હાલમાં અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) સામાન્ય જનતા પાસેથી એક જન્મદિવસ શુભેચ્છા સંદેશાનું ચયન કરવા માટે મત માગી રહી છે. એવો સંદેશ જેને પોતાના અંતિમ પડાવ પર પહોંચતા પહેલા પ્રકાશની ગતિથી ૨૦૦૦ કરોડ કિલોમીટરનું અંતર કાપવા માટે લગભગ ૨૦ કલાક લાગશે! તારીખ ૫ સપ્ટેમ્બર ૧૯૭૭ના દિવસે અમેરિકાના કેપ કાનવેરાલ (Cape Canaveral) – જે એક સમયે કેપ કેનેડી તરીકે ઓળખાતું હતું- પરથી એક અંતરિક્ષ યાન નું પ્રક્ષેપણ (launch- લોન્ચ) થયું, બધા માનવ-સર્જિત યાન પૈકી સૌથી દૂર પહોંચેલ તે યાન અત્યારે ૪૦ વર્ષની મુસાફરી બાદ તે આપણા સૂર્યમંડળની લગભગ બહાર પહોંચી ગયું છે. નાસા આ યાનનો ૪૧મો જન્મ દિવસ ( ૫ સપ્ટેમ્બર ૨૦૧૭) યાનને એક ખાસ સંદેશ મોકલી ઉજવવા માગે છે.
સન ૧૯૬૪માં નાસાની જેટ પ્રપલશન લેબોરેટરી (Jet Propulsion Laboratory) માં કામ કરતા ૩૦ વર્ષના યુવાન એન્જિનિયર ગેરી ફ્લેન્ડ્રો (Gary Flandro) ને સૂર્ય-મંડળના બહારના ગ્રહ (મંગળ થી માંડી નેપ્ચ્યુન અને પ્લુટો સુધીના) ના અભ્યાસ માટે અંતરિક્ષ યાન શી રીતે મોકલી શકાય તે વિષે વિચારવાનું કામ સોંપવામાં આવ્યું. ફ્લેન્ડ્રોએ શોધી કાઢ્યું કે ૧૯૭૦ના દશકના અંત ભાગમાં ગુરુ, શનિ, યુરેનસ તથા નેપચ્યુન ગ્રહ પૃથ્વી તથા એક-બીજા સાથે એવી યુતિ, એવી રચના બનાવશે કે પૃથ્વી પરથી છોડાયેલ અંતરિક્ષ યાન આ બધા ગ્રહના ગુરૂત્વાકર્ષણનો ઉપયોગ કરી એક ગ્રહ થી બીજા ગ્રહ વચ્ચે ઓછા ઇંધણથી યાત્રા કરી શકે. આ તરકીબ ને ગ્રેવીટી આસીસ્ટ (Gravity Assist) કહે છે. તેનું ભાષાંતર કદાચ “ગુરૂત્વાકર્ષણીય મદદ” કરી શકાય. આવો મોકો બીજા ૧૭૫ વર્ષ લગી મળે તેમ નહોતું અને નાસાએ ફ્લેન્ડ્રોના અભ્યાસનો સ્વીકાર કરી યુતિનો લાભ લેવા માટે બે અંતરિક્ષ યાન બહારના ગ્રહોનો અભ્યાસ કરવા મોકલવાની યોજના બનાવી, જેને નામ આપ્યું પ્લેનેટરી ગ્રાન્ડ ટૂર (Planetary Grand Tour) અર્થાત્ “ગ્રહોની ભવ્ય યાત્રા”! વોયેજર-૧ (Voyager-1), જેનો ૪૧મો જન્મદિવસ નાસા ઉજવવા માગે છે તે યોજનાનો ભાગ છે.
૨૦મી સદીના સાતમા તથા આઠમા દશકમાં શનિનો ઉપગ્રહ ટાયટન સૂર્ય-મંડળનો એકમાત્ર ઉપગ્રહ હતો જેના પર વાતાવરણ હોવાની શક્યતા હતી. સ્વાભાવિક રૂપે વૈજ્ઞાનિકોને આ ઉપગ્રહ વિષે જિજ્ઞાસા હતી તેથી તેમણે વોયેજર-૧ને ગુરુ તથા શનિ ગ્રહના અભ્યાસ ઉપરાંત ટાયટનના વાતાવરણ, તેના ઉષ્ણતામાન, તેની ઘનતા વગેરેનો અભ્યાસ કરવાનું સોંપ્યું.
વોયેજર-૧ ના સાથી અંતરિક્ષ યાન વોયેજર-૨નું કાર્ય ગુરુ તથા શનિ ઉપરાંત પ્લુટો (જે તે વખતે એક ગ્રહ ગણાતો હતો) નો અભ્યાસ કરવાનું હતું. વૈજ્ઞાનિકોને ટાયટનમાં રસ ખરો, પરંતુ તેથી વધુ તેમને પ્લુટોમાં રસ હતો તેથી વોયેજર-૨નું પ્રક્ષેપણ વોયેજર-૧ ના પ્રક્ષેપણ ના બે સપ્તાહ પહેલા થયું, જેથી અગર વોયેજર-૨નું પ્રક્ષેપણ અસફળ રહે તો વોયેજર-૧ના પથમાં ફેરફાર કરી તેને ટાયટનના બદલે પ્લુટોનો અભ્યાસ માટે મોકલી શકાય.
આમતો બન્ને યાનનું મુખ્ય કાર્ય સન ૧૯૮૦ની આસપાસ પુરું થઇ જવાનું હતું પરંતુ યાનના પથ તથા ગતિનું આયોજન એવું હતું કે યાન સૂર્ય-મંડળની બહાર નીકળી જાય. આ આયોજનનો લાભ લઇને વૈજ્ઞાનિકો તથા ઇજનેરોએ સૂર્ય-મંડળના છેક છેવાડા, તથા તેનાથી પણ આગળ, આંતર-તારક (interstellar – ઇન્ટરસ્ટેલાર) અંતરિક્ષ અર્થાત્ બે તારાની વચ્ચેની જગ્યાનો અભ્યાસ કરવા માટે યાનના ઉપકરણ સન ૨૦૨૫ લગી ચાલે તથા પૃથ્વીના સંપર્કમાં રહે તેવા બનાવ્યા. સન ૨૦૨૫માં ઉપકરણ તથા યાનને ઊર્જા આપતાં કિરણોત્સર્ગી (radioactive – રેડીઓએક્ટિવ) જનરેટર કાર્ય કરતા બંધ થાય ત્યાર બાદ પણ યાનની યાત્રા તો સતત ચાલુ રહેશે. શક્ય છે કે બીજા કોઇ સૂર્ય-મંડળનો કોઇક ગ્રહ પર માનવ જેવી કોઇ સુવિકસિત સંસ્કૃતિને આ યાન મળે. આવી શક્યતાને ધ્યાનમાં રાખીને નાસાએ બન્ને યાનમાં એક-એક સોનાની બનેલી ગ્રામોફોન રેકોર્ડ મૂકી (આ વાત ડીવીડી, સીડી કે કેસેટના જમાના પહેલાની છે!).
પૃથ્વી તથા માનવ જાત વિષે સમજ આપતી આ રેકોર્ડની રચનાનું કાર્ય વિખ્યાત વૈજ્ઞાનિક તથા ખૂબ લોકપ્રિય પુસ્તક તથા ટીવી સીરીયલ “કોસમોસ” (Cosmos) ના સર્જક કાર્લ સાગાન (Carl Sagan) ની આગેવાની હેઠળ થયું. આ રેકોર્ડમાં આપણા સૂર્ય-મંડળની છબી ઉપરાંત પૃથ્વીની વનસ્પતિ તથા જીવની છબી તથા તેમના અવાજનું રેકોર્ડીંગ (વ્હેલ ના અવાજ સાથે), કુદરતી ઘટના જેવી કે સાગરની લહેરો, પવનના સૂસવાટા, વિશ્વની ૫૫ ભાષા (જેમાં આપણી હિંદી તથા બંગાળી ભાષા પણ સામેલ છે) માં શાંતિ તથા શુભેચ્છાના સંદેશ તથા વિશ્વના સંગીતના નમૂના પણ મૂક્યા. સુશ્રી કેસર બાઈ કેરકરનું ગાયેલ હિંદુસ્તાની સંગીત પણ આમાં સામેલ છે. ઉપરાંત રેકોર્ડ પર એક ચિત્ર દોરી આપણી આકાશગંગાના ૧૪ પલ્સારની સાપેક્ષમાં સૂર્ય-મંડળનું સ્થાન દર્શાવામાં આવ્યું અને હાઈડ્રોજન પરમાણુના વિકિરણના આવર્તન (frequency- ફ્રીક્વન્સી) દ્વારા માનવ દ્વારા રેકોર્ડમાં વપરાયેલા સમયના માપ નો અંદાજ પણ આપવામાં આવ્યો. ટૂંકમાં કહીએ તો રેકોર્ડ પૃથ્વી નું બ્રહ્માંડમાં સ્થાન, તેના પરની કુદરત, તેની જીવસૃષ્ટિ તથા માનવ સંસ્કૃતિની ઝલક આપે છે. રેકોર્ડની સાથે તેને વગાડવા જરૂરી કાર્ટ્રીજ તથા સૂચના પણ મૂકી- સૂચના અલબત્ત સાંકેતિક ભાષામાં મૂકવામાં આવી.
સારા નસીબે વોયેજર-૨નું પ્રક્ષેપણ સફળ રહ્યું અને વોયેજર-૧ તેના મૂળ કાર્યક્રમ મુજબ ૫ સપ્ટેમ્બર ૧૯૭૭ના રોજ લાંબી યાત્રા પર નીકળી પડ્યું અને ત્રણ માસમાં તો તે વોયેજર-૨ની આગળ નીકળી ગયું. સન ૧૯૭૯ના જાન્યુઆરી થી શરૂ કરી એપ્રિલ માસ લગી ગુરુ ગ્રહનો અભ્યાસ કરી, તેના ગુરૂત્વાકર્ષણનો લાભ લઇ, પોતાની ગતિ વધારી શનિ ગ્રહ તરફ ચાલતું થયું. ગુરુ ના ઉપગ્રહ આયો (Io) પરના જ્વાળામુખી ની શોધ વોયેજર-૧ની મોટી ઉપલબ્ધિ રહી. સન ૧૯૮૦ના અંત ભાગમાં વોયેજર-૧ શનિ ગ્રહ પાસે પહોંચી ગયું તેણે શનિ ગ્રહ તથા તેના ઉપગ્રહ ટાયટનના વાતાવરણનો અભ્યાસ તો કર્યો જ, સાથે—સાથે યાનની કક્ષાના ઝીણવટ ભર્યા અવલોકન દ્વારા વૈજ્ઞાનિકો ટાયટનના વજનનું અનુમાન પણ કરી શક્યા! યાનનું મુખ્ય કાર્ય આ રીતે સન ૧૯૮૧ની શરૂઆતમાં પૂર્ણ થઇ ગયું. ટાયટનના અભ્યાસ માટે યાનનો પથ શનિ ગ્રહના દક્ષિણ ધ્રુવ પરથી પસાર થઇ યાનને સૂર્ય-મંડળના ગ્રહોની કક્ષા (orbit- ઓરબીટ) જે સમતલ, જે સપાટી (plane- પ્લેઇન) બનાવે છે; જે ઇક્લીપ્ટિક (Ecliptic) તરીકે ઓળખાય છે, તેની બહાર લઇ ગયો. આને કારણે યાન માનો સૂર્ય-મંડળને તેની “ઉપર”થી જોઇ શક્યું અને સન ૧૯૯૦ના ફેબ્રુઆરી માસની ૧૪મી તારીખે વોયેજર-૧ના કેમેરાએ સૂર્યથી ૬૦૦ કરોડ કિલોમીટર દૂરથી, સૂર્ય-મંડળની ઉપર, બહાર ઉભા રહી એક જગ્યાએ થી બધા ગ્રહોની છબી લીધી, જે વિજ્ઞાન જગતમાં સૂર્ય-મંડળની “કુટુંબ છબી” (family portrait- ફેમીલી પ્રોટ્રેઇટ) તરીકે પ્રસિદ્ધ થઇ. આ છબીમાં નાના વાદળી રંગના ટપકા જેવી દેખાતી પૃથ્વી માનવ જાતને વિશાળ બ્રહ્માંડમાં આપણા ગ્રહની અને આપણી પોતાની પામરતાનું ભાન કરાવે છે. આ છબી વોયેજર-૧ના કેમેરાની આખરી છબી હતી, કેમ કે યાનમાં ઉત્પન્ન થતી વિજળી ધીમે-ધીમે ઓછી થતી હતી તેથી વીજળી બચાવવા ઇજનેરોએ કેમેરા બંધ કરી દીધો.
ત્યારબાદ વોયેજર-૧ સૂર્ય-મંડળ ના બહારના ભાગમાં સૂર્યના ચુંબકીય ક્ષેત્ર તથા વીજ-ભાર ધરાવતા કણનો (charged particle- ચાર્જડ પાર્ટીકલ) અભ્યાસ કરતાં-કરતાં સન ૨૦૧૨માં વૈજ્ઞાનિક જેને સૂર્ય-મંડળના વાતાવરણ- તેના ચુંબકીય ક્ષેત્ર તથા જેને સૌર-વાયુ કહે છે તે, સૂર્યમાંથી નીકળતા વીજ-ભાર ધરાવતા કણના પ્રવાહની અસર- ની હદ માને છે તેને પાર કરી ગયું. તે સમયે યાનનું સૂર્યથી અંતર ૧૮૧૦ કરોડ કિલોમીટર હતું. તથા તેની સૂર્યની સાપેક્ષમાં ગતિ સેકન્ડના ૧૭ કિલોમીટર હતી હવે યાનની આસપાસનું વાતાવરણ બે તારાની વચ્ચેની જગા પર હોય, લગભગ તેવું છે. સૂર્ય થી આટલે દૂર પહોંચ્યા પછી પણ યાન સૂર્ય-મંડળની બહાર નથી. સુર્ય-મંડળનો એક લઘુ ગ્રહ સર્ના (Sedna) નું સૂર્યથી અંતર, જ્યારે તે સૌથી વધુ દૂર હોય ત્યારે લગભગ ૧૪,૦૦૦ કરોડ કિલોમીટર હોય છે અને ખગોળશાસ્ત્રીના માનવા મુજબ તેનાથી પણ ૫૦ ગણા અંતરે કરોડો નાના પીંડનુ એક મોટું વાદળ- જેને તેના શોધકના નામ પરથી “ઊર્ટ વાદળ” (Oort Cloud) તરીકે ઓળખવામાં આવે છે – સૂર્યની આસપાસ ફર્યા કરે છે જેમાં થી કેટલાક ધૂમકેતુ સ્વરૂપે આપણી તથા સૂર્યની નજીક આંટો મારી જાય છે. વોયેજર-૧ને આ જગાએ પહોંચતા સેંકડો વર્ષ લાગી જશે અને આપણી સૌથી નજીકનાં તારા જેટલા અંતરે પહોંચતા તો હજારો! સન ૨૦૨૫ની આસપાસ યાનમાં વીજળી ઉત્પન્ન થતી બંધ થશે અને યાનનો પૃથ્વી સાથેનો સંપર્ક હંમેશ માટે કપાઇ જશે પરંતુ તે માનવ જાતના સંદેશ-વાહક તરીકે બ્રહ્માંડમાં વિચરતું રહેશે સિવાય કે તેની અથડામણ કોઇ ખગોળીય પિંડ સાથે થાય અથવા તો આપણે આશા રાખીએ છીએ તેમ યાન કોઇ વિકસિત સંસ્કૃતીના હાથમાં આવે અને તેઓ આપણે સંદેશ વાંચી આપણા વંશજોનો સંપર્ક કરે.
હાલ તુરત તો નાસા સામન્ય જનતા પાસેથી મળેલા વિવિધ સંદેશામાંથી પસંદ કરેલો ૬૦ અક્ષરનો એક સંદેશ તારીખ ૫ સપ્ટેમ્બરે યાનને મોકલશે. આટલો નાનો સંદેશો મોકલતા નાસાને કદાચ અરધી મીનીટ જેટલો સમય લાગશે અને તેને યાન લગી પહોંચતા બીજા ૨૦ કલાક! જોઇએ કોનો સંદેશ આ ૨,૦૦૦ કરોડ કિલોમીટરની યાત્રા માટે પસંદ થાય છે!