આકાશ-દર્શન- થોડી ટીપ્સ

ઉનાળાની રજાઓમાં રાત્રે છત પર સુતા-સુતા, તારા જોતાં-જોતાં આકાશ-દર્શન (Stargazing – સ્ટાર ગેઝીંગ)  ની લત મને અને મારા  પિત્રાઇ ભાઇને ક્યારે લાગી ગઇ તેની ખબર જ ન પડી. આ લત એવી લાગી કે આજે ૫૦ વર્ષ બાદ પણ તે અમારો પીછો છોડતી નથી!  આવી જ લત કદાચ આપણા વાચક મિત્ર, શ્રી ભાવિનભાઇ શાહને લાગી છે. તેમણે તો  એક સારું ટેલીસ્કોપ પણ ખરીદ્યું છે. ભાવિનભાઇની  ઇચ્છા હતી હું તેમને  આકાશ-દર્શન વિષેની વધુ માહિતી ક્યાં અને શી રીતે મળે એ વિષે માહિતી આપું.  મને લાગ્યું કે આ વાત  જો આપણી વેબસાઇટ પર થાય તો બીજા વાચક મિત્રો પણ  વાંચી શકે, તેમાં ભાગ લઇ શકે. ભાવિનભાઇએ આ સુચન સ્વીકારી લીધું. આમ આ લેખનું બધું શ્રેય ભાવિનભાઇને જાય છે.

ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા અંગ્રેજી વૈજ્ઞાનિક કે ટેકનિકલ શબ્દનો ગુજરાતી પર્યાય મળવો મુશ્કેલ છે. વળી અંગ્રેજી પુસ્તક કે પછી ઇન્ટરનેટ પરથી માહિતી મેળવતા વાચક મિત્રો માટે મૂળ અંગ્રેજી શબ્દને સમજવો જરૂરી છે. તેથી આ લેખમાં આપણે આવા વૈજ્ઞાનિક કે ટેકનિકલ શબ્દ તેમના મૂળ અંગ્રેજી સ્વરૂપમાં વાપરીશું. આવા શબ્દ જ્યારે લેખમાં પહેલી વાર વપરાય ત્યારે તેનો સ્પેલિંગ, ઉચ્ચાર તથા ગુજરાતી ભાવાર્થ આપવાની કોશિશ જરૂર કરીશ!   

 “Stargazing” , જેનો અનુવાદ “તારા-દર્શન” કરી શકાય, તે શબ્દ થોડો સંકુચિત છે. આ સામે તેનો  ગુજરાતી પર્યાય “આકાશ-દર્શન” વધુ વિસ્તૃત, વધુ અનુરૂપ છે, કેમ કે તારા ઉપરાંત આકાશમાં દેખાતા બધા જ પદાર્થ અથવા પિંડ (Celestial Object- સેલેસ્ટીઅલ ઓબજેક્ટ- ટૂંકમાં “ઓબ્જેક્ટ” )  – સૂર્ય, ચંદ્ર, ગ્રહ (Planet- પ્લેનેટ), ઉલ્કા(Astroid -એસ્ટ્રોઇડ), ધૂમકેતુ(Comet- કોમેટ), નિહારિકા (Nebula- નેબ્યુલા), તારા-વિશ્વ (Galaxy- ગેલેક્ષી) અને હવે તો માનવ સર્જિત ઉપગ્રહ (Satellite -સેટેલાઇટ) તેમ જ  રોકેટ – આ બધાનું અવલોકન આ  પ્રવૃત્તિમાં સામેલ છે.  ઓબજેક્ટ  પોતે તો ખરા જ, ઉપરાંત  તેઓની  એકબીજા સાથેની સંતાકૂકડી – યુતિ (Conjunction- કન્જક્શન), ગ્રહણ (Eclipse- ઇક્લીપ્સ) અને Transit (ટ્રાન્ઝીટ- એક ઓબ્જેક્ટનું બીજા ઓબજેક્ટની સામેથી પસાર થવું)  – પણ આકાશ-દર્શનનો રસપ્રદ ભાગ છે.

આકાશ-દર્શનના ઘણા પાસા છે. એક જ લેખમાં તો દરેક પાસાની વિગતવાર ચર્ચા કરવી શક્ય નથી તેથી આ લેખમાં તો શરૂઆતના થોડા પાસાની   રૂપરેખા તથા તેના વિષે વધુ માહિતી ક્યાંથી મળી શકે માત્ર આટલું જ   આવરી લેવા વિચાર છે. ભવિષ્યમાં વાચક મિત્રોના પ્રતિભાવ અનુરૂપ દરેક પાસાની   વિગતવાર ચર્ચા કરી શકાય.     

આજકાલ તો બધી માહિતીનો સ્રોત  ઇન્ટરનેટ છે અને આકાશ-દર્શન પણ તેમાં અપવાદ નથી. તેમ છતાં જેના પાના ઉથલાવી શકાય, જેને અડી અને સૂંઘી  શકાય  તેવા પુસ્તકની મજા જુદી જ છે. વર્ષ ૨૦૧૮માં પ્રકાશિત ડેવીડ ડીકીન્સન તથા ફ્રેઝર કેઇનનું The Universe Today Ultimate Guide to Observing Cosmos તથા સર પેટ્રીક મુરનું લગભગ છેલ્લું પુસ્તક “The Sky At Night”  (આ પુસ્તક મેં પોતે વાંચેલું નથી, પરંતુ તેના રિવ્યુ જરૂર વાંચ્યા છે!) આપણા જેવા, માત્ર શોખ માટે બનેલા (Amateur- એમેચ્યર) ખગોળશાસ્ત્રી માટે ઉપયોગી છે. આ બન્ને પુસ્તક આકાશ-દર્શનના દરેક તબક્કે ઉપયોગી છે, તેથી તેમનો ઉલ્લેખ શરૂઆતમાં કરી લઇએ.      

આકાશ-દર્શનનું પહેલું પગથિયું તારા, ગ્રહ કે બીજા કોઇ પણ ઓબ્જેક્ટ ની સ્થિતી આકાશમાં શી રીતે દર્શાવાય છે તે બાબતની જાણકારી મેળવી લેવાનું છે. આ જાણકારી આકાશ-દર્શનને લગતા લેખ અને કોષ્ટકને સમજવા માટે જરૂરી છે.  જેવી રીતે પૃથ્વી પરના કોઇ પણ સ્થાનની સ્થિતી બતાવવા અક્ષાંશ તથા રેખાંશનો ઉપયોગ થાય છે, બરાબર તેવી જ રીતે આકાશમાં કોઇ પણ ઓબ્જેક્ટ ની સ્થિતી તેના  Declination (ડેક્લીનેશન) તથા Right Ascension – (રાઇટ એસેન્સન, ટૂંકમાં R.A.) વડે દર્શાવાય છે. જેવી રીતે અક્ષાંશ પૃથ્વી પરનું સ્થાન પૃથ્વી પરના વિષુવ-વૃત્તથી કેટલું ઉત્તર અથવા દક્ષિણમાં છે તે દર્શાવે છે, તેવીજ રીતે ડેક્લીનેશન પણ ઓબેજેક્ટની ઉત્તર-દક્ષિણ સ્થિતી દર્શાવે છે. રેખાંશની માફક R. A. ઓબ્જેક્ટ ની પૂર્વ-પશ્ચિમ સ્થિતી દર્શાવે છે. પૃથ્વીના નકશા પરની અક્ષાંશ-રેખાંશ રેખાની માફક તારક-ચાર્ટ પર Declination અને R.A. રેખા દર્શાવેલી હોય છે.  Declination તથા R. A. વિષે વધુ માહિતી ઉપર દર્શાવેલ પુસ્તક ઉપરાંત ઘણી વેબસાઇટ ઉપર મળી શકે છે. ઉદાહરણ રૂપે, એમેચ્યર ખગોળશાસ્ર  ના પ્રખ્યાત સામાયિક સ્કાય એન્ડ ટેલિસ્કોપ (Sky and Telescope) ની વેબસાઇટ પર નો આ લેખ તથા યુ-ટ્યુબનો આ વિડિઓ .

ઓબ્જેક્ટ ની સ્થિતી વિષે સમજ્યા પછીનું સોપાન આકાશના તારા, ગ્રહ કે બીજા ઓબ્જેક્ટ  નું તેજ શી રીતે મપાય છે તે સમજવાનું છે. ખગોળશાસ્ત્રમાં ઓબ્જેક્ટ  નું  તેજ (દેખીતું) તેના “magnitude” (મેગ્નીટ્યુડ) વડે દર્શાવાય છે. આ મેગ્નીટ્યુડ એકમની બે ખાસિયત છે.  પહેલી ખાસિયત એ કે ઓબ્જેક્ટ જેટલો વધુ તેજસ્વી, તેનો મેગ્નીટ્યુડ  તેટલો ઓછો. તેથી 3 મેગ્નીટ્યુડ વાળો તારો 4 મેગ્નીટ્યુડ વાળા તારાથી વધુ તેજસ્વી હશે. બીજી ખાસિયત, મેગ્નીટ્યુડનું માપ  રેખિક ( linear- લીનીયર) નહીં., પરંતુ ઘાતાંકીય (logarithmic  -લોગરીધમિક) હોય છે. અર્થાત્ કોઇ પણ બે તારાના મેગ્નીટ્યુડ વચ્ચેના તફાવત તે બે તારાના તેજનો ગુણોત્તર દર્શાવે છે, તેમના તેજનો તફાવત નહીં! તેથી 3 અને 4 તેમજ 4અને  5 મેગ્નીટ્યુડ વાળા તારાના તેજ વચ્ચેનો તફાવત એક સરખો નથી, પરંતુ 3 અને 4 મેગ્નીટ્યુડ વાળા તારાના તેજનો ગુણોત્તર 4 અને 5 મેગ્નીટ્યુડ વાળા તારાના ગુણોત્તર એક સરખો હોય છે. મેગ્નીટ્યુડ માં 5 નો તફાવત તેજમાં 100 ગણો તફાવત દર્શાવે છે. આ માપ અનુસાર હાલમાં (ઓક્ટોબર-નવેમ્બર માસમાં) સાંજે ઉત્તર -પશ્ચિમમાં દેખાતા તારા અભિજિત (અંગ્રેજી નામ Vega- વેગા) નો મેગ્નીટ્યુડ લગભગ 0 છે. જ્યારે સૂર્યનો મેગ્નીટ્યુડ -26 ની આસપાસ છે. અર્થાત્ સૂર્ય  આપણને અભિજિત તારા કરતા 2000 કરોડ (2ના ઉપર 10 શૂન્ય) ગણો તેજસ્વી દેખાય છે!

હું જાણું છું કે આ વિષયમાં  ઉપર આપેલી સમજ પૂરતી નથી. પરંતુ હાલ પૂરતું એટલાથી સંતોષ માની વાચક મિત્ર વધુ માહિતી માટે ઉપર દર્શાવેલ પુસ્તક અથવા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આ લેખ અથવા આ લેખ નો ઉપયોગ કરે. 

 આકાશી અક્ષાંશ-રેખાંશ તથા તેજના માપ વિષે જાણી લીધા પછી આપણે હવે આકાશનો નકશો જોવા તૈયાર છીએ. જેવી રીતે પૃથ્વીની સપાટી જુદા-જુદા ખંડ તથા મહાસાગર અને સમુદ્રમાં વિભાજિત છે, તેવી જ રીતે આકાશનો ગોળો પણ જુદા-જુદા  ૮૮ Constellations (કોન્સ્ટલેશન્સ) અર્થાત્  “તારા-સમૂહ” માં વિભાજિત કરાયો છે. અલબત, આ વિભાજન કુદરતી નહીં, કૃત્રિમ, માનવ સર્જિત છે. દરેક કોન્સ્ટલેશન્સ ની સીમા આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર સંઘ (International  Astronomical Union) દ્વારા નક્કી કરવામાં આવી છે.   લગભગ દરેક કોન્સ્ટલેશન ની સાથે તેમાં રહેલા પ્રકાશિત તારા દ્વારા બનતી કાલ્પનિક આકૃતિ સંકળાયેલી  જે મોટા ભાગે -ખાસ કરીને ઉત્તર ગોળાર્ધમાં દેખાતા કોન્સ્ટલેશન્સ માટે- કોઇ ને કોઇ દંતકથા પર આધારિત છે. તારા દ્વારા બનતી આવી કાલ્પનિક આકૃતિને Asterism (એસ્ટ્રીઝમ) કહે છે.  કૃત્રિમ વિભાજનના કારણે કોન્સ્ટલેશન્સ ના અંગ્રેજી નામ, જે ગ્રીક કે રોમન દંતકથા પર આધારિત છે, તે ભારતીય નામ થી અલગ પડે છે. કમનસીબે હાલમાં ઉપલબ્ધ આકાશના લગભગ બધા નકશા અથવા તારક-ચાર્ટમાં કોન્સ્ટલેશન્સ  અથવા એસ્ટ્રીઝમ ના અંગ્રેજી નામ દર્શાવેલા હોય છે. બધા જ કોન્સ્ટલેશન્સ  અથવા એસ્ટ્રીઝમ ના  ભારતીય નામ શોધવા મુશ્કેલ છે. ઇન્ટરનેટ પર આ વેબસાઇટ પર કેટલાક કોન્સ્ટલેશન્સ ના  ભારતીય  નામ ઉપલબ્ધ છે.  આ ઉપરાંત ઘણા પ્રકાશિત તારાના પોતાના નામ પણ હોય છે. ઉપર દર્શાવેલ વેબસાઇટ પર આવા તારાના ભારતીય નામ પણ જોઇ શકાય છે.

પૃથ્વીના નકશા વિવિધ કક્ષાના હોય છે. ઘણા નકશા માત્ર મોટા શહેર કે મોટી નદી અને ઊંચી પર્વતમાળા દર્શાવે તો બીજા વધુ વિગતવાર હોઇ શકે. આવી જ રીતે આકાશના નકશા પણ જુદી-જુદી કક્ષાના હોય છે. કોઇ નકશા માત્ર  3 મેગ્નીટ્યુડ તેથી વધુ પ્રકાશિત- જે શહેરમાં પ્રકાશ-પ્રદૂષણ  વાળi આકાશમાં પણ જોઇ શકાય તેવા- તારા દર્શાવે તો કોઇ  6 મેગ્નીટ્યુડ  સુધીના તારા અથવા ઓબ્જેક્ટ દર્શાવે જે અંધારી જગાથી નરી આંખે જોઇ શકાય. તેનાથી આગળ વધી કેટલાક નકશા 10 કે 12 મેગ્નીટ્યુડ સુધીના ઓબ્જેક્ટ દર્શાવે, જે માત્ર ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય.

આકાશમાં  કયા તારા તથા બીજા ઓબ્જેક્ટ દેખાય તે જોવાના સ્થળના અક્ષાંશ પર આધારિત છે. વળી તારાનો ઊગવાનો  સમય દરરોજ ચાર મીનીટ વહેલો થતો જાય છે. તેથી તારા કે ઓબ્જેક્ટs દેખાવાનો સમય  વર્ષ દરમ્યાન બદલાતો રહે છે. આ બધા કારણે તારાના નકશા આકાશ-દર્શનના સ્થળ તથા સમય પ્રમાણે બદલાતા રહે છે. આ વિષયની વધુ માહિતી આ વેબ-પેજ પર મળી શકે છે. આપણા મોબાઇલ ફોન માં સ્થળ તથા સમયની માહિતી આપોઆપ મળી જતી હોવાના કારણે તેમાં આકાશના નકશા સહેલાઇથી બનાવી શકાય. આ જ કારણ છે કે આજ-કાલ આકાશના નકશા બતાવતી Android  અને IOS app લોકપ્રિય બની છે. મારા અનુભવ પ્રમાણે StarChart અને Skyview  આ બે app amateur ખગોળશાસ્ત્રી માટે ઉપયોગી છે.  આવી app નો એક ફાયદો છે કે તેઓ  માનવ-સર્જિત ઉપગ્રહ અને રોકેટની સ્થિતિ અને તેમનો પથ પણ દર્શાવે છે. તેમની મદદથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન જેવા અંતરિક્ષ યાન જોઇ શકાય છે.  મોબાઇલ ફોન પરના નાના ડીસપ્લે  પર તારાનો નકશો ન જોવો હોય તો  Sky and Telescope જેવા સામયિક દર માસે તારાનો નકશો પ્રકાશિત કરે છે. આમ તો આ નકશા ભારતથી ઘણા ઉત્તરમાં આવેલા સ્થળ માટે બનાવેલા હોય છે, પરંતુ થોડા ફેરફાર સાથે આપણે તેમને વાપરી શકીએ. વિષુવ-વૃત પરના સ્થળ માટે બનેલો આવો નકશો દરેક માસ માટે PDF ફોરમેટમાં  skymap  વેબસાઇટ પર ઉપલબ્ધ છે (વેબ પેજ પર જઇને જે તે માસનો Equatorial Edition (PDF) નકશો ડાઉનલોડ કરવો) , જેને છાપીને ઉપયોગમાં લઇ શકાય.  અમેરિકાની અંતરિક્ષ સંસ્થા NASA ની Jet Propulsion Laboratory નું Night Sky Planner  પણ દર માસે આકાશમાં શું જોવા જેવું છે તે વિષેની માહિતીનો ઉત્તમ સ્રોત છે.  તમારા પોતાના સ્થળ તથા સમય માટેનો નકશો તમે પોતે Heavens Above  વેબસાઇટના આ પેજ પર બનાવી શકશો. આ માટે તમારે તમારા સ્થળના અક્ષાંશ -રેખાંશ તથા જે સમયનો નકશો જોઇએ  તે સમય આપવો પડશે (નમૂના માટે આ સાથેની છબી જૂઓ) .  આકાશના નકશાની એક ખાસિયત છે કે તેમાં પૂર્વ તથા પશ્ચિમ દિશા પૃથ્વીના નકશા કરતાં ઊંધી  બાજુ દર્શાવાય છે. અર્થાત્ ઉત્તર દિશાને ઉપર રાખતા પૂર્વ દિશા ડાબી બાજુ અને પશ્ચિમ દિશા જમણી બાજુ દર્શાવાય છે. આમ કરવાનું કારણ એ છે કે આકાશનો નકશો આપણા માથા ઉપર, આકાશ તરફ રાખીને અને ઊલટો કરી  જોવાનો હોય છે. નકશાને આ સ્થિતીમાં રાખતાં પૂર્વ-પશ્ચિમ સાચી બાજુ દેખાય છે.  

અમદાવાદ નો આકાશ-નકશો- સૌજન્ય Heavens-Above

આકાશના નકશાની વાત પૂરી કરતા પહેલા એક થોડા જુદા પણ રસપ્રદ અવલોકન વિષે વાત કરી લઇએ. ગઇ શતાબ્દીના છેલ્લા દશકમાં અમેરિકાની એક કમ્પનીએ ઇરીડીયમ (Iridium) નામના સંદેશા-વ્યવહાર ઉપગ્રહની એક શ્રેણી  પૃથ્વીની  કક્ષામાં મૂકી. આ ઉપગ્રહની પર લાગેલી એન્ટેના ઘણી વખત સૂર્યના પ્રકાશને નીચે, પૃથ્વી પર થોડા સમય (પાંચ-દસ મિનિટ)  માટે પરાવર્તિત કરે છે. આ દૃશ્ય મોડી સાંજ અથવા વહેલી સવારે ખૂબ રમણીય લાગે છે. તમારા શહેર કે ગામમાં તે કયારે જોવા મળશે તે અંગેની માહિતી Heavens Above  નું આ  પેજ આપે છે. એક વાર જરૂરથી જોશો.  

સાવ અંધારા સ્થળેથી પણ માનવ આંખ 6 મેગ્નીટ્યુડથી વધુ ઝાંખા ઓબ્જેક્ટ જોઇ શકતી નથી. શહેરમાં તો તે માત્ર 3 મેગ્નીટ્યુડથી વધુ પ્રકાશિત તારા જ જોઇ શકે છે. ઝાંખા ઓબ્જેક્ટ જોવા માટે ટેલિસ્કોપ (telescope) અથવા બાયનોક્યુલર્સ (Binoculars ) વાપરવા જરૂરી છે. ચંદ્ર તથા ગ્રહ જેવા નરી આંખે જોઇ શકાતા ઓબ્જેક્ટના વિગતવાર અવલોકન માટે તેમને મોટા કરી ને જોવા જરૂરી છે. આ કામ પણ ટેલિસ્કોપ કરી આપે છે. શિખાઉ  એમેચ્યર ખગોળશાસ્ત્રીને ટેલિસ્કોપ શી રીતે પસંદ કરવું તે વિષે જાણકારી Sky and Telescope ના આ વેબ-પેજ પર તથા આ વિડિઓમાં સારી રીતે આપી છે. ટેલિસ્કોપ શી રીતે વાપરવું તે વિષયની જાણકારી British Astronomical Associationના આ વેબ-પેજ પર મળી શકે

જે મિત્રો ટેલિસ્કોપ અથવા બાયનોક્યુલર્સ નો ઉપયોગ આકાશ-દર્શન માટે કરવા માગતા હોય તેમને માટે એક ખાસ સલાહ ગણો તો સલાહ અને ચેતવણી ગણો તો ચેતવણી. તમારા ટેલિસ્કોપ અથવા બાયનોક્યુલર્સનો ઉપયોગ ક્યારે પણ સૂર્ય જોવા માટે કરશો નહીં. આવું કરવાથી તમારી આંખને કાયમી નુકસાન પહોંચી શકે છે!

ટેલિસ્કોપ (અથવા બાયનોક્યુલર્સ) ઓબ્જેક્ટને મોટો કરી બતાવે છે. પરંતુ તેની સામે ટેલિસ્કોપમાંથી દેખાતા આકાશ નું ક્ષેત્ર (field- ફીલ્ડ) નાનું થઇ જાય છે. આના કારણે ટેલિસ્કોપના ક્ષેત્રમાં  ઓબ્જેક્ટને શોધવો તથા ટેલિસ્કોપને ઓબ્જેકટ તરફ તાકવું મુશ્કેલ બની જય છે, ખાસ કરી ને જ્યારે ઓબજેક્ટ,  ફાયન્ડર ટેલિસ્કોપમાં જોઇ ન શકાય તેટલો ઝાંખો હોય. જો તમારું ટેલિસ્કોપ ફૅન્સી “Go-to”  પ્રકારના માઉન્ટ  ચડે સજ્જ હોય અથવા તો તે Sky Safari જેવા કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા સંચાલિત કરી શકાતું હોય તો ટેલિસ્કોપને સાચી દિશામાં તાકવાનું કામ  કમ્પ્યુટર કરી શકે. જો આ શક્ય ન હોય તો ઝાંખા ઓબજેક્ટને શોધવા Star-Hopping (સ્ટાર-હોપિંગ) અર્થાત્ “એક તારા પરથી બીજા પર કુદકો મારવો” ની રીત વપરાય છે. આ રીતમાં કોઇ ચમકતા તારાથી શરૂ કરી અને આકાશના નકશાનો ઉપયોગ કરી ઝાંખા ઓબજેક્ટ સુધી પહોંચી શકાય છે. Sky and Telescope નો આ આર્ટિકલ તથા બીજો એક આર્ટિકલ  સ્ટાર-હોપિંગ વિષે વધુ માહિતી આપે છે. આ ઉપરાંત યુટ્યુબ પરનો આ વિડિઓ પણ સ્ટાર-હોપિંગ વિષે સારી માહિતી આપે છે.

હવે આગળ ચાલતા આવે આકાશી ફોટોગ્રાફીનો વિષય, ટેલિસ્કોપ અને કૅમેરા વડે ખગોળીય ઓબ્જ્ક્ટની છબી ખેંચવાનો વિષય. આ વિષયનું મારુ જ્ઞાન સીમિત છે- હાલમાં તો હું તેમાં માત્ર પગ પલાળી રહ્યો છું. તેથી આ વિષયમાં કશું લખવાની  હિંમત કરતો નથી- માત્ર મેં ખેંચેલી બે-ચાર છબી બીડું છું, જેથી આ શોખમાં સામેલ આનંદનો ખ્યાલ આવે.  

આ હતા આકાશ-દર્શન વિષેની માહિતીના સ્રોત, જેટલા મારી જાણમાં છે. મને આશા છે કે શ્રી ભાવિનભાઇ તથા બીજા મિત્રોને આ માહિતીથી કમ-સે-કમ થોડો સંતોષ તો થયો હશે. અલબત, મારી જાણ બહારના એવા ઘણા સ્રોત છે, જેનો ઉલ્લેખ આ લેખમાં નથી થયો. વાચક મિત્રોને મારી વિનંતિ છે કે જો તેમને આવા સ્રોત વિષે બાતમી મળે તો તેઓ મને લખી મોકલે.  લેખની શરૂઆતમાં મેં લખ્યું છે તે પ્રમાણે આ લેખ એક રૂપરેખા માત્ર છે. મારો પ્રયત્ન રહેશે કે લેખમાં આકાશ-દર્શનના જે-જે પાસાનો ઉલ્લેખ કર્યો છે, તે દરેક વિષે એક-એક અલગ લેખ લખું.

છેલ્લી ચોખવટ : આ લેખમાં આપેલી વેબ-લીન્કમાં પર જે  કોઇ માહિતી હોય, તે પૂરેપૂરી સાચી છે કે નહીં તેની વિગતવાર તપાસ મેં કરી નથી. તેથી હું આ અંગે કોઇ જવાબદારી લેવાની સ્થિતીમાં નથી.  

શેર કરો

  1. Bhavin Shah

    રાજેન્દ્ર ભાઈ,

    મારા સૂચન નો સ્વીકાર કરી ને આકાશ દર્શન વિશે તમામ વાચકો માટે માહિતી નું સંકલન કરી ને આ લેખ આપવા માટે આપ નો ખુબ ખુબ આભાર.

    આપ ના લેખ દ્વારા તારાઓ ના આકાશી અક્ષાંશ-રેખાંશ, સ્ટાર મેપ તથા તારા ઓ ના તેજ વિશેની અજાણી તેમ જ વિશેષ માહિતી મળેલ છે .તદુપરાંત પૂરક જાણકારી માટે અલગ થી લિંક્સ/apps/books વિશે જે માહિતી આપેલ છે તે પણ આકાશ દર્શન માટે ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે.

    પ્રસ્તુત લેખ મારી જેમ આકાશ દર્શન માં રસ ધરાવતા તમામ વાચક મિત્રો ને ચોક્કસપણ ઉપયોગી નીવડશે અને આપ ભવિષ્ય માં પણ આ વિષય પર વધુ માહિતી લેખ ના માધ્યમ દ્વારા આપતા રહો તેવી વિનંતી સાથે અસ્તુ.