હૃદયના સ્ટેન્ટનો નવો ઉપયોગ

સ્ટેન્ટ્રોડ
છબી સૌજન્ય : યુનીવર્સીટી ઑફ મેલબોર્ન
Credit : The University of Melbourne

લકવા જેવા મગજ તથા કરોડરજ્જુના રોગના દર્દી મગજના આદેશ પ્રમાણે શરીરના અવયવનું હલન-ચલન કરી શકતાં નથી. આવા દર્દીની મદદ માટે ઘણા સમયથી ઇજનેરો કૃત્રિમ અવયવ, જેને બાયોનિક-એક્ષોસ્કીલેટોન (Bionic Exoskeleton)   કહે છે, તેનો વિકાસ કરી રહ્યા છે. અમેરિકાની એક કંપની તો આવા અવયવ વેચે પણ છે. બાયોનિક-એક્ષોસ્કીલેટોન મગજ માં ઉદ્- ભવતા  વીજ-સંકેત (electrical signals- ઇલ્ક્ટ્રિકલ સીગ્નલ્સ) ને અનુસરે છે. અર્થાત્ માણસના મનમાં ચાલતા વિચાર માત્ર થી કૃત્રિમ અવયવ નું સંચાલન થાય. પરંતુ મગજના સંકેત ઝીલવા શી રીતે?  એક રીત છે સંકેત ઝીલવા માટેના ઇલેક્ટ્રોડ (Electrode) ખોપરી પર, શરીર ની બહાર  લગવવાની. આ રીત નો મોટો ફાયદો એ છે કે તેમાં  શરીર પર કોઇ કાપ-કૂપની જરૂર પડતી નથી. આ સામે વચ્ચે ખોપરી આવવાના કારણે સંકેત ની તીવ્રતા ઓછી થઇ જાય છે.  ખોપરીની અંદર, ઇલેક્ટ્રોડ મગજમાં સીધા લગાવી શકાય. આ રીત માં સંકેત તો સારા મળે પરંતુ ઇલેક્ટ્રોડ ગોઠવવા માટે વાઢકાપની જરૂર પડે ઉપરાંત મગજ ઇલેક્ટ્રોડને બહાર ની વસ્તુ ગણી તેનો ઘા ભરવા પેશી નુ એવું આવરણ બનાવી દે કે ઇલેક્ટ્રોડ કાર્ય કરવાનં બંધ કરી દે. આમ અત્યારની ટેકનોલોજી પ્રમણે બાયોનિક-એક્ષોસ્કીલેટોન બહુ ભરોસાપાત્ર નથી.

“ન્યુ સાયન્ટીસ્ટ” (New Scientist) સામાયિકની ૨૦ મે, ૨૦૧૭ ની આંતર-રાષ્ટ્રીય આવૃત્તિમાં પ્રકાશિત સમાચાર મુજબ આ પ્રશ્ન નો ઉકેલ કદાચ શક્ય છે.  ઑસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનીવર્સીટીના ડૉ થોમસ ઓક્ષલીની આગેવાની હેઠળ એક ટીમે   હૃદયરોગના નિવારણ માટે હૃદય પર ની રક્તવાહિનીને પહોળી કરવા વપરાતી ધાતુની જાળી વડે બનેલી નળી, જેને સ્ટેન્ટ (Stent) કહે છે, તેમાં ઇલેક્ટ્રોડ બેસાડી, તેને એક ઘેટાના મગજ ની રક્તવાહિનીમાં ગરદનના રસ્તે  ગોઠવીને મગજના સંકેત ઝીલ્યા, મગજ પર કોઇ જ વાઢકાપ વગર! મગજની ખૂબ પાસે હોવાનો કારણે સંકેત સારા એવા સ્પષ્ટ હતાં.  સાથે જ, મગજને તો જાણે સ્ટેન્ટ બેસાડવાની ખબર જ ન પડી!. તેથી તેની કોઇ આડ-અસર જોવા ન મળી.  ઇલેક્ટ્રોડ  સાથેના આ સ્ટેન્ટનું નામ અપાયું Stentrode – સ્ટેન્ટ્રોડ. ડૉ ઓક્ષલીનું આ સંશોધન અમેરિકાની સંરક્ષણ સંશોધન સંસ્થા DARPA  ની આર્થિક મદદ નીચે થયું હતું.. સંશોધનનો અહેવાલ સન ૨૦૧૬ ના ફેબ્રુઆરી માસમાં  નેચર બાયોટેકનોલોજી (Nature Biotechnology) સામાયિકમાં પ્રકાશિત થયો હતો.

ઘેટા પર સફળ પ્રયોગ પછી ડૉ.  ઓક્ષલીની ટીમ હવે સ્ટેન્ટ્રોડનો પ્રયોગ માનવ દર્દી પર કરવા તૈયાર થઇ રહી છે. આવતા વર્ષે સ્ટેન્ટ્રોડને પાંચ દર્દી ના મગજ માં ગોઠવવામાં આવશે. સ્ટેન્ટ્રોડને ખૂબ પાતળા વાયર વડે દર્દી ની છાતી ની અંદર લાગેલા એક ઉપકરણ સાથે જોડવામાં આવશે. આ ઉપકરણ રેડિયો તરંગ વડે મગજ ના સંકેત શરીર ની બહાર મોકલશે. દર્દી  શરીરના અવયવના હલન-ચલનના વિચાર કરે ત્યારે ઉત્પન્ન થતાં સંકેતનો કમ્પ્યુટર દ્વારા અભ્યાસ કરી તેને કૃત્રિમ અવયવ માટેના આદેશમાં શી રીતે ફેરવી શકાય તે બાબતનું સંશોધન કરાશે. છેવટે સ્ટેન્ટ્રોડમાં થી મળતા સંકેતનો ઉપયોગ  એક્ષોસ્કીલેટોનનું સંચાલન કરવા માટે થશે. આમ જો આ સંશોધન સફળ થાય તો  મગજ પર કોઇ વાઢકાપ કર્યો વગર જ માત્ર વિચાર દ્વારા કૃત્રિમ અવયવનું સંચાલન શક્ય બનશે.  વૈજ્ઞાનિકોના માનવા મુજબ સ્ટેન્ટ્રોડ ખૂબ જ  આશાસ્પદ ટેકનોલોજી છે પરંતુ તેમાં આગળ ઘણું કાર્ય કરવાનું બાકી છે.

શેર કરો