ્રહણ વિષેની એવી વાતો કરવાનો છે, જે બહુ જાણીતી નથી.
આપણે સંપૂર્ણ તથા કંકણ-આકૃતિ તેમ બેઉ જાતના સૂર્ય ગ્રહણ જોઇ શકીએ છીએ તેના બે કારણ છે. સૌ પ્રથમ તો પૃથ્વી તથા ચંદ્રની કક્ષા સંપૂર્ણ પણે ગોળ ન હોતા કાંઇક અંશે લંબગોળ છે. તેથી પૃથ્વીથી સૂર્ય તથા ચંદ્રનું અંતર હંમેશા બદલાતું રહે છે. તેનો અર્થ કે પૃથ્વી પરથી જોતાં ચંદ્ર તથા સૂર્યના કદ, તેમના માપમાં પણ ફેરફાર થતો રહે છે. આ સામે ચંદ્ર તથા સૂર્ય બેઉના સરેરાશ કદ પૃથ્વી પરથી જોતાં લગભગ એક સમાન છે. ઠોસ આંકડા જોઇએ તો પૃથ્વી પરથી જોતાં સૂર્યનું કદ 0.5241 અંશ અને 0.5422 અંશની વચ્ચે રહે છે, જ્યારે ચંદ્રનું 0.4888 અંશ અને 0.5683 અંશની વચ્ચે. આમ કોઇ વખત સૂર્યનું તો કોઇ વખત ચંદ્રનું દેખીતું કદ વધુ હોય છે. સૂર્ય ગ્રહણ વખતે જો ચંદ્ર આપણી પાસે હોય અને તેનું દેખીતું કદ વધારે હોય તો તે સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી દે છે અને આપણને સંપૂર્ણ સૂર્ય ગ્રહણ દેખાય છે. આથી ઊલટું, જો ચંદ્ર દૂર હોય તો તેનું દેખીતું કદ સૂર્યના દેખીતા કદ કરતાં ઓછું હોય તેથી તે સૂર્યના ગોળાને સંપૂર્ણ પણે ઢાંકી ન શકે અને આપણને કંકણ-આકૃતિ સૂર્ય ગ્રહણ દેખાય. 21 જુન 2020ના દિવસે ચંદ્રનું દેખાતું કદ 0.521 અંશ અને સૂર્યનું 0.525 અંશ હશે. આમ ચંદ્ર, સૂર્ય કરતાં થોડો નાનો દેખાવાના કારણે ગ્રહણ કંકણ-આકૃતિ રહેશે.
આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એ કાળમાં જીવી રહ્યા છીએ જ્યારે પૃથ્વી પરથી જોતાં ચંદ્રનું દેખીતું કદ આશરે સૂર્યના દેખીતા કદ જેટલું છે અને આપણે બન્ને પ્રકારના સૂર્ય ગ્રહણ જોઇ શકીએ છીએ. પૃથ્વીના મહાસાગરમાં ભરતી-ઓટના કારણે ઉત્પન્ન થતા ઘર્ષણને લીધે ચંદ્રની કક્ષા ધીરે-ધીરે મોટી થઇ રહી છે, અર્થાત્ ધીમે-ધીમે ચંદ્ર આપણાથી દૂર ખસી રહ્યો છે. કેટલાક સમય પછી ચંદ્ર આપણાથી એટલો દૂર જતો રહેશે કે તેનું દેખાતું કદ સૂર્યના દેખીતા કદ કરતાં હંમેશા નાનું રહેશે અને આપણે પૂર્ણ સૂર્ય ગ્રહણ ક્યારે પણ નહીં જોઇ શકીએ. તેવી જ રીતે ભૂતકાળમાં ચંદ્ર આપણાથી એટલો પાસે હતો કે તેનું દેખીતું કદ સૂર્યના દેખીતા કદ કરતાં હંમેશા મોટું રહેતું અને પૃથ્વી પર ક્યારે પણ કંકણ-આકૃતિ સૂર્ય ગ્રહણ દેખાતું ન હતું! સૂર્ય ગ્રહણ માટે આપણો આ યુગ એકદમ માફકસર, ગોલ્ડીલોક્સ (Goldilocks) યુગ કહી શકાય!
સંપૂર્ણ અને કંકણ-આકૃતિ સૂર્ય ગ્રહણ વિષે તો બધા જાણે છે. પરંતુ આ બેઉની વચ્ચેનો એક ત્રીજો પ્રકાર છે. આ ત્રીજા પ્રકારમાં પૃથ્વી પરના કોઇક ભાગ પરથી ગ્રહણ સંપૂર્ણ દેખાય તો બીજા કોઇક ભાગ પરથી કંકણ-આકૃતિ! આવું, જવલ્લે જ જોવા મળતું સંકર (Hybrid- હાયબ્રીડ) સૂર્ય ગ્રહણ વખતે ચંદ્ર તથા સૂર્યના દેખીતા કદ એટલા નજીક હોય છે કે પૃથ્વીની વક્રતાને કારણે બે સ્થાનથી ચંદ્રના અંતરમાં પડતા ફેરફારને કારણે એક સ્થાન પર ચંદ્ર સૂર્ય કરતા મોટો તો બીજા પરથી સૂર્ય ચંદ્ર કરતાં મોટો દેખાય છે!
દેખીતી રીતે ચંદ્ર અને સૂર્ય ગ્રહણની ઘટના અનિયમિત રૂપે ઘટે છે (સિવાય કે ચંદ્ર અને સૂર્ય ગ્રહણની જોડ હોય છે). બે ચંદ્ર ગ્રહણ કે બે સૂર્ય ગ્રહણ વચ્ચે કેટલો સમય હશે તે માટે કોઇ સૂત્ર કે ફોર્મ્યુલા દેખીતી રીતે નથી. પરંતુ આજથી આશરે 2600 વર્ષ પહેલા મધ્ય-પૂર્વમાં આવેલા કાલ્ડીઆ (Chaldea) નામના નાના દેશના રહેવાસી જાણતા હતાં કે ચંદ્ર ગ્રહણનું આશરે 18 વર્ષનું ચક્ર હોય છે. આધુનિક અનુમાન મુજબ આ ચક્રનો સમય 18 વર્ષ, 11 દિવસ અને 8 કલાકનો હોય છે. આ ચક્ર પાછળનું કારણ ચંદ્રની અટપટી કક્ષા છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ એક લંબગોળ કક્ષામાં ફરે છે. સાથે-સાથે પૃથ્વી પોતે સૂર્યની કક્ષામાં ફરે છે. ઉપરાંત ચંદ્રની કક્ષા પૃથ્વીની કક્ષાના સમતલ (Plane- પ્લેન) માં નથી, પરંતુ તેની સાથે 5 અંશનો ખૂણો બનાવે છે. વળી ચંદ્રની કક્ષા પૃથ્વીની કક્ષાને જ્યાં છેદે છે, તે બિંદુ પણ ખસતા રહે છે. આ બધા કારણ ગ્રહણના ચક્રના લાંબા સમય માટે જવાબદાર છે. જે બે ગ્રહણ વચ્ચે આ ચક્ર જેટલો સમય હોય, તેઓ એક બીજા સાથે ખૂબ મળતા આવે છે. ગ્રહણના આ ચક્રનું નામ 17મી શતાબ્દીના વિખ્યાત ખગોળશાસ્ત્રી એડમન્ડ હેલીએ સેરોસ (Saros) રાખ્યું. સૂર્ય ગ્રહણ પણ આ ચક્રને અનુસરે છે. પરંતુ સૂર્ય ગ્રહણ પૃથ્વીના એક નાના ભાગ માત્ર પરથી દેખાતું હોવાથી અને સેરોસ ચક્રનો સમય પૂરા દિવસનો નહીં હોવાના કારણે સૂર્ય ગ્રહણ માટે આ ચક્ર વધુ જટિલ છે.
આ હતી ગ્રહણ બાબતની ઓછી જાણીતી વાતો. સૂચન તથા ટિપ્પણી હંમેશ માફક આવકાર્ય. વાચક મિત્રોને સલામત અને આનંદદાયક ગ્રહણ અવલોકનની શુભેચ્છા!