સૂર્ય-મંડળનો મહેમાન- ગ્લીસ 710

ગાયા દ્વારા ૨૦,૦૦,૦૦૦ તારાનો નકશો
છબી સૌજન્ય : ESA

પૃથ્વી પાસેથી પસાર થતી નાની મોટી ઉલ્કાના સમાચાર તો લગભગ દરરોજ સાંભળવા મળે છે. આજે વાત કરવી છે એક તારાની, જે ભવિષ્યમાં સૂર્ય-મંડળનો મહેમાન બનવાનો છે! ગઇ તારીખ ૧ સ્પ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે સ્પેસ ડેઇલી (Space Daily) વેબસાઇટ પર યુરોપની અંતરિક્ષ સંસ્થા ઇસા (ESA) ના હવાલાથી એક સમાચાર પ્રકાશિત થયા છે. આ સમાચાર અનુસાર હાલમાં ૬૪ પ્રકાશવર્ષ દૂર રહેલો  ગ્લીસ 710 (Gliese 710) નામનો તારો આજથી લગભગ ૧૧ થી ૧૫ લાખ વર્ષ બાદ સૂર્ય-મંડળથી માત્ર ૭૭ પ્રકાશ-દિવસ જેટલી નજીકથી પસાર થશે. આ સમયે તે સૂર્ય-મંડળના સૌથી બહારના સભ્ય “ઊર્ટ ક્લાઉડ” (Oort cloud) ના નામથી ઓળખાતાં ધૂમક્તુથી ભરેલા પટ્ટાથી પણ વધુ નજીક, અર્થાત્ આપણા સૂર્ય-મંડળની સાવ અંદર આવી જશે.  આ સામે હાલમાં સૂર્ય-મંડળથી  સૌથી નજીકનો તારો પ્રોક્ષીમા સેન્ટુરી (Proxima  Centauri) ૪.૨૫ પ્રકાશ-વર્ષ અર્થાત્ ૧૫૦૦ પ્રકાશ-દિવસથી પણ વધુ દૂર છે.

ગાયા યાન, કલાકારની નજરે
છબી સૌજન્ય : Wikipedia

આ અનુમાન ઇસાના અંતરિક્ષ યાન ગાયા (Gaia)એ મોકલેલી માહિતી પરથી કરવામાં આવ્યું છે. સન ૨૦૧૩માં અંતરિક્ષમાં મૂકાવામાં આવેલ ગાયાનું  નામ મૂળ તો Global Astrometric Interferometer for Astrophysics અર્થાત્ ખગોળ-ભૌતિકશાસ્ર માટેનું વૈશ્વિક ઇન્ટરફેરોમીટર નું ટૂંકુ સ્વરૂપ છે. સમય જતાં ટેકનોલોજી બદલાઈ ગઈ અને યાનમાં  ઇન્ટરફેરોમીટર બેસાડવાનું રદ થયું પરંતુ નામ આદતના જોરે નામ તો ગાયા જ રહ્યું આમ પણ ગાયા ગ્રીક સંસ્કૃતીમાં ભૂ-દેવીનું નામ છે તેથી યાનનું આ નામ સાવ  અસંગત નથી.  ગાયાનો હેતુ આપણી આકાશગંગાના તારાનો ત્રણ પરિમાણ (three dimension- થ્રી ડાયમેન્શન) નકશો તૈયાર કરવાનો છે, જેમાં તારાના આકાશમાં સ્થાન ઉપરાંત તેનું સૂર્ય-મંડળથી અંતર પણ દર્શાવેલું હોય.  આ કાર્ય માટે યાનમાં ખૂબ સંવેદનશીલ તેવા ત્રણ ઉપકરણ મૂકવામાં આવ્યાં છે. પ્રથમ ઉપકરણ અંતરિક્ષ યાનના કક્ષામાં ભ્રમણને કારણે આકાશમાં તારાના સ્થાનમાં થતાં ફેરફારને માપીને તારાનું હાલનું સ્થાન તથા લંબન (Parallax- પેરાલેક્ષ) સિદ્ધાંત વડે તેના અંતરનું અનુમાન કરવાનું છે. બીજું ઉપકરણ તારાનું તેજ, તેનો ચળકાટ (brightness- બ્રાઇટનેસ) માપે છે.  ત્રીજા ઉપકરણ દ્વારા તારાની આપણાથી દૂર જવાની અથવા તેની આપણી નજીક આવવાની ગતિ (radial velocity –રેડીઅલ વેલોસીટી) મપાય છે. યાન અલગ-અલગ સમયે તારાનું આકાશમાં સ્થાન જોઇને તેની આપણી (સૂર્ય-મંડળની) સાપેક્ષમાં ગતિ પણ માપે છે.  યાનના  ત્રણે ઉપકરણ અતિ-સંવેદનશીલ હોવાના કારણે તેને પૃથ્વી પર ઉત્પન્ન

સૂર્ય તથા પૃથ્વીના લાગ્રાનજીયન બિંદુ
છબી સૌજન્ય : Wikipedia

થતી કુદરતી અથવા માનવ-સર્જિત ખલેલ (interference – ઇન્ટરફીઅરન્સ) થી અલગ રાખવાની જરૂર છે. આ કારણથી ગાયાને    પૃથ્વી તથા સુર્યના સંયુક્ત ગૂરૂત્વાકર્ષણ વડે બનેલા લાગ્રાન્જીયન પોઇન્ટ L2 (Lagrangian point L2)  નામ થી ઓળખાતા બિંદુ પર મૂકવામાં આવ્યું છે.   લાગ્રનજીયન પોઇન્ટ L2 ની ખાસિયત એ છે કે ત્યાં રહેલું યાન પૃથ્વીથી સતત ૧૫ લાખ કિલોમીટર દૂર રહીને સૂર્યની  કક્ષામાં ઘૂમે છે. આમ પૃથ્વીથી દૂર એવી સૂર્યની કક્ષામાં હોવા છતાં તેનું પૃથ્વીથી અંતર અચલ રહે છે.

વીકીપેડીયા (Wikipedia) અનુસાર ગાયા યાનનું ધ્યેય કૂલ મળીને ૧૦૦ કરોડ તારા, ગ્રહ, ધૂમકેતુ તથા ઉલ્કા જેવા અવકાશી પિંડ (astronomical objects- એસ્ટ્રોનોમીકલ બ્જેક્ટ્સ) નો અભ્યાસ કરવાનું છે. અત્યાર લગી યાને લગભગ ૨૦,૦૦,૦૦૦ તારાની ગતિનું અનુમાન કર્યું છે. આ માહિતી તથા આકાશગંગામાં સૂર્ય-મંડળની પોતાની ગતિને ધ્યાનમાં લેતાં લગભગ ૧૬ તારા એવા છે કે જે  આવતા ૫૦ લાખ વર્ષમાં સૂર્ય-મંડળથી ૬૦ લાખ કરોડ કિલોમીટર જેટલા નજીકથી પસાર થઇ શકે છે. આ ૧૬ તારા પૈકી ગ્લીસ 710 સૂર્ય-મંડળની સૌથી નજીકથી પસાર થશે.

આ વિડીઓ વિસ લાખ તારાની લગભગ ૧૧ થી ૧૫ લાખ વર્ષની ગતિ દર્શાવે છે. વિડીઓમાં દોરેલી રેખા ગ્લીસ 710નો સંભવિત પથ દર્શાવે છે.

સૌજન્ય : ESA

 

 

આમતો ૧૧ લાખ વર્ષ નો સમય ખૂબ જ દૂર છે તેથી હાલમાં તેના વિષે ચિંતા કરવાનો કોઇ અર્થ નથી પરંતુ એક સ્વાભાવિક પ્રશ્ન આપણા તારક મહેમાનની મુલાકાતની સૂર્ય-મંડળ પર સંભાવિત અસરનો છે.  સૌ પ્રથમ તો નજીક આવવાને કારણે ગ્લીસ 710 એકદમ પ્રકાશિત દેખાશે.  તેની ચમક મંગળ ગ્રહની ચમકથી પણ વધી હશે. બીજી એક અસર નિશ્વિત રૂપે ઊર્ટ ક્લાઉડ  પર થશે.  ગ્લીસ 710 ના ગુરૂત્વાકર્ષણના કારણે તેમાં અંધાધૂંધી ફેલાવાનું નક્કી છે. આ અસરને કારણે ઊર્ટ ક્લાઉડમાં થી છુટા પડી ઘણા ધૂમકેતુ સૂર્ય-મંડળના અંદરના ભાગની યાત્રા પર નીકળી પડશે તથા તેમાના કોઇની પૃથ્વી સાથેની અથડામણની શક્યતા વધી જશે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે માનવ જાત કુદરતી કારણને લીધે નહીં તો  પોતાના કરતૂતોના કારણે ગ્લીસ 710 ની મુલાકાતના ઘણા સમય પહેલા  કમસે-કમ પૃથ્વી પરથી તો નષ્ટ  થઇ જ ચૂકી હશે!

શેર કરો