સપ્ટેમ્બર ૨૦૧૬માં અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) નું ઓસાયરસ-રેક્ષ (OSIRIS-REx) યાન પૃથ્વીની નજીક ઘૂમી રહેલી અને તેથી પૃથ્વી માટે જોખમી ગણાતી એવી, લગભગ ૫૦૦ મીટર લંબાઇની બેન્યુ નામની ઉલ્કા પરથી પથ્થર અને ઘૂળના નમૂના લેવા નીકળ્યું હતું. પોતાની બે વર્ષથી લાંબી યાત્રા પૂરી કરી તે ડિસેમ્બર ૨૦૧૮માં બેન્યુ ઉલ્કા પાસે પહોંચી ગયું છે અને અત્યારે વૈજ્ઞાનિક ઉલ્કાના કયા ભાગ પરથી નમૂના લેવા તે નક્કી કરી રહ્યા છે. આ કાર્યમાં મદદ કરવા અંતરિક્ષ યાને બેન્યુની સપાટીથી માત્ર ૧.૬ કિલોમીટર દૂરથી ઉલ્કાની ૪૦૦૦થી પણ વધુ છબી લઇ પૃથ્વી પર મોકલી છે. દરેક છબીમાં ઉલ્કા પર ડઝનબંધ ખડક અને પથ્થર દેખાય છે. નમૂના એકઠા કરવા માટે અંતરિક્ષ યાન પર રાખેલું ઉપકરણ માત્ર પાંચ સેકન્ડ માટે ઉલ્કાને અડશે અને આ ટૂંકા સમયમાં નાઈટ્રોજન વાયુ વડે ઉલ્કા પરની ઘૂળ અને નાના કાંકરા ઉડાડી તેમને એક ડબ્બામાં એકઠા કરી લેશે. આ આખા કાર્ય માટે જરૂરી છે કે ઉપકરણ ઉલ્કાને જ્યાં અડે તે જગાની પસંદગી સાવધાની પૂર્વક કરવામાં આવે, જ્યા મોટા ખડક કે પથ્થર ન હોય. નાસાએ જગાની પસંદગી કરવાના કાર્યમાં મદદ કરવા સામાન્ય જનતાને હાકલ કરી છે. કોસ્મોક્વેસ્ટ (Cosmoquest) નામની સંસ્થા નાસા વતી ઇન્ટરનેટ પર સ્વયંસેવકોની સેવા આ કાર્ય માટે લઇ રહી છે. સ્વયંસેવકનું કાર્ય ઓસાયરસે મોકલેલી ૪૦૦૦થી વધુ છબીનું વિશ્લેષણ કરી તેમાં દેખાતા મોટા ખડક તથા પથ્થરને ઓળખી કાઢવાનું છે. દરેક છબી પર ૧૫ સ્વયંસેવક સ્વતંત્ર રીતે કાર્ય કરશે, જેથી ભૂલ થવાની શક્યતા ન રહે. અર્થાત્ કૂલ મળીને ૬૦,૦૦૦થી વધુ છબીનું વિશ્લેષણ કરવાનું છે. આ આખું કાર્ય ૧૦ જુલાઈ ૨૦૧૯ પહેલા પૂર્ણ કરવાનું છે
મારા માનવા મુજબ સૃષ્ટિને સમજવાના માનવ-પ્રયાસમાં સહયોગ આપવાનો આ એક સુંદર અવસર છે.
વિજ્ઞાન-સંચયના જે કોઇ વાચક આ કાર્યમાં મદદ કરવા ઇચ્છતા હોય તેઓ આ વેબસાઇટ પર પોતાનું નામ નોંધાવી શકે છે. વેબસાઇટ પર છબીનું વિશ્લેષણ શી રીતે કરવું તેની સમજ આપવા માટે એક નિદર્શન પણ રાખવામાં આવ્યું છે. એક છબીનું વિશ્લેષણ કરતાં વધુમાં વધુ ૩૦ મિનિટનો સમય લાગે છે.
છબી સૌજન્ય- નાસા