મહાકાય હિમખંડ

સહ લેખક : શ્રી સી. એમ. નાગરાણી

લારસન-સી તૂટવાની ઘટના
ઇસાના સેન્ટીનલ ઉપગ્રહની નજરે
છબી સૌજન્ય : ESA

ઈંગ્લેન્ડનું ન્યુ સાયન્ટીસ્ટ (New Scientist) સામાયિક હોય કે અમેરિકાનું સાયન્ટીફીક અમેરિકન (Scientific American), યુરોપની અંતરિક્ષ સંસ્થા ઇસા (ESA) હોય કે અમેરિકાની નાસા (NASA) . ગઇ બારમી જુલાઇએ બધાએ પૃથ્વીની છેક દક્ષિણમાં બની રહેલી એક મહત્વની ઘટના પર સમાચાર પ્રકાશિત કર્યા. જુલાઇ ૨૦૧૭ ની ૧૦મી તારીખે પશ્ચિમ એન્ટાર્કટીર્કા  (Antarctica) ખંડના એન્ટાર્ટીક (Antarctic) દ્વીપકલ્પના પૂર્વ છેડેથી “લારસન સી” (Larsen C) નામની બરફની વિશાળ છાજલી (Ice Shelf- આઇસ શેલ્ફ) નો એક મહાકાય ટુકડો છૂટો પડી હિમખંડ (Iceberg – આઇસબર્ગ) બની ગયો! લગભગ ૫,૮૦૦ વર્ગ કિલોમીટરનું  ક્ષેત્રફળ તથા  ૩૫૦ મીટરની ઊંચાઇ ધરાવતો આ હિમખંડ કુતુબ મીનાર કરતાં ચાર ગણો ઊંચો છે તથા તેનું ક્ષેત્રફળ ભારતના ગોવા રાજ્યના ક્ષેત્રફળ કરતાં દોઢગણુ છે. આ હિમખંડ, જેને A68 નામ અપાયું છે તે  અત્યાર સુધી જોવા મળેલ હિમ-ખંડ પૈકી બીજા ક્રમ નો મોટો હિમ-ખંડ છે.

દક્ષિણ ધ્રુવને આવરી લેતો, એન્ટાર્કટીક વર્તુળ (૬૬.૫ દક્ષિણ અક્ષાંશ) ની દક્ષિણ દિશામાં સમાઇ જતો એન્ટાર્કટીકા ખંડ વિશ્વના સાત ખંડોમાં એક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે. ૧૪ કરોડ વર્ગ કિલોમીટર નો વિસ્તાર ધરાવતો આ ખંડ હમેશાં દોઢ કિલોમીટર જાડા બરફના  થરથી છવાયેલો રહે છે. પૃથ્વી પરના મીઠા પાણીનો ૬૦% ભાગ બરફના આ થરમાં સંઘરાયેલો છે.  માનવીય સંસ્કૃતિનું અસ્તિત્વ તો દૂર રહ્યું, આજ થી લગભગ ૨૦૦ વર્ષ પહેલાં સુધી તો માનવજાતનું ધ્યાન પણ આ ખંડ પર નહોતું ગયું! સૌ પ્રથમ રશિયાના સાહસિકોએ સન ૧૮૨૦માં આ ખંડના દર્શન કર્યા. ત્યાર બાદ લગભગ ૭૫ વર્ષ સુધી ખંડ ઇતિહાસના પાનાઓ મા દબાયેલ રહ્યો. છેવટે સન ૧૮૯૫માં નોર્વે દેશની ટીમે ત્યાં પહેલું પદાર્પણ કર્યું.

મૂળ રૂપે આ ખંડ પર માનવજાતનું કોઇ અસ્તિત્વ હતું જ નહિ. તેથી સાહસિક દેશોમાં “મારે તેની તલવાર” જેવો ઘાટ પેદા થાય એવી પરિસ્થિતિ સર્જાઈ. છેવટે બાર જેટલા દેશો એ ભેગા મળી સન ૧૯૫૯ માં “એન્ટાર્કટીક ટ્રીટી સિસ્ટમ” ના નામે સંધિ કરાર કર્યા, જેમાં ૬૦ દક્ષિણ અક્ષાંશની દક્ષિણના પૂરા પ્રદેશનો ઉપયોગ માત્ર શાંતિમય હેતુ માટેના સંશોધન માટે જ કરી શકાય તેવું નક્કી થયું. પાછળ થી આ સંધિમાં ૩૮ વધુ દેશ જોડાયા. ભારત પણ તેમાં સન ૧૯૮૩ થી ભાગીદાર થયું છે.

વિશ્વના વિવિધ દેશોના લગભગ ૪૦૦૦ વૈજ્ઞાનિક પોતાનો ચોકો જમાવીને ભૌગોલિક તથા બીજા અનેક વૈજ્ઞાનિક સંશોધન કરતા રહે છે. ભારતની વાત કરીએ તો છેલ્લે જાન્યુઆરી ૨૦૧૭માં આપણા ૩૬મા સંશોધન અભિયાન (expedition) માં ઇસરોની ચાર ટીમે પણ વિવિધ વૈજ્ઞાનિક સંશોધનમાં ફાળો આપ્યો.

પરંતુ અહીં મૂળ વાત તો કરવાની છે એન્ટાર્કટીકાની બરફ ની છાજલીની. પૃથ્વીનો લગભગ ૯૦% બરફ એન્ટાર્કટીકામાં   સંઘરાયેલો છે. આ બરફ ખંડની જમીન પર તથા સમુદ્રમાં છાજલી રૂપે ફેલાઈને લગભગ દોઢ કિલોમીટર જેટલું જાડું થર બનાવે છે. એન્ટાર્કટીકા ખંડના પશ્ચિમ ભાગમાં બેલીંગશાઉઝન (Bellingshausen) સમુદ્ર અને વેડ્ડેલ (Weddel) સમુદ્ર વચ્ચેથી મગરમચ્છની પૂંછડીની જેમ બહાર આવેલો એન્ટાર્કટીક દ્વીપકલ્પ (Peninsula – પેનિન્સુલા) ના નામે ઓળખાતો વિસ્તાર તેની બરફની છાજલીઓમાં થતી ઉથલપાથલ માટે ખૂબ જ ચર્ચામાં છે.

એન્ટાર્કટીક દ્વીપકલ્પ
છબી સૌજન્ય: Wikipedia

વેડ્ડેલ સમુદ્રની પશ્ચિમે આ દ્વીપકલ્પના પૂર્વ તટ પર “લારસન” (Larsen) નામનું બરફની છાજલીઓનું એક ખૂબજ જાડું થર ફેલાયેલું છે. ઉત્તરથી દક્ષિણ તરફ ફેલાયેલો આ સાત છાજલીનો સમુહ “લારસન એ” થી માંડી “લારસન જી” ના નામ થી ઓળખાય છે, જેમાં “લારસન સી” છાજલી સૌથી મોટી છે. આ બધી છાજલીનો વિસ્તાર કૂલ મળી ને ૭૮,૦૦૦ વર્ગ કિલોમીટર છે. આ છાજલી છેલ્લા ૧૦,૦૦૦ વર્ષથી સમુદ્રમાં સ્થિર હતી પરંતુ સન ૧૯૯૦ના દશકના મધ્યભાગથી આ છાજલીમાં થી હિમખંડ છૂટા પડવા લાગ્યા હતા. “લારસન એ” સન ૧૯૯૫માં છૂટું પડીને વિખરાઈ ગયું. સન ૨૦૦૨માં “લારસન બી” નો ઘણો-ખરો ભાગ હિમખંડ રૂપે જુદો પડી ગયો. આ વર્ષના જુલાઇ માસની શરૂઆત માં જ એક મહા-હિમખંડ છૂટો પડવાની શરૂઆત થઇ ગઈ. ખૂબ જ મોટો આ હિમખંડ જુલાઇની દસમી તારીખની આસપાસ પૂરે- પૂરો છૂટો થઇ ગયો..

“લારસન સી” ની તૂટવાની પ્રક્રિયાતો સન ૨૦૧૬ ના મધ્યથી જ શરૂ થઇ ગઈ હતી. તે વર્ષના નવેમ્બર માસ માં વૈજ્ઞાનિકો ઉપગ્રહ તથા વિમાન દ્વારા લેવાયેલ તસ્વીરોનો અભ્યાસ  કરી એનું તારણ કાઢ્યું હતું કે “લારસન સી” માં એક ૫૦૦ મીટર ઊંડી તિરાડ પડી છે, જે ૧૧૦ કિલોમીટર લાંબી તથા ૯૦ મીટરથી વધુ  પહોળી છે. સન ૨૦૧૬ ના ડીસેમ્બર માસ માં આ તિરાડ ૨૧ કિલોમીટર વધારે લાંબી થઇ ગઈ હતી ! ત્યારે “લારસન સી” નો આ હિમખંડ માત્ર ૨૦ કિલોમીટર ની લંબાઇ પૂરતો  જ માતૃ-છાજલી સાથે જોડાયેલો રહ્યો હતો. જૂન ૨૦૧૭ ના માસ માં હિમખંડ છૂટો પડવાની પ્રક્રિયા ખૂબજ ઝડપી થઇ ગઈ અને આ હિમખંડ દરરોજ ૧૦ મીટર જેટલો ખસવા લાગ્યો.   છેવટે યુરોપની  ઇસા એ પોતાના સેન્ટીનલ-૧ નામના રડાર ઉપગ્રહની મદદ વડે લેવાયેલ તસ્વીરોથી ૧૨મી જુલાઈ ૨૦૧૭ ના રોજ એવું પ્રતિપાદિત કર્યું  કે ૫,૮૦૦ વર્ગ કિલોમીટરનો હિમખંડ જુદો પડી ગયો છે.

આ ઘટના સ્વાભાવિક રીતે બે પ્રશ્ન ઊભા કરે છે. આવડા મોટા હિમખંડનું છૂટા પડવાનું કારણ શું હોઇ શકે તથા ભવિષ્યમાં તેની અસર શું થઇ શકે.

વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ભૂતકાળમાં  એન્ટાર્કટીકા ખંડમાં થી હિમખંડ છૂટા પડતા આવ્યા છે વળી  ઉત્તર ધ્રુવ ની સરખામણીમાં દક્ષિણ ધ્રુવ પર “ગ્લોબલ વોર્મીંગ” (Global Warming) અર્થાત્ પૃથ્વીના તાપમાનમાં  વૈશ્વિક વધારાની અસર ઓછી છે. તેથી પ્રાથમિક દ્રષ્ટીએ આ A68 ના છૂટા પડવાની ઘટના ખૂબ અસામાન્ય નથી.  સાથે-સાથે એ પણ સાચું છે કે આખા  એન્ટાર્કટીકા ખંડમાં બીજા સ્થળની સરખામણીમાં એન્ટાર્કટીક દ્વીપકલ્પ વધુ ઝડપથી ગરમ થઇ રહ્યો છે, તેથી આ ઘટનામાં “ગ્લોબલ વોર્મીંગ” નો કોઇ ફાળો નથી તેમ કહેવું થોડું વહેલું છે.

A68ના છૂટા પડવાની કોઇ મોટી અસર નજીક ના ભવિષ્યમાં થાય તેવી શક્યતા નથી અત્યારે તો એ  આજુબાજુના વિસ્તારમાં જ સુસ્ત થઈ પડી રહ્યો છે. શક્ય છે કે એ ઉત્તર દિશામાં ખસવા લાગે તથા છૂટા-છૂટા ટૂકડા માં વહેંચાઇ જાય. આવું થાય એ ત્યાંથી પસાર થતાં જહાજો માટે આફત રૂપ બની જાય. આથી તેના પર ચાંપતી નજર રાખવી પડશે.

આવી ઘટનાની એક લાંબા સમય ની અસર પણ છે. સમુદ્રમાં તરતી લારસન-સી જેવી હિમ-છાજલી પોતાની  પાછળ, જમીન પરથી વહેતી  હિમનદી (Glacier –  ગ્લેસીયર) ને ટેકો આપે છે, તેમના બરફને સીધો સમુદ્રમાં પડતો રોકે છે. A68 જેવા વધુ હિમખંડ છૂટા પડી જો છાજલીને કમજોર કરી દે તો હિમનદી નો બરફ સમુદ્રમાં પડી ઓગળી જાય તથા સમુદ્રના સ્તર (sea level- સી લેવલ) ને વધારવામાં ફાળો આપે. જેના બરફના પીગળવાથી સમુદ્રના સ્તરમાં ૧૦ મીટરનો વધારો થઇ શકે, તેવા ખંડમાં થતી આવી ઘટના વૈજ્ઞાનિકોને ચિંતા કરાવે તે સ્વાભાવિક છે!

તાજા કલમ (૭ ઓક્ટોબર ૨૦૧૭) : યુરોપની અંતરિક્ષ સંસ્થા ઇસા એ લાર્સન હિમ- છાજલી ની કોપરનિકસ- સેન્ટીનલ ઉપગ્રહે લીધેલી એક છબી પ્રકાશિત કરી છે. ૨૫ સપ્ટેમ્બરે લીધેલી આ છબી મુજબ A68 હિમખંડ લગભગ ૩ માસ પછી હજુ પણ હિમ-છાજલીની પાસે જ છે, જો કે ઇસા ના કહેવા મુજબ ત્યાર બાદ લેવાયેલ છબીમાં હિમ-ખંડ છાજલીથી થોડો દૂર ખસેલો દેખાય છે.

શેર કરો