FRB- એક એલિયન સંકેત?

પાર્કસ વેધશાળા
છબી સૌજન્ય: Wikipedia

ગઇ તારીખ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭થી વિજ્ઞાન જગતમાં –ખાસ કરી ને લોકપ્રિય, લોકભોગ્ય  વિજ્ઞાન સામાયિક તથા વેબસાઇટ પર એક ઉત્તેજના પૂર્ણ સમાચાર પ્રસરી રહ્યાં છે. મૂળ ગુજરાતના તથા હાલમાં યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા, બર્કલી ખાતે કામ કરતા વૈજ્ઞાનિક વિશાલ ગજ્જર તથા તેમના સાથીઓ એ લગભગ ૩૦૦ કરોડ પ્રકાશ-વર્ષ દૂરના તારા-મંડળ (Galaxy- ગેલેક્ષી) માં થી આવતા એવા રેડીઓ સંકેત “સાંભળ્યા” છે; જે ઘણા વૈજ્ઞાનિકોના માનવા મુજબ કદાચ કોઇ વિકસિત સંસ્કૃતીની ઊપજ હોઇ શકે.

વાતની શરૂઆત કંઇક આવી છે. દક્ષિણ-પૂર્વ ઑસ્ટ્રેલિયામાં   પાર્કસ (Parkes)  રેડીઓ વેધશાળા (Radio Observatory)  આવેલી છે, જે પોતાની ૬૪ મીટરના વ્યાસ વાળી એન્ટેના વડે બ્રહ્માંડ માંથી આવતા  રેડીઓ તરંગ વડે ખગોળનો અભ્યાસ કરે છે. આ વેધશાળા પોતાના જૂના અવલોકનનો રેકોર્ડ પણ રાખે છે. સન ૨૦૦૭માં અમેરિકાની વેસ્ટ વર્જીનીયા યુનિવર્સિટી (West Virginia University)ના અધ્યાપક ડન્કન લોરીમર (Duncan Lorimer)તથા તેમના વિદ્યાર્થી સન ૨૦૦૧નો રેકોર્ડ તપાસતા હતાં ત્યારે  જાણવા મળ્યું કે તે વર્ષના જુલાઇ માસની ૨૪ તારીખે એક સંકેત રેકર્ડ થયો, જે ખૂબજ ટૂંકો, સેકન્ડના સોમાં  ભાગથી પણ ટૂંકો હતો. તેના વિશ્લેષણ  પરથી ખગોળશાસ્ત્રીઓ એવા નિરાકરણ પર પહોંચ્યા કે આ સંકેત આપણી આકાશગંગાની બહારથી આવ્યો હતો. આવા ટૂંકા, વિસ્ફોટ સમાન સંકેતને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું “ફાસ્ટ રેડીઓ બર્સ્ટ” (Fast Radio Burst, ટૂંકમાં FRB). ત્યાર બાદ તો આવા બીજા FRB પણ રેકોર્ડમાં જોવા મળ્યા અને સન ૨૦૧૫માં તો એક FRB સંકેત રંગે હાથ પકડાયો, જ્યારે પાર્કસ વેધશાળાએ તેની એન્ટેનામાં સંકેત આવતો હતો ત્યારે જ તેને પકડી પાડ્યો. વૈજ્ઞાનિકોના માનવા મુજબ આ સંકેત ૫૦૦ કરોડ પ્રકાશ-વર્ષથી પણ વધુ દૂરથી આપણા લગી પહોંચ્યો હતો. આપણે આટલે દૂર સંકેત ઝીલી શક્યા તે હકીકત પર થી સંકેતનો સ્ત્રોત કેટલો શક્તિશાળી  હશે તેનો અંદાજ આવી શકે!

 

આવા ટૂંકા, શક્તિશાળી સંકેતનો સ્ત્રોત  શું હોઇ શકે તે વિષે જાત-જાતના અનુમાન થઇ રહ્યા છે. કોઇ પણ FRBની સાથે-સાથે  પાર-જાંબલી (Ultra-violate- અલ્ટ્રા વાયોલેટ), ક્ષ-કિરણ અથવા ગામા- કિરણ જેવા કિરણનો કોઇ સ્ત્રોત દેખાતો નથી તેથી વૈજ્ઞાનિકોની મુશ્કેલી વધી ગઇ. એક શક્યતા ખૂબ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર ધરાવતા, મેગ્નેટાર (Magnetar) તરીકે ઓળખાતા “ન્યુટ્રોન” (Neutron)તારામાં  થી નીકળતા વિકિરણ અથવા પોતાના જ ભાર નીચે અચાનક દબાઇ જતાં ન્યુટ્રોન તારામાં થી નીકળતી ઊર્જા છે. આ મુશ્કેલી ઓછી હોય તેમ જ્યાં સન ૨૦૧૨માં પ્રથમ વાર દેખાયેલ FRB, જેને વૈજ્ઞાનિક 121102 (સન ૨૦૧૨ ના નવેમ્બરની બીજી તારીખ વાળો FRB!) તરીકે ઓળખે છે; આકાશમાં તે જ જગાએ  સન ૨૦૧૫માં ફરી એક FRB દેખાયો. મેગ્નેટોર તથા ન્યુટ્રોન તારા ના દબાઇ જવાથી એક જ જગા એ  થોડા વખત બાદ બીજો FRB દેખાવાની શક્યતા ખૂબ ઓછી છે.  કેટલાક વૈજ્ઞાનિક માને છે કે FRBનો સ્ત્રોત અકુદરતી, કૃત્રિમ હોઇ શકે.  ઉદાહરણ રૂપે, પુસ્તક “Life in the Universe” (લાઇફ ઇન ધી યુનીચર્સ) માં લેખક ડીર્ક શુલ્ઝ –માકુચ (Dirk Schulze-Makuch) તથા લુઇ ઇરવીન (Louise Irwin) ની દલીલ છે કે કુદરતી રીતે ઉત્પન્ન થતાં સંકેત એકદમ નિયમિત હોય, જેવા કે પલ્સાર (Pulsar) નામે ઓળખાતા તારા માં થી મળતા સંકેત, જે નિયમિત રૂપે અમુક સમય બાદ ફરી-ફરી જોવા મળે છે. અથવા તો કુદરતી સંકેત સાવ અનિયમિત હોય, જેમકે  “કોસ્મિક માઇફ્રોવેવ બેકગ્રાઉન્ડ  (Cosmic Microwave Background-  CMB) તરીકે ઓળખાતા, બ્રહ્માંડની ઉત્પત્તિ વખતે જન્મેલ સંકેત. આ સિવાયના સંકેત જે ફરી-ફરી, અનિયમિત સમયના અંતરે મળતા હોય, તે કૃત્રિમ રીતે, કોઇ બુદ્ધિશાળી, ટેકનોલોજીમાં પાવરધી સંસ્કૃતી દ્વારા ઉત્પન્ન થયા હોય તેવી શક્યતા છે.

 

આ બધી ચર્ચા ચાલતી હતી તે દરમ્યાન સન ૨૦૧૫માં મૂળ રશિયાના, હાલમાં અમેરિકામાં રહેતા ધનાઢ્ય યુરી મિલનર (Yuri Milner) તથા વિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકીન્સે (Stephen Hawkins) મળી બ્રહ્માંડમાં બુદ્ધિશાળી જીવનની શોધ (Search for Extraterrestrial Intelligence અથવા SETI) માટે બ્રેકથ્રુ ઇનીશીયેટીવસ (Breakthrough Initiatives) નામના એક પ્રોજેક્ટની શરૂઆત કરી. આ પ્રોજેક્ટના ચાર ભાગ છે. સૂર્ય-મંડળની બહારના ગ્રહની શોધ તથા તેમનો અભ્યાસ, બ્રહ્માંડમાં થી આવતા રેડીઓ તથા લાસર (LASAR) સંકેત નુ વિશ્લેષણ કરી વિકસિત સંસ્કૃતીમાં થી આવતા સંકેતની શોધ, પૃથ્વી પરથી બીજા બ્રહ્માંડ-વાસી ને કેવો સંદેશ, કેવી રીતે મોકલવો તેને લગતું સંશોધન તથા છેલ્લે પ્રકાશ ની ગતિ ના પાંચમા ભાગની ગતિ ( એક સેકન્ડમાં  ૬૦,૦૦૦ કિલોમીટર, એક કલાકમાં ૨૧ કરોડ ૬૦ લાખ કિલોમીટર) થી એક નાના યાન ને આપણા થી ચાર પ્રકાશ-વર્ષ દૂરના તારા, જય (Alfa Centauri – આલ્ફા સેન્ટોરી)  તરફ મોકલવું યાન ૨૦ વર્ષમાં ત્યાં પહોંચી સંદેશ મોકલે, જે આપણને ચાર વર્ષ બાદ મળે.   આ પ્રોજેક્ટના બીજા ભાગ બ્રેકથ્રુ લીસન (Breakthrough Listen)  અંતર્ગત વિશ્વના મોટા રેડીઓ ટેલિસ્કોપ દ્વારા આકાશના બધા ભાગમાંથી મળતા રેડીઓ તરંગનું વિશ્લેષણ કરી તેમાંથી કોઇ વિકસિત સંસ્કૃતી દ્વારા ઉત્પન્ન થતાં તરંગ શોધવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ડો. વિશાલ ગજ્જર પણ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. પ્રોજેક્ટમાં વપરાતા ટેલિસ્કોપ એટલા સંવેદનશીલ છે કે તે આપણી નજીકના ૧૦૦૦ તારા માંથી કોઇ પણ તારા પાસે જો એક નાનું, વિમાનમાં વપરાય છે તેવું રડાર કાર્ય કરતું  હોય તો તેના સંકેત પણ આસાનીથી ઝીલી શકે છે. આ પ્રોજેક્ટનું એક ખાસ નિશાન 121102 FRBના સ્ત્રોત પર છે. તેના પર સતત નજર રાખવાનું ફળ ગયા ઓગસ્ટની ૨૬ તારીખે મળ્યું, જ્યારે પાંચ કલાકના અવલોકનમાં ડો. ગજ્જર તથા તેમના સાથીઓને  121102 માંથી આવતા ૧૫ જેટલા  FRB ૩૦૦ કરોડ પ્રકાશ-વર્ષ દૂર રહેલા તારા-મંડળ માંથી  જોવા (અથવા સાંભળવા!) મળ્યા.  આ ઘટના બાદ  Life in the Universeના લેખક તથા તેમના જેવા બીજા વૈજ્ઞાનિકોની માન્યતા વધુ દૃઢ બની કે FRB કોઇ વિકસિત સંસ્કૃતીની ઊપજ હોઇ શકે. અમેરિકાના હાર્વર્ડ-સ્મીથસોનીયન સેન્ટર ફોર એસ્ટ્રોફીઝીક્સ (Harvard-Smithsonian Center for Astrophysics) ના વૈજ્ઞાનિક એવી લોએબ (Avi Loeb) તથા તેમના સાથી હાર્વર્ડ  યુનિવર્સિટીના મનસ્વી લિંગમે તો આટલે દૂર આવા સંકેત મોકલવા માટે કેટલી ઊર્જા, કેવી ટેકનોલોજીની જરૂર પડે તે વિષેનું અનુમાન પણ બાંધી લીધું. તેમના મત પ્રમાણે પૃથ્વી પર પડતી સૌર-ઊર્જા થી બે ગણી ઊર્જા આ સંકેત મોકલવા માટે પર્યાપ્ત છે. આટલી ઊર્જા ભેગી કરી સંકેત મોકલવા તે આપણી હાલની ટેકનોલોજીની મર્યાદાની બહાર છે પરંતુ આપણાથી વધુ વિકસિત સંસ્કૃતી પાસે આવી ટેકનોલોજીનું હોવું અશક્ય નથી. આપણી પૃથ્વીથી બે ગણા કદના, પાણી વડે ઠંડા કરાતા ટ્રાન્સમીટર દ્વારા આવા સંકેત ઉત્પન્ન થઇ શકે. બીજો પ્રશ્ન એ થાય કે આટલા શક્તિશાળી સંકેત ઉત્પન્ન કરવાનું પ્રયોજન, તેનો હેતુ શું હોઇ શકે. એક શક્યતા મુજબ આ સંકેત તે ખરેખર સંકેત અથવા સંદેશ નહીં પરંતુ મહાકાય અંતરિક્ષયાનના સંચાલન માટે ના ઊર્જા સ્ત્રોત છે. આવા શક્તિશાળી સંકેતના વિદ્યુત-ચુંબકીય તરંગનુ (Electtro-magnetic waves- ઇલેક્ટ્રો-મેગ્નેટિક વેવ્ઝ) દબાણ દસ લાખ ટન વજનના અંતરિક્ષયાનને બ્રહ્માંડની યાત્રા પર મોકલવા માટે પૂરતું થાય. સંજોગવશાત બ્રેકથ્રુ ઇનીશીયેટીવ પણ  આવા જ સિદ્ધાંતનો ઉપયોગ કરી,  લાસરના દબાણ વડે  અંતરિક્ષયાનને નજીકના તારાની યાત્રા પર મોકલવા માગે છે!

 

અલબત્ત આ પહેલા પણ જ્યારે પલ્સાર જેવા વિકિરણના નિયમિત સ્ત્રોત શોધાયા ત્યારે પણ તેઓ કોઇ બુદ્ધિશાળી સંસ્કૃતીની ઊપજ છે તેવું ઘણા વૈજ્ઞાનિક માનતા હતાં અને શક્ય છે કે પલ્સારની માફક FRB પણ કોઇ કુદરતી પ્રક્રિયાનું પરિણામ હોય. વધુ સંશોધન જ આ કોયડાનો ઉકેલ લાવી શકે. આજે પણ ઘણા વૈજ્ઞાનિકના મત અનુસાર  FRB નો સ્ત્રોત કુદરતી છે તેમ માનવા માટે ઘણા કારણ છે.  પરંતુ ડો. વિશાલ ગજ્જરના અવલોકન કદાચ બહારની સંસ્કૃતી તરફથી  મળનાર પ્રથમ સંકેત હોઇ શકે. જો કે આ સંકેત બુદ્ધિશાળી જીવની ઊપજ હોય તો પણ આપણે યાદ રાખવું રહ્યું કે આ સંકેત  ૩૦૦ કરોડ વર્ષ પહેલાના  છે. આ સંકેત જ્યારે તેમની લાંબી યાત્રા પર નીકળ્યા ત્યારે પૃથ્વી પર જીવનની હજુ શરૂઆત થતી હતી. શક્ય છે- ના, લગભગ નક્કી છે- કે અત્યારે, સંકેત આપણને જ્યારે મળ્યા ત્યાં સુધીમાં  તેમને મોકલનાર સંસ્કૃતી વિલય પામી ચૂકી હોય! ગમે તે હોય, એક સંકેત અકુદરતી હોઇ શકે તે શક્યતા જ SETI માટે ઉત્સાહ-પ્રેરક છે!

શેર કરો