કેસ્સીની ની છેલ્લી સફર

કેસ્સીની-હાયગેન્સ યાન
છબી સૌજન્ય : ESA/NASA

સન ૨૦૦૪ થી શનિ ગ્રહ ની કક્ષા માં ઘૂમી રહેલ કેસ્સીની (Cassini) અંતરિક્ષ યાન હવે તેના દિલ-ધડક છેલ્લાં ખેલ માટે તૈયાર થઇ રહ્યું છે. ૨૦ વર્ષ પૂર્વે પૃથ્વી થી ઉપડેલા યાન માં હવે ઇંધણ લગભગ ખલાસ થવા માં છે નાસા ના જણાવ્યા મુજબ એપ્રિલ ૨૬, ૨૦૧૭ ને બુધવાર ના રોજ કેસ્સીની ની કક્ષા શનિ ગ્રહ તથા ગ્રહ ના વલય વચ્ચે ના ૨,૪૦૦ કિલોમીટર પહોળા પટા માં થી પસાર થાય તેવી બનાવવા માં આવશે. . ત્યાર બાદ, સપ્ટેમ્બર ૨૦૧૭ માં યાન શનિ પર તૂટી પડી પોતાની ઉજ્જવળ કારકિર્દી સમાપ્ત કરશે.

કેસ્સીની નુ પ્રક્ષેપણ (launch) સન ૧૯૯૭ ના ઓક્ટોબર ની ૧૫ મી તારીખે થયું હતું.  સાથે એક જોડીદાર પણ હતો. ૩૧૮ કિલોગ્રામ વજન ધરાવતું હાયગેન્સ (Huygens), જે નુ કામ હતું ઘનઘોર વાદળ થી ઢંકાયેલ ટાયટન પર ઉતરી, તેના રહસ્ય

શનિ, ક્સ્સીની ની નજરે
છબી સૌજન્ય : JPL/NASA

ઉકેલવા નું. યુરોપ ની અંતરિક્ષ સંસ્થા એ વિકસિત કરેલ હાયગન્સ યાન નું નામ જેમણે સત્તર મી સદી માં ટાયટન ની શોધ કરી હતી તે ડચ વેજ્ઞાન(ક તથા ખગોળશાસ્ત્રી ક્રીશ્ચીઆન હાયગેન્સ ( Christiaan Huygens) ના નામ પર થી રાખ્યું હતું. ખુદ કેસ્સીની નું નામ પણ શનિ ના ચાર ઉપગ્રહ ના શોધક તથા તેના વલય ના અભ્યાસી તેવા ઇટાલી ના ખગોળશાસ્ત્રી જોવાન્ની ડોમાનીકો કેસ્સીની ( Giovanni Domenico Cassini)  ના નામ પર થી રખાયું છે.

શનિ ગ્રહ ની મુસાફરી દરમ્યાન  સન ૨૦૦૦ માં કેસ્સીની-હાયગેન્સ યાને રસ્તા માં આવતાં ગુરુ ગ્રહ નુ લગભગ ૬ માસ લગી સંશોધન કર્યું. સન ૨૦૦૪ ના જૂન માસ માં યાન શનિ ગ્રહ તથા તેના ઉપગ્રહ ની કક્ષા માં પહોંચી ગયું. ૨૪ ડિસેમ્બર ૨૦૦૪ ના રોજ હાયગેન્સ ટાયટન તરફ જવા કેસ્સીની થી અલગ થયું  લગભગ ૨૨ દિવસ લગી સુષુપ્ત અવસ્થા માં પસાર કર્યા બાદ  જાન્યુઆરી ૨૦૦૫ ની ૧૪ તારીખે યાન ફરી કાર્યરત થયું તથા લગભગ બે કલાક ના ઉતરાણ દરમ્યાન પોતાના છ વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા ટાયટન ના વાતાવરણ નો અભ્યાસ કરી હાયગન્સ ટયટન પર ઊતર્યું તથા પોતાની બેટરી ચાલી ત્યાં   લગી ટાયટન ની  સપાટી પર થી ઘણી છબી પણ મોકલી. આમ હાયગેન્સે પૃથ્વી થી સૌ થી દૂર ની જગા પર ઉતરવા  નો વિક્રમ સ્થાપ્યો.

 

ટાયટન ની સપાટી ની છબી
છબી સૌજન્ય : ESA/NASA

સન ૨૦૦૪ થી આજ લગી કેસ્સીની પર ના ૧૭  ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિક ને શનિ ગ્રહ તથા તેના ઉપગ્રહ બાબત અઢળક માહિતી મળી છે.   તેમાની કેટલીક તો અપ્રતિમ, નાટકીય ખોજ  છે. ઉદાહરણ રૂપે, ઉપગ્રહ   એન્સેલાડસ (Enceladus) પર ના ભૂગર્ભ સમુદ્ર માં થી નીકળતા, લાવા ની જગા એ પાણી ફેંકતા “શીત-જ્વાળામુખી”   તથા સૂર્ય માળા ના બીજા ક્રમાંક ના સૌ થી મોટા ઉપગ્રહ ટાયટન  પર પ્રવાહી મિથેન (Methane) ના સાગર.

હવે યાન તેની કારકિર્દી ના કદાચ સૌ થી જોખમી તબક્કા  માટે સજ્જ થઇ રહ્યું છે. યાન જે કક્ષા માં જવા નુ છે તે શનિ ગ્રહ તથા તેના સૌ થી અંદર ના વલય ની વચ્ચે થી પસાર થશે. આશા તો છે કે આ ભાગ માં યાન ને નુકસાન પહોંચાડી શકે તેવા મોટા પદાર્થ નહીં હોય. પરંતુ સાવચેતી રૂપે, શરૂઆત માં ઇજનેરો યાન ની મોટી એન્ટેના  યાન ની  ઢાલ બની રહે તેવી રીતે રાખશે.  છેલ્લે, શનિ પર તૂટી પડતાં પહેલા યાન પોતાના ઉપકરણ વડે શનિ ગ્રહ ના વાતાવરણ બાબત માં અમૂલ્ય માહિતી આપશે તેવી વૈજ્ઞાનિકો ને આશા છે.

 

 

શેર કરો

  1. કશ્યપ માંકડ

    શનિ નડવા ને બદલે તેને મળવા દોડીએ એ ને પ્રગતિ જ કહેવાય. સુંદર માહિતી અને ફોટોગ્રાફ . એકાદી વિડીયો ક્લિપ મુકી હોટ તો?