ઇસરો નું નવું રોકેટ

લેખક : શ્રી સી. એમ. નાગરાણી

 

GSLV-Mk-III કલાકાર ની નજરે
છબી સૌજન્ય : Wikipedia en:User:Johnxxx9

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (Indian Space Research Organisation- ISRO ), જે ટૂંક માં ઇસરો તરીકે ઓળખાય છે, તેના સૌ થી શક્તિશાળી રોકેટ GSLV-Mk-III નું પ્રથમ ઉડ્ડયન જૂન માસ ના પહેલા સપ્તાહ માં નિર્ધારિત કરવા માં આવ્યું છે. ઇસરો આ ઉડાન ને ચકાસણી માટે ની, ડેવલપમેન્ટલ (developmental ) ઉડાન ગણે છે. પોતાની પહેલી  ઉડાન માં રોકેટ પોતાની સાથે ૩.૨ ટન વજન નો GSAT-19 નામ નો સંદેશા-વ્યવહાર માટે નો ઉપગ્રહ લઇ જશે. ઇસરો એ ઉપગ્રહ સાથે ના રોકેટ ના આ મીશન નું નામ GSLV-Mk-III-D1/GSAT-19 રાખ્યું છે, D1 અર્થાત્ ચકાસણી માટે ની પ્રથમ ઉડાન.

વિશ્વ ના મોટા ભાગ ના ઉપગ્રહ પૃથ્વી ની સપાટી થી ૩૬,૦૦૦ કિલોમીટર ઊંચે ની ગોળ, વિષુવવૃત્તીય   કક્ષા માં મૂકવા માં આવે છે. આ કક્ષા ને ભૂ-સ્થિર (Geo-stationary – જીઓ-સ્ટેશનરી ) કક્ષા કહે છે, કારણ કે આ કક્ષા માં ફરતાં ઉપગ્રહ પૃથ્વી પર થી જોતાં સ્થિર દેખાય છે. ઉપગ્રહ ને ભૂ-સ્થિર કક્ષા માં પહોંચાડવા માટે રોકેટ તેને પહેલા લંબગોળ કક્ષા માં મૂકે છે, જેમાં ઉપગ્રહ ની સૌ થી ઓછી ઊંચાઇ આશરે ૨૦૦  કિ.મી  તથા સૌથી વધુ ૩૬,૦૦૦ કિ.મી  ની હોય છે. આ કક્ષા ને જીઓ-સ્ટેશનરી ટ્રાન્સફર કક્ષા ( Geo-stationary Transfer Orbit) અથવા GTO કહે છે. રોકેટ ની શક્તિ નો એક માપદંડ તે GTO  માં કેટલા વજન નો ઉપગ્રહ મુકી શકે તે છે. હાલ માં GLSV-Mk-II ઇસરો નું સૌથી વધુ શક્તિશાળી રોકેટ છે, જે ૨ ટન (૨,૦૦૦ કિલોગ્રામ) થી વધુ વજન ના ઉપગ્રહ ને GTO માં મૂકી શકે છે. આની સામે GSLV-Mk-III ચાર  ટન વજન ના ઉપગ્રહ ને GTO માં મૂકવા સક્ષમ છે. હાલ માં ઇસરો ના બે ટન થી બધુ વજન ના ઉપગ્રહ ના પ્રક્ષેપણ માટે  યુરોપ ની અંતરિક્ષ સંસ્થા ESA ના એરીઆન (Ariane) રોકેટ નો ઉપયોગ થાય છે. GSLV-Mk-III ના સેવા માં આવ્યા પછી ઇસરો ના લગભગ બધા જ ઉપગ્રહ ના પ્રક્ષેપણ ભારત ના રોકેટ વાપરી ને કરી શકાશે.

GSLV-Mk-II કલાકાર ની નજરે
છબી સૌજન્ય :By WDGraham, Attribution, https://commons.wikimedia.org/w/index.php?curid=3831021

GSLV-Mk-III ત્રણ ખંડ અથવા સ્ટેજ (stage) નું રોકેટ છે. નીચે ના પ્રવાહી ઇંધણ વાપરતા બીજા નંબર ના સ્ટેજ ની બે બાજુ ઘન ઇંધણ વાપરતાં બે બુસ્ટર (booster) નુ બનેલું પ્રથમ સ્ટેજ છે. સૌ થી ઉપર પ્રવાહી પ્રાણવાયુ (oxygen) તથા પ્રવાહી હાઇડ્રોજન  (Hydrogen) ને ઇંધણ તરીકે વાપરતું અતિ-શીત (Cryogenic- ક્રાયોજેનિક) સ્ટેજ છે.

ક્રાયોજેનિક સ્ટેજ અથવા એન્જીન રોકેટ નું સૌ થી મહત્વ નું અંગ છે, તથા તેનો વિકાસ  સૌથી જટિલ કાર્ય છે.  GSLV-Mk-II પણ ક્રાયોજેનિક એન્જીન વાપરે છે. આશરે સાડા સાત ટન  ના ધક્કા (thrust) ની  ક્ષમતા ધરાવતા  GSLV-Mk-II ના ક્રાયોજેનિક એન્જીન ની રચના અથવા ડિઝાઈન ભારતે રશિયા પાસે થી પાછલી સદી ના છેલ્લા દશક માં ખરીદેલા એન્જીન પર આધારિત છે. આ સામે લગભગ ૨૦ ટન ના ધક્કા ની ક્ષમતા વાળું GSLV-MK-III નું ક્રાયોજેનિક એન્જીન ઇસરો માં ડીઝાઇન થયેલું સંપૂર્ણ ભારતીય બનાવટ નું છે.

આમ તો સન ૨૦૧૪ ના ડિસેમ્બર માસ માં LVM-III ના નામ કરણ સાથે GSLV-MK-III નું પ્રાયોગિક પ્રક્ષેપણ કરવા માં આવ્યું હતું. ત્યારે ક્રાયોજેનિક એન્જીન હજુ તૈયાર ન હોવા થી તેની જગા પર એક ડમી એન્જીન બેસાડવા માં આવ્યું હતું. તેથી રોકેટ માં ઉપગ્રહ ને ભ્રમણ કક્ષા માં મૂકવા ની ક્ષમતા ન હતી. પરંતુ આ પ્રક્ષેપણ દ્વારા  રોકેટ ના ક્રાયોજેનિક એન્જીન સિવાય ના બધા ભાગ (components- કમ્પોનન્ટસ) તથા તેના સંચાલન ની પ્રણાલી (systems- સીસ્ટમ્સ) ની સંપૂર્ણ ચકાસણી શક્ય બની. રોકેટ ના ક્રાયોજેનિક એન્જીન  ને તૈયાર કરવા માં ઇજનેરો ને સમય લાગ્યો, હવે વિવિધ ચકાસણીઓ માં થી સફળતા પૂર્વક પસાર થઇ આ એન્જીન  સાથે નું રોકેટ પહેલી ઉડાન માટે તૈયાર છે. LVM-III તથા ક્રાયોજેનિક એન્જીન ની સફળતા ના કારણે આવતાં માસ માં નિર્ધારિત થયેલ સંપૂર્ણ રોકેટ ના પ્રક્ષેપણ ની સફળતા માં ઇસરો ને ખૂબ વધારે વિશ્વાસ છે.

GSLV-MK-III માં વપરાયેલ ઘણા બધાં ભાગ તથા પ્રણાલી GSLV-MK-II તથા ભારત ના અતિ-વિશ્વસનીય રોકેટ PSLV  માં વપરાતાં ભાગ તથા પ્રણાલી પર આધારિત છે, તેમનો વારસો ધરાવે છે.  તેથી GSLV-MK-III  તદ્દન નવી ડીઝાઇન નું રોકેટ હોવા છતાં, તેની લગભગ બધી પ્રણાલી  એક યા બાજી રીતે સફળતા ના વારસો ધરાવે છે. તેથી જ તો રોકેટ ના પ્રથમ પરિક્ષણ ની સફળતા ઇસરો ના ઝગમગતા મુગટ માં એક વધારે શાનદાર પીછું ઊમેરશે એવો વિશ્વાસ અસ્થાને ન ગણાય

શેર કરો