ના, આદ્રાનો તારો (ઘણાભાગે) વિસ્ફોટ નહીં પામે!

શિશિર અને વસંત ઋતુનું આકાશ પ્રકાશિત તારા અને સુંદર નક્ષત્રથી ભરેલું હોય છે. તેમાં પણ મૃગશિર્ષ (Orion- ઓરાયન) નક્ષત્ર અને તેનો સાથી વ્યાધ (Sirius- સીરયસ) તારો ખૂબ જ રમણીય દેખાય છે. મૃગશિર્ષ નક્ષત્રમાં બે-ત્રણ વસ્તુ ખાસ ધ્યાન ખેંચે છે. તેમાની એક છે તેમાં દેખાતો લાલ રંગનો પ્રકાશિત તારો આદ્રા અથવા Betelgeuse – બીટલજ્યુઝ. આ તારો ઓક્ટોબર 2019 સુધી નક્ષત્રનો સૌથી પ્રકાશિત તારો હતો. પરંતુ ત્યાર પછી તેની ચમક સતત ઓછી થતી રહી અને હાલમાં આદ્રા પોતાની મૂળ ચમકના 66 % થી પણ વધુ ચમક ખોઈ બેઠો છે.  આમ તો આદ્રાની ચમકમાં સમય-સમય પર વધારો ઘટાડો થતો રહે છે, પરંતુ ચમકમાં આટલો વધુ ફેરફાર હજુ સુધી હોવા મળ્યો નથી. આદ્રાનું  આ અસામાન્ય વર્તન  આ આજકાલ ખગોળશાસ્રના  સૌથી મોટા સમાચાર બની ગયા છે અને તેના કારણ વિષે જાત-જાતની અટકળ થઇ રહી છે. લોકભોગ્ય સમાચાર માધ્યમમાં પણ તેના વિષેના સમાચાર, કોઇ સાચા તો કોઇ ખોટા, ખૂબ ફરી રહ્યાં છે.

મૃગશિર્ષ (આદ્રા ડાબી બાજુ, ઉપરના ભાગમાં દેખાય છે) છબી સૌજન્ય :Wikipedia

આદ્રાના વર્તન વિષેના કુતુહલનું એક મોટું કારણ તેની હાલની અવસ્થા છે. અત્યારે આદ્રા તારો  આપણા સૂર્ય કરતા લગભગ 10  ગણો ભારે છે. શક્ય છે  કે પોતાના જન્મ સમયે તેનું વજન હજુ વધારે, સૂર્ય કરતાં 20 ગણું  હોય. આટલા ભારે તારાને તેના પોતાના ગુરત્વાકર્ષણ સામે ટકી રહેવા ખૂબ વધારે ઊર્જા ઉત્પન્ન કરવી પડે છે. તેથી આવા તારા પોતાનું ઇંધણ, હાઈડ્રોજન, ખૂબ ઝડપથી વાપરી નાખે છે. આપણો સૂર્ય લગભગ 500 કરોડ વર્ષથી તપી રહ્યો છે અને હજુ બીજા 500 કરોડ વર્ષ લગી તપતો રહેશે. આ સામે આદ્રાની ઉંમર એકાદ કરોડ વર્ષની છે અને તે પોતાનો  હાઈડ્રોજન વાપરી ચુક્યો છે.

જે તારામાં હાઈડ્રોજન ખલાસ થઈ ગયો હોય તે  શરૂઆતમાં ખૂબ ફૂલી જાય છે અને તેનું ઉષ્ણતામાન ઓછું થતાં તેનો રંગ લાલ થઇ જાય છે. આ તારાની રેડ-જાયન્ટ (Red Giant)  અવસ્થા છે. વૈજ્ઞાનિક માને છે કે  સૂર્યની આવી અવસ્થામાં તેનું કદ પૃથ્વીની કક્ષાને આંબી જશે. આદ્રા જેવડા ભારે તારાનું કદ તો એટલું મોટું હોય કે તેને સૂર્યની જગા પર મુકતાં તે બુધ, શુક્ર, પૃથ્વી, અને મંગળ ગ્રહને ગળી જઈ લગભગ ગુરુ ગ્રહની કક્ષા ને અડી જાય. આવા તારાને સુપર-જાયન્ટ (Super Giant) તારા કહે છે. આવા ભારે અને મોટા તારાનો અંત મોટા ભાગે એક મહાકાય વિસ્ફોટમાં આવે છે, જેને  સુપરનોવા (Supernova) કહે છે.  વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આદ્રા એકાદ લાખ વર્ષથી સુપર-જાયન્ટ અવસ્થામાં છે અને બીજા એકાદ લાખ વર્ષમાં તે સુપરનોવા બની જશે. સુપરનોવા વિસ્ફોટ વખતે તારામાંથી કલ્પનાતીત ઊર્જા બહાર પડે છે. થોડાક દિવસ માટે સુપરનોવાની ચમક આખી આકાશગંગાની ચમક કરતાં વધી જાય છે. અનુમાન છે કે આદ્રા જ્યારે સુપરનોવા બનશે ત્યારે પૃથ્વી પરથી જોતાં તેની ચમક પૂર્ણ ચંદ્ર જેટલી હશે, અને તે દિવસે પણ જોઇ શકાશે.

આકાશગંગા જેવા તારા વિશ્વમાં દરેક સદીમાં સરેરાશ એક સુપરનોવા જોવા મળે છે. પરંતુ આકાશગંગામા સન 1604 પછી કોઇ સુપરનોવા જોવા મળ્યો નથી.  આદ્રાના ઓક્ટોબર ૨૦૧૯ પછી ના અસામાન્ય વર્તને કેટલાક વૈજ્ઞાનિક અને સામાન્ય જનતામાં આશા જન્માવી છે કે આદ્રાનું ઝાંખા થવું તેની સુપરનોવા થવાની પૂર્વ તૈયારી રૂપ હોઇ શકે અને કદાચ આપણને આપણા જીવનકાળ દરમ્યાન એક સુપરનોવાને ખૂબ નજીકથી જોવાનો અને તેનો અભ્યાસ કરવાનો લાહવો મળે. કમનસીબે,  આદ્રાના વિગતવાર અવલોકન મુજબ તે સુપરનોવાની તૈયારી  કરી રહ્યો હોય તેવું માનવા માટે કોઇ વિશેષ કારણ નથી. તેથી ઊલટું, આદ્રાનું ઝાંખા પડવાને બીજી એકાદ-બે રીતે સમજી શકાય છે

સામાન્ય રૂપે તારા એટલાં દૂર હોય છે કે મોટા ટેલિસ્કોપમાંયી પણ તેઓ માત્ર એક બિંદુ રૂપ  જ દેખાય છે (આથી જ તારા ટમટમ થતાં દેખાય છે, અને મોટી તકતી જેવા દેખાતા ગ્રહ ટમટમ થતા નથી). પરંતુ 700 પ્રકાશ-વર્ષ દૂરનો આદ્રા એટલો મોટો છે કે દક્ષિણ અમેરિકાના ચીલિ દેશમાં આવેલી “યુરોપિયન દક્ષિણ વેધશાલા” (European Sothern Observatory- યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરી) ના અતિ વિશાળ ટેલિસ્કોપ (Very Large  Telescope -વેરી લાર્જ ટેલિસ્કોપ, ટૂંકમાં VLT) આદ્રાની સપાટીની છબી લેવામાં સફળ રહ્યું છે. VLTએ ડિસેમ્બર 2019માં લીધેલી છબીની સરખામણી જાન્યુઆરી 2019ની છબી સાથે કરતાં જોવા મળે છે કે આદ્રા ઝાંખો તો થયો જ છે, સાથે-સાથે તેનો આકાર (છબીના સૌથી તેજસ્વી, સફેદ રંગના ભાગનો)  પણ બદલાઈ ગયો છે.  શક્ય છે કે સૂર્ય કલંક જેવું કોઇ મોટું, પ્રમાણમાં ઠંડુ ધાબું તારાની સપાટી પર આવી ગયું હોય જેને કારણે તારાના પ્રકાશિત ભાગનો આકાર બદલાયેલો લાગે અને આપણને તારો ઝાંખો લાગે. VLTના જ બીજા એક સાધને આદ્રાની આસપાસના આકાશની ઇન્ફ્રારેડ (ઉષ્માના કિરણ) ની છબી લીધી. વિદ્યુત-ચુંબકીય વર્ણપટલ (spectrum- સ્પેક્ટ્રમ)ના   ઇન્ફ્રારેડ ભાગમાં લીધેલી છબી તારાની  ઉષ્માને કારણે તેની આસપાસની ગરમ થયેલી ધૂળ આબેહૂબ દર્શાવે છે. સંભવ છે કે આ ધૂળ પણ આદ્રાના પ્રકાશને રોકતી હોય.

આવા અવલોકનના કારણે વૈજ્ઞાનિક માને છે કે આદ્રાના ઝાંખા પડવાનું કારણ ઘણેભાગે કોઇ કામચલાઉ અથવા ક્ષણિક પ્રક્રિયા હોઇ શકે, અને નજીકના ભવિષ્યમાં તે  સુપરનોવા બને તેવી શક્યતા ખૂબ ઓછી છે  જો આમ હોય તો થોડા વખતમાં આદ્રા ફરી પ્રકાશિત થવા લાગશે. મુશ્કેલી એ છે કે અત્યાર સુધી આપણે જેનો વિગતે અભ્યાસ કર્યો છે તે બધા સુપરનોવા કોઇ દૂરના તારા-વિશ્વના સભ્ય છે અને આપણને તેમની સુપરનોવા બનવાની જાણ વિસ્ફોટ પછી જ થઇ છે. આથી  આપણી પાસે સુપરનોવા બનતા પહેલા તારાના લક્ષણ કેવા હોય, તેમાં શા ફેરફાર આવે, તે વિષે કોઇ માહિતી નથી. તેથી આદ્રાના હાલના વર્તન પછળના કારણના અનુમાન,  અટકળ માત્રથી વધુ કાંઇ નથી.

શેર કરો