૫૦૦ વર્ષ ચાલનારો પ્રયોગ
અમેરિકાના જાણીતા સામયિક ધી એટલાન્ટિકે (The Atlantic) તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ એક અનોખા પ્રયોગની શરૂઆતના સમાચાર પ્રકાશિત કર્યા છે. આ સમાચાર અનુસાર ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ એડીનબર્ગના વૈજ્ઞાનિક જીવાણુ (bacteria – બેક્ટેરીઆ) કેટલો સમય સુષુપ્ત અવસ્થામાં રહ્યા પછી ફરી સક્રિય બની શકે તે જાણવા માગે છે. તે માટે તેમણે સન ૨૦૧૪માં ૮૦૦ જેટલી કાચની શીશીમાં જીવાણુ ભરી તેને હવા-ચુસ્ત રીતે બંધ કરી દીધી. હવે આવતા ૨૪ વર્ષ સુધી દર ત્રીજા વર્ષે અને ત્યાર બાદ બીજા ૪૭૫ વર્ષ સુધી દરેક ૨૫ વર્ષ બાદ વૈજ્ઞાનિક શીશીઓનો આ સમૂહ માંથી અમુક શીશી ખોલીને તેમાં રહેલા જીવાણુને જીવિત કરવાનો પ્રયત્ન કરશે. ભવિષ્યના વૈજ્ઞાનિકોને આ કાર્ય માટેની સૂચના કાગળ પર છાપીને તથા એક USB ડ્રાઈવ પર રાખવામાં આવી છે. કાગળ તો ૫૦૦ વર્ષ ટકે નહીં અને USB ટેકનોલોજી પણ બદલાઈ જાય તેથી દરેક ૨૫ વર્ષે સૂચના ફરી લખવામાં-છાપવામાં આવશે!
એન્ટાર્ટિકાની હિમનદીમાં મોટી બખોલ
અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાની જેટ પ્રપલ્શન લેબોરેટરી (Jet Propulsion Laboratory) એ તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૧૯નો રોજ પ્રકાશિત કરેલા સમાચાર અનુસાર દક્ષિણ ધ્રુવની મોટી હિમનદી (Glacier- ગ્લેસીયર) થ્વેઇટસ (Thwaites) ની નીચે એક મોટી બખોલ છે, જ્યાંથી ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં જ ૧૪૦૦ કરોડ ટન બરફ ઓગળી ચુક્યો છે. આ બખોલમાં સમુદ્રનું પાણી જવાના કારણે હિમનદીના ઓગળવાના દરમાં વધારો થવાની પૂરી શક્યતા છે. વૈજ્ઞાનિક માને છે કે આ હિમનદી એટલી મોટી છે કે જો એ પૂરે-પૂરી ઓગળી જાય તો તેના કારણે સમુદ્રની સપાટી ૬૫ સેન્ટિમીટર જેટલી વધી જાય.
અનોખું ઇંધણ
ભવિષ્યમાં ઉલ્કા પર ઉતરનાર અંતરિક્ષયાનનું એક કામ ઉલ્કા પર ખનિજની શોધખોળ કરવાનું રહેશે. આ કામ માટે યાનને ઉલ્કા પર “ચાલવું” પડશે. ઉલ્કા પર યાનને ચલાવવા માટેની એક નવી ટેકનોલોજીની અજમાયશ અમેરિકાની એમ્બ્રી-રીડલ એરોનોટીકલ યુનિવર્સિટી (Ambry-Riddle Aeronautical University)ના વિદ્યાર્થીઓએ કરી હોવાના સમાચાર અંતરિક્ષ સમાચારની વેબસાઇટ સ્પેસ ડેઇલી (Space Daily) પર ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પ્રકાશિત થયા છે. આ ટેકનોલોજી, ઉલ્કા પર થીજી ગયેલા પાણીની વરાળ બનાવી તેનો ઉપયોગ યાનના ઇંધણ રૂપે કરવાનો વિચાર રાખે છે. આ અજમાયશી યાનનો એક રસપ્રદ વિડીયો અહીં જૂઓ.
ઇસરોનું નવું સ-માનવ અંતરિક્ષ ઉડ્ડયન કેન્દ્ર
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (Indian Space Research Organisation) ઇસરોની તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ની યાદી મુજબ સંસ્થાએ સ-માનવ અંતરિક્ષ મિશન માટે જરૂરી અગત્યની ટેકનોલોજી વિકસાવવા માટે એક ખાસ કેન્દ્રની સ્થાપના બેંગલોરમાં કરી છે. ઇસરોના ભૂતપૂર્વ વડા ડૉ. કસ્તુરી રંગને કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. આ અંગેના સમાચાર અંતરિક્ષ સમાચાર વેબસાઇટ સ્પેસ ડેઇલી (Space Daily) પર પ્રકાશિત થયા છે. સમાચારમાં જણાવ્યા અનુસાર ઇસરો સન ૨૦૨૧ સુધીમાં માનવ યાત્રીને અંતરિક્ષમાં મોકલવા માટે પ્રયત્નશીલ છે.
આવર્તન કોષ્ટક (Periodic Table)ના ૧૫૦ વર્ષ
સન ૧૮૬૯માં રશિયન રસાયણશાસ્ત્રી મીત્રી મેન્ડેલીવે (Dmitri Mendeleev ) મૂળભૂત રાસાયણિક તત્વોનું તેમના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરી એક કોષ્ટક બનાવ્યું. આ ક્રાંતિકારી આવર્તન કોષ્ટક રાસાયણિક તત્વની મૂળ રચના સમજવા માટે પાયા રૂપ બની રહ્યું. ઘણા નવા તત્વની શોધ સીધી જ આવર્તન કોષ્ટકને આભારી છે. આવર્તન કોષ્ટકના ૧૫૦ વર્ષની ઉજવણી રૂપે પ્રસિધ્ધ વિજ્ઞાન સામાયિક નેચર (Nature)નો એક ખાસ અંક તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રકાશિત થયો છે. અંકમાં કોષ્ટકના વૈજ્ઞાનિક પાસાની ચર્ચા ઉપરાંત તેની કલા તથા સાહિત્ય પરની અસરની પણ ચર્ચા કરવામાં આવી છે.
પૃથ્વી-ચંદ્ર-પૃથ્વી. યાત્રા, એક પત્થરની
અંતરિક્ષ તથા ખગોળશાસ્ત્રના સમાચાર પ્રકાશિત કરતી વેબસાઇટ યુનિવર્સ ટુડે (Universe Today) પર તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રકાશિત સમાચાર મુજબ ગઇ સદીમાં ચંદ્ર પર ઉતરાણ કરનાર એપોલો-૧૪ના યાત્રી ચંદ્રની માટીના જે નમુના પૃથ્વી પર લઇ આવ્યા હતા તેમાંનો એક નાનો પથ્થર પૃથ્વી પરથી ઉડીને ચંદ્ર પર પહોંચ્યો હોવાની શક્યતા છે. આમતો ચંદ્ર પોતે જ પૃથ્વીની એક મંગળ જેવડા મોટા ગ્રહ, જેનું નામ વૈજ્ઞાનિકોએ થૈઆ (Theia) રાખ્યું છે, તેની સાથેની અથડામણને કારણે બન્યો હોવાનું મનાય છે. પરંતુ ત્યારબાદ પણ પૃથ્વી તથા ચંદ્ર વચ્ચે ઉલ્કાની અથડામણના કારણે અંતરિક્ષમાં ઉછળતા પથ્થરની આપ-લે થતી રહી, ખાસ કરીને જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક હતો.
અમેરિકાનો નર-સંહાર અને લઘુ શીત-યુગ
સન ૧૪૯૨માં ક્રીસ્ટોફર કોલમ્બસે અમેરિકામાં પગ મૂક્યો તે ઘટના ત્યાંના મૂળ નિવાસી માટે તો મહા આફત હતી જ અને તેની વિશ્વ કક્ષાની રાજકીય, સાંસ્કૃતિક તથા આર્થિક અસર આજે ૫૦૦ વર્ષ પછી પણ આપણે અનુભવી રહ્યા છીએ. પરંતુ જો ઇંગ્લેન્ડની પ્રસારણ સંસ્થા બી.બી.સી (BBC) એ તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૧૯એ પ્રકાશિત કરેલા સમાચાર સાચા હોય તો આ ઘટનાની વિશ્વ આબોહવા પર પણ અસર પડી છે. આ સમાચાર મુજબ વિજ્ઞાન સામયિક Quaternary Science Reviews- ક્વાટરનરી સાયન્સ રીવ્યુમાં યુનિવર્સિટી કોલેજ, લંડનના પ્રાધ્યાપકોનો એક શોધ-લેખ પ્રકાશિત થયો છે. આ લેખના તારણ મુજબ આ ઘટનાના કારણે અમેરિકાના મૂળ વતનીઓનો જે નર-સંહાર થયો, તેના કારણે ત્યાંના ખેતર ખેડાયા વગર પડી રહ્યા અને તે ખેતરની જમીન પર ફરી જંગલના વૃક્ષ ઉગી નીકળ્યા. શક્ય છે કે આ વધારાના વૃક્ષોએ વાતાવરણમાંથી એટલો કાર્બન-ડાયોક્સાઇડ વાયુ શોષી લીધો કે સોળમી સદીના ઉત્તરાર્ધ તથા સતરમી સદીના પૂર્વાર્ધમાં પૃથ્વીની સપાટીનું ઉષ્ણતામાન ૦.૧૫ ડિગ્રી સેલ્સીયસ જેટલું ઓછું થઇ ગયું!