ભારતના ચંદ્રયાન-૨નું અનાવરણ
ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરો (ISRO) એ પોતાના મહાત્વાકાંક્ષી અભિયાન ચંદ્રયાન-૨ની વિગત આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરી છે. ચંદ્ર પર જનારા પોતાના અંતરિક્ષ યાન ઉપરાંત ચંદ્ર સુધી પહોંચવા માટે યાન જે પથ પર જશે તેની વિગત પણ ઇસરોએ આપી છે. જુલાઇ ૨૦૧૯માં ચંદ્ર માટે રવાના થનારા આ અભિયાનના સમાચાર ઇસરોની પોતાની વેબસાઇટ ઉપરાંત સ્પેસ ડેઇલી વેબસાઇટ પર ફરી એક વાર ૧૨ જૂન ૨૦૧૯ના રોજ ચમક્યા છે.
મહાસાગરની ઊંડાઈમાં છૂપાયું પ્લાસ્ટિક પ્રદૂષણ
પૃથ્વીના જમીન, વાયુ તથા જળ ત્રણેના માનવ-સર્જિત પ્રદુપણની માત્રા કેટલી હદે વધી ચૂકી છે તેના સમાચાર લગભગ દરરોજ મળતા રહે છે. માનવ સર્જિત પ્રદુષણમાં પ્લાસ્ટિકનો મોટો હિસ્સો છે કેમ કે પ્લાસ્ટિકનો કચરો સેંકડો વર્ષ સુધી સડતો નથી. દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિક મહાસાગરમાં વહી જાય છે. વૈજ્ઞાનિકોને મહાસાગરમાં પ્લાસ્ટિકનો કચરો કઇ જગ્યાએ એકઠો થાય છે તેની શોધ હતી. મહાસાગરની સપાટી પર આવો કચરો ખાસ જોવા મળતો નથી. પ્રશાંત (Pacific- પેસીફિક) મહાસાગરના હવાઈ ટાપુ તથા અમેરિકાના કેલિફોર્નિયા તટ વચ્ચે ૧૬ લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રફળ વાળો મહાસાગરનો એક ભાગ પ્રશાંત મહાસાગરના મહાન ઉકરડા તરીકે ઓળખાય છે, જ્યાં મહાસાગરના વહેતા પ્રવાહની દિશાને કારણે બધો કચરો ભેગો થાય છે. પરંતુ આ ઉકરડામાં પણ વહી જતા પ્લાસ્ટિકનો માત્ર થોડો જ ભાગ જોવા મળે છે. હવે ઈંગ્લેન્ડના વિજ્ઞાન સામયિક ન્યુ સાયન્ટિસ્ટમાં જૂન ૬, ૨૦૧૯ના દિવસે પ્રકાશિત સમાચાર અનુસાર મહાસાગરમાં એકઠા થયેલા પ્લાસ્ટિકની ભાળ કદાચ મળી છે. અમેરિકાના પશ્ચિમ કિનારે મોન્ટરે અખાતમાં થયેલા સંશોધન અનુસાર માનવ-નિર્મિત પ્લાસ્ટિકના કણ પ્રશાંત મહાસાગરના પેટાળમાં લગભગ દરેક ઊંડાઈ પર જોવા મળે છે. ૩૦૦ મીટરની ઊંડાઈ પર તેનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે.
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ખાનગી યાત્રી?
અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) હવે બાહ્ય-અવકાશના વાણિજ્ય ઉપયોગ પર ખાસ ધ્યાન આપવા માગે છે, ખાસ કરીને ૧૦૦૦ કિલોમીટરથી નીચે, જેને પૃથ્વીની નજીકની કક્ષા (Near Earth Orbit- નીયર અર્થ ઑરબીટ) કહે છે, તેવી કક્ષામાં. આ યોજનાના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં રહીને ખાનગી કંપની શોધખોળ અને બીજી વ્યવસાયિક પ્રવૃત્તિ કરી શકશે. માત્ર એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (International Space Station- ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પ્રવાસીઓની સહેલગાહ માટે પણ ખુલ્લું મૂકાશે. આ અંગેના સમાચાર અંતરિક્ષ વેબસાઇટ સ્પેસ ડેઇલી તથા ઇંગ્લેન્ડની પ્રસારણ સંસ્થા બી.બી.સી. (BBC) પર ચમક્યા છે.
વાતાવરણમાં કાર્બન-ડાયોક્ષાઇડ વિક્રમ જનક પ્રમાણે પહોંચ્યો!
હવાઈ ટાપુ-સમૂહના “મોટા ટાપુ” તરીકે ઓળખાતા ટાપુ પર વિખ્યાત જ્વાળામુખી મૌના લુઆ (Mauna Lua) આવેલો છે. આ જ્વાળામુખીની ટોચ પર ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઇ પર અમેરિકાની રાષ્ટ્રીય સાગર તથા વાતાવરણ સંસ્થાન (National Oceanic and Atmospheric Administration)ની એક વેધશાળા આવેલી છે જે વાતાવરણનું સતત અવલોકન કરે છે. આ અવલોકનમાં વાતાવરણમાં કાર્બન-ડાયોક્ષાઇડના પ્રમાણનું અવલોકન પણ સામેલ છે. સામાન્ય રૂપે મે માસમાં મોનો લુઆ પર કાર્બન-ડાયોક્ષાઇડનું પ્રમાણ સૌથી વધુ હોય છે. અને આ વર્ષે તો મે માસમાં વાતાવરણમાં કાર્બન-ડાયોક્ષાઇડ વિક્રમ જનક સપાટી પર પહોંચી ગયો. બદલાતી આબોહવાનો એક વધુ પુરાવો મળ્યો. આ બાબતના સમાચાર સ્પેસ ડેઇલી વેબસાઇટ પર તારીખ ૪ જૂન ૨૦૧૯ના રોજ ચમક્યા છે.
ગુરુના ઉપગ્રહ યુરોપા (Europa) પર મીઠું- નજર સામે, છતાં છુપાયેલું!
“નજર સામે છતાં અદૃશ્ય” આ છે અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) ની જેટ પ્રપ્લશન લેબોરેટરી(Jet Propulsion Laboratory)ની વેબસાઇટ પર તારીખ ૧૨ જૂન ૨૦૧૯નાર રોજ પ્રકાશિત આ લેખનું તારણ! દૂર-સંવેદન (Remote Sensing- રીમોટ સેન્સીંગ)ટેકનોલોજીનું એક અગત્યનું હથિયાર વર્ણ-પટલ (Spectrum- સ્પેકટ્રમ)નો અભ્યાસ છે. કોઇ પણ પદાર્થ કેટલી તરંગ લંબાઇનો પ્રકાશ બહાર છોડે છે, અથવા શોષે છે, તેના પરથી જે તે પદાર્થનું બંધારણ દૂરથી પણ, પદાર્થને અડક્યા વગર નક્કી કરી શકાય. સન ૧૯૭૭માં નાસાના વોયેજર યાનની ગુરુ ગ્રહની મુલાકાતના સમયથી ગુરુના ઉપગ્રહ યુરોપાનો અભ્યાસ કરવા અંતરિક્ષ યાન ઇન્ફ્રારેડ તરંગના વર્ણ-પટલનો ઉપયોગ કરી રહ્યા છે. આ અભ્યાસ મુજબ યુરોપા પર બરફ તથા પ્રવાહી પાણી ઉપરાંત મેગ્નેશીયમ તત્વના ક્ષાર છે. નવાઇની વાત એ છે કે જટિલ ઇન્ફ્રારેડ ઉપકરણની સાથે-સાથે સરળ, દૃશ્ય અર્થાત્ આપણી આંખ જોઇ શકે એવી તરંગ લંબાઇના વર્ણ પટલ વાપરવાનો વિચાર કોઇ ને ન આવ્યો! છેવટે તાજેતરમાં હવાઈ ટાપુ પર આવેલી મૌના કીઆ (Mauna Kea) પર આવેલી વેધશાળા પરથી યુરોપાના દશ્ય તરંગ લંબાઇના વર્ણ-પટલનો અભ્યાસ કરતા જોવા મળ્યું કે યુરોપાના સાગરમાં પણ આપણે જેનાથી સુપરિચિત છીએ, તેવું, ખાવાનું મીઠું જ છે! જટિલતામાં ગૂંચવાઈ જઈ સરળતાને ભૂલી જવાનું આ એક ઉદાહરણ છે!
૫,૦૦૦ વર્ષ જૂના “કૃત્રિમ” ટાપુ
દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન આધુનિક ટેકનોલોજીની મદદ વડે કૃત્રિમ ટાપુ બનાવી રહ્યું છે એ તો સૌ કોઇ જાણે છે. તેની સામે આજથી ૫,૦૦૦ વર્ષ પહેલા, માત્ર માનવ શરીરની શક્તિ વાપરી કૃત્રિમ ટાપુ બનાવવાની વાત અશક્ય લાગે તે સ્વાભાવિક છે. પરંતુ “નેચર” સામાયિકમાં ૧૨મી જૂન ૨૦૧૯ના દિવસે પ્રકાશિત લેખ સ્કોટલેન્ડના એવા ચાર ટાપુની વાત કરે છે, જે ઇસુ પૂર્વે ૩૬૦૦ વર્ષ પહેલા સ્કોટલેન્ડના ખેડૂતોએ ધાર્મિક વીધી કરવા માટે બનાવ્યા હતાં. ૨૦ મીટરથી મોટા આ ટાપુ બનાવવા માટે ૨૫૦ કિલોગ્રામ વજનના ઘણા ખડકની જરૂર પડી હશે. કશી પણ યાંત્રિક મદદ વગર આ કાર્ય શી રાતે પાર પડ્યું હશે તે ખરેખર આશ્ચર્યજનક છે.
ઉલ્કા 2006 QV89 થી ડરવાની જરૂર નથી!
આજકાલ ઉલ્કા 2006 QV89 નામની ઉલ્કા ઘણા સમાચારમાં ચમકે છે. વર્ષ ૨૦૦૬માં શાધાયેલી આ ઉલ્કાની કક્ષા પૃથ્વીની ખૂબ પાસેથી પસાર થાય છે. તેથી યુરોપની અંતરિક્ષ સંસ્થા ઇસા (ESA) એ તેને પૃથ્વીની સાથે જેની અથડામણની શક્યતા છે તેવી ઉલ્કાની યાદીમાં મૂકી છે. ઉલ્કા હાલમાં તો પૃથ્વીથી ઘણી દૂર, લગભગ ૫ કરોડ કિલોમીટરના અંતરે છે. ગણતરી મુજબ સપ્ટેમ્બર ૨૦૧૯માં તે પૃથ્વીથી ૭૦ લાખ કિલોમીટર દૂરથી પસાર થશે. પરંતુ ઉલ્કાની કક્ષાની ગણતરીમાં અનિશ્ચિતતાને કારણે આ અંતર ઘટીને ૪૦ લાખ કિલોમીટર પણ થઇ શકે. ત્યારબાદ ઉલ્કા સમય-સમય પર પૃથ્વીની પાસેથી પસાર થશે. અને સન ૨૦૬૬માં તે પૃથ્વીથી સૌથી વધુ નજીક, માત્ર ૨,૬૪,૦૦૦ કિલોમીટરના અંતરેથી પસાર થવાની શક્યતા છે. આ બધી ગણતરીને ધ્યાન પર લેતાં ઉલ્કાની પૃથ્વી સાથેની અથડામણની શક્યતા ૦.૦૧૪% થી પણ ઓછી છે. અમેરિકાની નાસા (NASA) તથા ઇસાના મત અનુસાર અથડામણની શક્યતા ૧% થી ઓછી હોય તો બચાવના કોઇ પગલા લેવા જરૂરી નથી. હા, ઉલ્કા પર નજર જરૂર રાખવી જોઇએ. વળી આ ઉલ્કાનું કદ માત્ર ૪૦ મીટર છે (આ સામે ડાયનોસોરનો વિનાશ કરનારી ઉલ્કાનું કદ લગભગ ૧૧ કિલોમીટરનું હતું!) તે જોતાં પણ હાલ તુરત ગભરાવાની કોઇ જરૂર નથી તેવી ધરપત અનેક વેબસાઇટ આપી રહી છે. એક ઉદાહરણ છે યુનિવર્સ ટૂડેનો આ લેખ.